અમદાવાદ,
૩૧ ડીસે. ૧૯૪૪
પરમ પ્રિય ભાઈ,
તારો પત્ર અહીં આવ્યા પછી એક મળ્યો. એક કાર્ડ પણ ગઈ કાલે જ મળ્યું. મોટાભાઈને ટી.બી. છે તે જાણ્યું. કેટલા દુ:ખની વાત ! બહુ જ આમતેમ ફરવાથી તબિયતમાં પાછો ઉથલો ખાધો અને અનેક પ્રયાસો ને ઈશ્વરની દયા પછી ઠેકાણે આવેલું શરીર પાછું સપડાયું. માનસિક વ્યગ્રતા પણ ઓછી હશે ? ને તેનું દુ:ખ પણ કેટલું ? શરીર પર તેની અસર કાંઈ ઓછી થાય કે ? મોટાભાઈની લાયકાત વિશે તો કહેવાનું જ શું હોય ? ગયે વર્ષે તો આ વખતે તે સાથે હતા. કેટલી બધી સેવા તેમણે ઊઠાવી હતી ! તેને પ્રેમ પણ પુષ્કળ હતો ! ખાવાનું કરતા, વાસણ સાફ કરતા, પાણી લાવતા, જમાડતા પણ-ને શું શું ના કરતા ! ને આ બધુંયે તેમણે કેવલ પ્રેમને માટે સ્વીકારી લીધું હતું ! કેટલો અજબ તેમનો પ્રેમ હતો ! જો કે મૂળ નાસ્તિક એટલે કે કોઈ વસ્તુને માત્ર શ્રદ્ધાના બળથી માને નહિ કે સ્વીકારે નહિ. વિચારની ચોક્કસ પ્રતીતિ થયા વિના કોઈ વસ્તુને માને જ નહિ. પણ સાથે સાથે એટલુંયે ખરું કે કોઈ વસ્તુ સમજાઈ જાય કે બુદ્ધિમાં ઉતરી જાય તો તેને તરત જ સ્વીકારી લે. તે પછી તેમના હૃદયમાંથી તે કદી જાય પણ નહિ. સારી રીતે ઉછરેલા ને રહેલા છતાં ફક્ત પ્રેમને લીધે કે આવી કો'ક સ્પષ્ટ વિચારની પ્રતીતિને લીધે તેમણે દશરથાચલ પર ખૂબ ખૂબ કામ કર્યું. જે કદી ભૂલી શકાય તેમ નથી.
ગયે વર્ષે આ દિવસ દશરથાચલ પરના દિવસોનો છેલ્લો દિવસ હતો. દેહાતીત અવસ્થાની એક જુદી જ વિલક્ષણ દશા આ દિવસે પ્રાપ્ત થઈ હતી. તે વખતે આ શરીર પહાડની એક ચોટી પર સુતેલું જેવું હતું. સૂર્યના તાજાં પ્રખર કિરણો તેના પર પડતાં હતાં. આખાયે શરીરમાં એક પ્રકારની અજબ સ્ફૂર્તિ હતી. ‘સર્વ કાંઈ ઈશ્વર છે, વાસુદેવ છે’, એ ભાવના અનુભવાતી હતી એટલે તેનો આનંદ પણ ઓર હતો. એકાએક મન નિર્વિકારમાં મળવા માંડ્યું : ભાન થોડું ઘણું હતું તે પણ લુપ્ત થવા માંડયું ને આખરે...બધીયે સુધબુધ જતી રહી. પાંચેક મિનિટમાં જ આ સ્થિતિ પ્રાપ્ત થઈ. શરૂઆતમાં તો ખૂબ ભય જેવું લાગવા માંડયું. શરીરથી મન જ્યારે ઉપર ઊઠે છે ત્યારે શરૂશરૂમાં આમ જ થાય છે, એમ લાગે છે. જાણે કે પડી જવાતું હોય એવો ભાસ થયો. શરીર પહાડની ચોટી પરથી ગબડી પડવાનું હોય, ગબડી પડતું હોય, એમ લાગવા માંડ્યું. મોટાભાઈ પાસે જ બેઠા હતા. કાંઈક લખતા હતા. દેહાતીત અવસ્થામાં જાણે બૂમ પાડી : ભાઈ, પકડો...પકડો...શરીરને પકડી રાખો. તેમણે સાંભળ્યું કે નહિ ખબર ના પડી. પણ શી રીતે સાંભળે ? એ તો દેહાતીત અવસ્થાની બૂમ હતી. ત્રણ-ચાર કલાક એ અવસ્થામાં વહી ગયા હશે. ભાન આવ્યું ત્યારે જોયું તો મોટાભાઈ એમ જ હતા : લખવામાં પ્રવૃત્ત હતા. તેમને જાણે કાંઈ ખબર જ ન હતી.
આ દશરથ પરનો છેલ્લો દિવસ હતો. તેનો આનંદ પણ અજબ હતો. તે સાચે જ એક યાદગાર દિવસ હતો. આ પછી બીજે જ દિવસે સવારે નીચે આવવાનું થયું. મૌન હજી પણ ચાલુ જ હતું. જીવનના યાદગાર દિવસોમાં ૯ જાન્યુ. (ઋષિકેશ ૧૯૪૧ નો અનુભવ દિવસ) ને ૧ જાન્યુ. એમ બે દિવસો વિશેષ મહત્વ ધરાવે છે.
તારો કાર્યક્રમ કેવોક ચાલે છે ? ધ્યાનાદિ કેમ થાય છે ? કાંઈ વાંચન ચાલે છે કે નહિ ? દસ દિવસની નોંધ લખવાનો વિચાર કરેલો તેનું શું થયું ? કૃષ્ણની પ્રતિમા રાખી, જાણી ખૂબ આનંદ થયો. શરૂઆતમાં થોડું થોડું ઉઘાડી આંખે ધ્યાન કરવાનું રાખવું વધારે ઉપયુક્ત છે. સાથે સાથે બંધ આંખે પણ ધ્યાન કરતા રહેવું. બંને રીત એકસરખી ઉપયોગી છે; ઉઘાડી આંખે ધ્યાન કરવું કે બંધ આંખે તે બહુ અગત્યનું નથી. અગત્યની વસ્તુ તો પ્રેમ કે ભાવ છે. આ પ્રકટે એટલે થયું. સ્થિતિની અગત્ય કાંઈ વિશેષ નથી. મનની એકાગ્રતા જ મુખ્ય છે. એ અભ્યાસ કરતાં કરતાં પ્રકટે છે.