if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેવપ્રયાગ,
તા. ૮ જાન્યુ. ૧૯૪૪

પ્રિય નારાયણ,

આજે વળી એકાએક વિચાર થતાં અને અનુકૂળતા મળતાં પત્ર લખું છું. ખરેખર, તારી સ્મૃતિ મને વારંવાર રહે છે. તારામાં જે હૃદયશુદ્ધિ, તાલાવેલી ને ભાવના છે તે ક્યાંય દેખાતી નથી, ને તેથી જ આજે પાછો તને કંઈક લખવા પ્રેરાઉં છું. હવે પહેલાંની જેમ લખતો રહીશ.

ઋષિકેશથી મેં તને છેલ્લો પત્ર લખેલો. તે પછી દશરથાચલ રહેવાનું થયેલું. તે વિષે મનુભાઈએ પત્રમાં લખ્યું હશે. બહુ સુંદર સ્થાન હતું. ત્યાં એક માસ રહેવાનું થયું. અત્યારે દેવપ્રયાગ ગંગોત્રીના રસ્તા પર રહેવાનું થયું છે. સાથે મનુભાઈ પણ રહે છે. મનુભાઈ ઋષિકેશથી સાથે થયા છે. સારા ભક્તિભાવવાળા છે. જો કે મારી તદ્દન એકલા રહેવા ઈચ્છા છે પરંતુ ઈશ્વરેચ્છા પ્રમાણે થશે તે સારું જ થશે. મારામાં હજી એવી શક્તિ નથી કે હું બીજાને ઉપયોગી થઈ શકું. અને મારી આજની અવસ્થા જોતાં હું અપરિચિત ને એકલો રહું એ ઠીક જણાય છે. જેવી ઈશ્વરેચ્છા. જગતમાં અનેક સંતપુરુષો થયા છે. મારી વિશેષ પ્રીતિ ને આકર્ષણ રામકૃષ્ણદેવ પર છે. તેઓ ધારે તે કરી શકતા. એવી સ્થિતિ ના આવે ત્યાં સુધી નાનીસૂની વાતોથી આનંદ માનવાનું મારું વલણ નથી. ખરી રીતે તો હજી આધ્યાત્મિક સાધનામાં હું બાળક જ છું. શરૂઆતમાં રમનારો છું. એટલે મારે માટે સમય-શક્તિની ખૂબ જરૂર છે.

અહીં એકાદ માસ રહેવાશે. તારી સ્થિતિ વિષે લખજે.

*

તને ખબર છે કે ૧૯૪૧માં મારું ઋષિકેશ આવવું થયું. તે પછી માતાજીને ઘેર સ્વપ્ન આવેલું. તેમાં શંકર ભગવાને કહેલું કે તું વ્યર્થ શોક શું કામ કરે છે ! તારો પુત્ર કાંઈ તારો નથી. એ તો મારો છે. હું એને લઈ ગયો છું ને હું જ એને પાછો લાવીશ. આ પછી માતાજીને શાંતિ થઈ હતી. માતાજીએ એ વાત ૧૯૪૧માં ઘેર ગયા પછી કરી હતી. પણ તે જ રાતે મેં ૧૯૪૧માં ઋષિકેશથી જે પત્ર લખ્યો હતો તે અનુભવ થયો હતો. તે પછી વિવિધ અનુભવો થતા ગયા. પરંતુ એક વાત દૃઢ રહી કે હું મુક્ત છું. આ વખતે દશરથાચલ જતાં એક નવીન વિચારધારા પ્રકટી કે માતાજીને સ્વપ્ન આપનાર એ શંકર ભગવાન તો એ દિવ્ય વાણી કરનાર પણ તે જ હોવા જોઈએ. અને જો તે સત્ય હોય તો એક વાર ઘેર માતાજીએ મને કહેલું કે ઈશ્વર ઈશ્વર તો બહુ કરે છે : તારામાં એવી શક્તિ હોય તો મને ઈશ્વરનાં દર્શન કરાવ. તે વખતે મેં તો કહ્યું : મારામાં એવી શક્તિ નથી. પરંતુ તે જ રાતે માતાજીને શંકર ભગવાનનાં સ્વપ્નમાં દર્શન થયાં હતાં. તે પ્રમાણે મને પણ દર્શન કેમ ન થાય ? ખાલી મુક્ત માનવાથી શું વળે ? આ વિચારની ચોક્કસ છાપ પડતી ગઈ. તે પછી થયું પણ એમ કે ૧૬ ડીસે. ૧૯૪૩ ગુરુવારે બ્રાહ્મમુહૂર્તમાં ભગવાન શ્રી રામચન્દ્રે ધ્યાનાવસ્થામાં દર્શન આપ્યું. ખૂબ આનંદ થયો. સાકાર દર્શનની ઈચ્છા તથા સમાધિ દશાની પ્રાપ્તિ આ બે વિચાર દશરથાચલ જતા હતા. તે અનુસાર દર્શન માટે વેદના પણ થયેલી. પરંતુ રામચન્દ્રજીનાં દર્શન કરવાં છે એવી ઈચ્છા હતી નહીં. તે વિષયક સાધન પણ નહિ થયેલું. પરંતુ પ્રભુ પ્રેમી છે, દયાળુ છે. તે પ્રેમને જ જુએ છે. તેમની આવી અપાર, અકારણ કૃપા જોઈ હૃદય ગદગદ થઈ ગયું. આનંદની તો વાત જ શી ! જે સાકર ચાખે તેને સ્વાદ સમજાય.

આ પછી ૨૫ તારીખ સુધીમાં થોડા વિલક્ષણ અનુભવો થયા. ૨૫ તારીખથી એમ થયું કે તદ્દન એકાંત સેવવું ને બને તો એકાંતમાં જ રહેવું. (મૌન તો કુદરતી રીતે જ દશરથાચલ જતાં વાર થઈ ગયું હતું. હજી તે ચાલુ છે. બધે એક ચેતન તત્વનો અનુભવ થતાં હૃદય આનંદના રસથી તરબોળ થઈ જાય છે ને સ્વાભાવિક રીતે જ વાચા અટકી જાય છે. ઈશ્વરેચ્છા હશે ત્યાં સુધી આમ રહેશે.) એકાંતમાં ખાવાનું મનુભાઈ મૂકી જતાં. મનુભાઈએ આ દરમ્યાન સારો ભાવ બતાવ્યો. આ દરમ્યાન પેલો વિચાર નિશ્ચયરૂપે પરિણત થયો કે શંકર ભગવાનનાં દર્શન ન થાય ત્યાં સુધી આ ઓરડાની બહાર નીકળવું નહિ. લોકો ધન, ધરા ને રમાને માટે હતા-ન હતા થઈ જાય છે, આંસુના ઘડા છલકાવે છે. આપણે આ ઉચ્ચ આદર્શને-જગતના જીવનને-માટે પ્રાણાર્પણ કરીએ એ આપણું ભાગ્ય ક્યાંથી ? વળી એક વાર તો આ શરીર જીર્ણ થશે જ ને ભસ્માવસ્થાને પ્રાપ્ત થશે તો તે ભગવાનને માટે પડે એ જ ઉત્તમ છે. જ્યારે કોઈક સાંભળશે કે અમુક પ્રેમીએ ભગવાનને માટે શરીર છોડવું પડ્યું ત્યારે તે ભગવાન પર હસશે કે અહા, આમ કહેવાય છે તો દીનદયાળ, ને એક આવો બાલક કે જે ધન, વૈભવ, વૈકુંઠ, સ્વર્ગ કે મોક્ષ પણ ઈચ્છતો ન હતો, અરે તારી મધુર વાણી પણ માગતો ન હતો, તારું દર્શન જ માગતો હતો, તેને તેં તૃપ્ત ન કર્યો ? આ બધા વિચારો સાથે આંખમાંથી આંસુની ધારા ચાલી જતી હતી. વ્યાકુળતાની તો વાત જ શી કરવી ! બુદ્ધદેવ યાદ આવ્યા. આમ તો જેમ રામકૃષ્ણ તેમ તે પણ અવતાર જ ગણાય છે. તેમનું દર્શન પહેલાં થયું હતું. પણ મારે તો શંકર ભગવાનને જ જોવા હતા. આગલે દિવસ રાતે સ્વપ્નમાં તેમનો કરાલ સર્પ પણ દેખાયો હતો. ગમે તેમ, બે દિવસ એમ જ ગયા. ત્રીજે દિવસે ભોજન છૂટી ગયું. સ્પષ્ટ વિચાર હતો કે દર્શન ન થાય ત્યાં સુધી જમવું નહિ-જમવું ગમે જ ક્યાંથી ? ભલે એમ જ કાયા પૂરી થાય. આખો દિવસ પહેલાના બે દિવસ કરતાં વ્યાકુળતા વધારે રહી. પાછળથી એ વિષે વિચાર છોડી દેવાનો વિચાર થયો. થયું કે એમને આવવું હશે તો આવશે. મારે શું ? શંકર ભગવાનનાં આશુતોષપણા પર તે પહેલાં કાવ્યો લખાયેલાં. વિચાર થયો કે આજે દર્શન ન થાય તો સવારે તે ફાડી નાખવાં. ત્રણ દિવસમાંનો એ છેલ્લો દિવસ હતો. (જ્ઞાન ભાવ દબાઈ ગયો હતો. નહિ તો હું મુક્ત જ છું, એમ જ રહેત ને આવો પ્રબળ ભક્તિભાવ જાગત નહિ ) રાત થઈ. સુઈ જવા વિચાર કર્યો. ઊંઘ આવી નહિ. પ્રાર્થના શરૂ કરી. આ પછી શું થયું તે ખ્યાલ નથી. લગભગ ૧૦-૧૧ વાગ્યા હશે. સ્થિતિ ખૂબ બદલાઈ હતી. તે વખતે મન કોઈ આકાશી પદાર્થની જેમ ઊડ્યું. ને તે પછી ? તે પછી શું તે કહેવું પડશે ? પદ્માસનસ્થ, કૌપીનધારી, વ્યાઘ્રચર્મ શોભિત, ભગવાન શંકર...ભગવાને કૃપા કરી ! આનંદ આનંદ થઈ રહ્યો. એક જ રાત હતી, અરે થોડા જ કલાક, પણ ભગવાને લાજ રાખી. મારી ને તેમની બેઉની. રાતે કરતાલથી ખૂબ કીર્તન થયું. આ પછી કૃષ્ણ ગોપિકાની પ્રારંભિક રાસલીલા શરૂ થઈ, કેમ કે તે પણ જોવા ઈચ્છા હતી. પરમહંસ દેવનાં વચન આ રહ્યા : કલિયુગમાં ઈશ્વરદર્શન માટે ફક્ત ત્રણ દિવસ પૂરતા છે, જાણે તેની જ પ્રતીતિ થઈ.

આખી રાત ઊંઘ તો ક્યાંથી આવે ? હૃદય ખૂબ આનંદથી ગદગદ્ હતું. ‘અહા પ્રભુની કરુણા, દીનદયાળુતા ! ભક્તવત્સલતા ! મનુષ્યની તાકાત શી છે કે તે તેમને પ્રેમથી બાંધી શકે ? તેમને જોઈ શકે ? તેમની પોતાની દયા વિના કાંઈ બને નહિ. તને, લખાઈ જાય છે, હર્ષ થશે કે જેમના પર મારો પ્રથમથી જ ખૂબ ભક્તિભાવ રહ્યો છે ને જેમને જોવા ઈચ્છા પણ હતી તે પરમહંસદેવે પણ કૃપા બતાવી દર્શન દીધાં છે. (ઋષિકેશમાં)

એ સિવાયના કેટલાક અદભૂત ને વિલક્ષણ અનુભવોની વાત લખીશ નહિ, ને પૂછીશ પણ નહિ. કેમ કે એવી વાતો સર્વ સાધારણ સામે પ્રકટ કરવી ઠીક નથી. ફક્ત આ બે ત્રણ વસ્તુઓ મારા વ્હાલા પતિતપાવન પ્રભુની દયા બતાવવા ને મારું નહિ પણ તેમનું ગૌરવ વધારવા તારો અનુપમ પ્રેમ જોઈને લખી છે. મારા જેવો નિર્બળ ને તે પણ સાકારનાં દર્શન કરવા વિશેષ પ્રયત્ન નહિ કરનારો, તેને જ્યારે વય, યોગ્યતા, વગેરે કોઈ વસ્તુને ધ્યાનમાં લીધા સિવાય પ્રભુએ કૃપાવૃષ્ટિથી રસબોળ કર્યો તો જે વિશુદ્ધ મન હોઈ ભક્તિનું જ સાધન કરશે. તેને તો શું નહિ મળે ? જેનો દરબાર દીનને માટે ને શરણાગતોને માટે હરહંમેશ ઉઘાડો છે, એવા પ્યારા પ્રભુનો જય હો ? પ્રેમ એ જ પર્યાપ્ત છે. પ્રેમ આગળ કોઈ બીજી વસ્તુની ઈચ્છા રહે તો સમજવું કે પ્રેમ પ્રકટ્યો નથી. એ પ્રેમ જ આપણે તો માગીએ. જગત આખુંય એ પ્રિયતમનું, પરમ આત્મદેવનું મંદિરિયું છે. તેમાં રાતદિન તેનામાં જ જીવવું, તેનો જ અનુભવ કરવો ને રહે ત્યાં લગી શરીરમાં પ્રેક્ષક જેમ રહેવું, એ જ એક આનંદ છે.

*

મુખ્ય વાત હૃદયની શુદ્ધિ ને શરણાગતિની છે. અશુદ્ધ હૃદયમાં તો મનુષ્ય પણ પગ મૂકતાં અચકાય છે ! અને જે આપબળે તેને જોવા ઈચ્છે, મથે, તેને તે મળે નહિ. તેને ઉલટી કેટલીક જવાબદારી વહોરવી પડે. જે તેના જ પર બધો ભાર મૂકી દે ને હે પ્રભુ, હું તારે શરણે છું, એમ કહી જે તેના ચરણનો જ આધાર લે, તેનો બધો ભાર તેને વહોરવો પડે છે. ને તેને સફળ પણ કરવો પડે છે. કેમ કે તેમાં તેની જ મોટપ-નાનપનો પ્રશ્ન રહેલો છે. આ જ શરણાગતિનું રહસ્ય છે. સર્વધર્માન્ પરિત્યાજ્ય મામેકં શરણં વ્રજ !

પણ હું તો કહું છું પ્રેમ પ્રકટવા દો. હૃદય શુદ્ધ થતાં ને પ્રેમ પ્રકટતાં બધે તેનું પ્રતિબિંબ પડશે. ને સૌન્દર્ય, દયા, પ્રેમ ને માધુર્ય રૂપે રહેલો ઈશ્વર સર્વ સ્થળે દેખાશે-અનુભવાશે આનો આનંદ ભારી હશે. આના રસમાં શરીર પણ વિસરાશે. આ જ આત્મસાક્ષાત્કાર, જીવનમુક્તિ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.