ઋષિકેશ,
તા. ૨૧ જાન્યુ. ૧૯૪૫
પ્રિયતમ રામ, આત્મન્
ગઈ કાલે તારો પત્ર મળ્યો. વાંચી ઘણો જ આનંદ થયો.
પત્રમાં તેં તારી સ્થિતિ વિશે આ લખ્યું છે. પ્રેમીના હૃદયની સ્થિતિ અનેરી હોય છે. તેની આંખમાંથી અશ્રુ વહેવા માંડે છે, પ્રેમીનું નામ સાંભળતાં તે નાચવા માંડે છે, આનંદ પામે છે. પણ ભાવનો ખૂબ જ અતિરેક થતાં તે શૂન્યમનસ્ક જેવો પણ બની જાય છે. ને લાગણીથી પર જડ હોય તેમ બેસી રહે છે. આ પણ પ્રેમીની એક મનોદશા છે. પણ શરૂઆતના સાધકોને માટે તે દશા દરેક વખતે પ્રેમમાંથી જન્મેલી નથી હોતી. તેમને માટે તો તે લાગણી વિનાની જ દશા અથવા પ્રેમ વિનાની દશા જ હોય છે. આનું કારણ હૃદયમાં પૂર્ણ પ્રેમ પ્રકટ્યો નથી તે જ છે. સંસારનો થોડોક પણ રસ રહી જાય ત્યાં સુધી ઈશ્વરનો પરમ પ્રેમ પોતાની પૂર્ણ કલાથી જીવનમાં પ્રકટી શકે નહિ. આ પ્રેમ પ્રકટે તો થઈ રહ્યું. જીવન ધન્ય બની જાય. આનંદની તો ખામી જ ના રહે. સંત પુરુષો કે પ્રેમી આત્માઓના જીવનના મનનથી પ્રેમ ખીલે છે ને મદદ મળે છે. બને તેટલો વધારે સમય નામસ્મરણ કરવાથી પણ પ્રેમનો વેગ વધે છે.
અહીં માતાજી, તારા, સૌ કુશળ છે. સાતેક દિવસ અહીં રહેવાનું થશે એમ લાગે છે. પછી વડોદરા થઈ ઉત્તર તરફ જવાનો વિચાર છે. શરીર હવે સારું છે.
ધ્યાનાદિ નિયમિત ચાલુ રાખવું. એ બધી વસ્તુઓ એવી નથી કે એકાદ બે દિવસમાં જ તેનું ફળ પ્રાપ્ત થઈ જાય. એને માટે ધીરજપૂર્વકની સતત સાધના જોઈએ. ઈશ્વરની કૃપાની પણ તેટલી જ જરૂર છે. લાંબા વખતના સતત સાધન પછી ઈશ્વરકૃપા થાય છે ને તેનું પરિણામ ખુબ જ મોટા પ્રમાણમાં જણાય છે. ત્યાં સુધી સાધકે પ્રયાસમાં લાગ્યા રહેવું જોઈએ.