if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેવપ્રયાગ,
તા. ૨-૪-૧૯૪૫

પરમ પ્રિય,

તારો પત્ર છ-સાત દિવસથી મળ્યો હશે. અહીં રહેવાનું અનિશ્ચિત હતું એટલે ઉત્તર લખ્યો ન હતો. હવે નિશ્ચિત છે ને તે પ્રમાણે આગલા ઓછામાં ઓછા બે-ત્રણ માસ અહીં જ રહેવાનું થશે. ત્યાં આપણે આશ્રમ સંબંધી વાત થઈ હતી. અહીં આવ્યા પહેલાં ચક્રધરજીને પણ એ વિચાર થયો હતો, ને તેમણે અહીં એક સરસ સ્થાન શોધ્યું છે. એકાંત, ઝરણાની પાસે-પર્વતની ગોદમાં, ગામથી દૂર. ખૂબ જ સુંદર સ્થાન છે. આ તરફ એવું સ્થાન મળવું મુશ્કેલ છે. જમીન બહુ જ વિશાળ છે. હાલ તો તેમણે તે લીધી છે. ત્યાં હાલ તુરત માટે એક કુટીર બની રહી છે. જે છ-સાત દિવસમાં પૂરી કરાઈ જશે. તે પછી ત્યાં જ રહેવાનું થશે. આશ્રમ માટેની યોજના અનુકૂળતા હશે તો શિયાળામાં થઈ શકશે. કેમ કે ચોમાસામાં મકાન થઈ શકે નહિ. અહીંની પરિસ્થિતિ પ્રમાણે સુંદર આશ્રમ દસ હજાર સુધીમાં તૈયાર થઈ શકે. હમણાં જે કુટી બની રહી છે તેનું ખર્ચ ૩૫૦ થશે ને જમીનને માટે તેમને ૨૦૦-૨૫૦ આપવા પડ્યા છે. એટલે કુલ ૬૦૦-૭૦૦ નું ખર્ચ થયું છે. ભગવાન જે કરે છે તે સારાને માટે જ કરે છે. પણ...આપણો વિચાર એ છે કે આપણે આ ખર્ચનો ભાર તેને માથે પડવા દેવો જોઈએ નહીં. હું પૂછું છું કે ત્યાં આગળ તારા મોટાભાઈ જે કહેતા હતા તે ખરેખર કહેતા હતા ? તે શું આ વસ્તુમાં કાંઈ મદદ કરી શકે તેમ છે કે ? એટલે કે કોઈની દ્વારા કાંઈ મદદ કરાવી શકે તેમ છે કે ? ઉપરાંત કોઈ બીજી વ્યક્તિઓ દ્વારા પણ સહાયતા મળે તેવો સંભવ હોય તો તું લખી જણાવજે. આ વખતે ચક્રધરજીનું એ તરફ આવવાનું જરા અનિશ્ચિત છે (આ કામને લીધે જ) છતાં તે આવશે તો એપ્રિલ પછી, કદાચ એપ્રિલ આખરે ત્યાં આવશે. શક્ય છે કે તારું એમનું મિલન તે વખતે ના પણ થઈ શકે કેમ કે તું દેશમાં ગયો હોય. એટલે જો આપણા તરફથી આપણે તેમને આ શુભ કાર્યમાં કાંઈક પણ મદદ કરી શકીએ તેમ હોઈએ તો તે અહીં મોકલવું જ ફાવે. પહેલાં તું પ્રયાસ કરી જોજે ને શું મદદ મળી શકે છે તે લખી જણાવજે. પછી બધું થઈ રહેશે. જો કે તે પોતાના સ્વતંત્ર પ્રયાસથી કાંઈક કરી લેશે યા તો ઈશ્વર એવો દયાળુ છે કે તેને આ શુભ કાર્યમાં સાથ જરૂર આપશે, છતાં પણ આપણાથી બનતી મદદ કરીને જો તેનો ભાર હળવો કરી શકાય તો તે સારું છે. કેમ કે ભાવિમાં આ બીજ કેવા રૂપે ફાલશે તે આપણે શું કહી શકીએ ? આ વસ્તુનો ઉહાપોહ બહુ કરવાનો નથી. તેનો નિર્ણય કરી પત્ર લખવામાં વિલંબ પણ કરવાનો નથી. તને આ ભાર નીચે નિમિત્ત બનાવીને નાખવાનો જરા પણ વિચાર નથી. છતાં કહેવાં જેવું કોઈ આ જગતમાં હોય તો કેટલાય સમયથી જાણે એક તું જ છે. તને જ કહેવાનું યોગ્ય લાગે છે. પત્રની આશા જલદી રાખું છું. તું પણ વિના સંકોચ સત્ય વસ્તુસ્થિતિ રજૂ કરજે. હવે આ પાનું ફાડી નાખીશ તો પણ હરકત નહિ રહે.

અહીં આનંદ છે. જેણે આત્માના પ્રદેશ પર પગ મુક્યો તેને આનંદ નહિ તો બીજું શું હોય ? દેવપ્રયાગ પહાડની વચ્ચે વસેલું છે. બે બાજુ ગંગા છે. એટલે સુંદર લાગે છે. પણ પહાડ હોવાને લીધે જરા તપે પણ છે.

હમણાં તો પરીક્ષાની ધમાલ ચાલતી હશે. બાબુભાઈની પણ પરીક્ષાઓ ચાલતી હશે. મનુષ્યની સાચી પરીક્ષા જીવનની મધ્યમાં થાય છે. એકાંત મનુષ્યને વિચારશીલ ને ગહન બનાવે છે એ સાચું. પણ કસોટી તો વ્યવહાર જ કરે છે. વ્યવહાર એ એક આગ છે ને પ્રત્યેક આત્માએ તેમાંથી કંચન થઈને બહાર આવવું જ જોઈએ એ એક નિર્વિવાદ સત્ય છે. માન ને અપમાનની સમતા, સુખ ને દુ:ખ, સમયની અવિચલિત નિષ્ઠાવૃત્તિ, કામ-ક્રોધના આવેગને સહન કરવાની શક્તિ, બધુંયે વ્યવહારમાં પ્રાપ્ત થાય છે. ક્ષમા, દયા, સંયમ, બધાની ખરી કસોટી વ્યવહાર કરે છે. પણ હા, જે મનુષ્ય જડ જેવો છે ને સાવધ નથી, તેમ જ જેને જીવનના ચરમ વિકાસની ઈચ્છા નથી, તે તો એ આગમાં ક્યાં જતો રહેશે એ સમજવું મુશ્કેલ છે, ને તેની રાખનો પણ પત્તો લાગવો કઠિન પડશે. અસાવધ મનુષ્ય હમેશાં ફસાય છે; સાવધ જીતે છે. જીવનના સંગ્રામમાં પણ જે હરક્ષણે સાવધ છે, હરેક પ્રસંગે વિચારી વિચારીને ચાલે છે, તે જ જીતી શકે છે. શાંતિ પણ તેને જ પ્રાપ્ત થાય છે. શાંતિ એ કાંઈ કોઈ એકનો જ ઈજારો નથી. એકાદ બુદ્ધ, એકાદ ઈશુ કે એકાદ સોક્રેટિસનો જ અધિકાર નથી. બુદ્ધ, ઈશુ ને સોક્રેટીસ એ શું છે ? પ્રેમ, જ્ઞાનની તીવ્ર ઈચ્છા ને સત્યને માટે મરી ફીટવાની ને સત્ય જ આચરવાની ઈચ્છા. જે કોઈ એવું બને તે પણ બુદ્ધ થઈ શકે છે. શાંતિ પ્રાપ્ત કરી શકે છે. અને શાંતિ તો સર્વ કોઈનું લક્ષ્ય, અંતિમ ધ્રુવસ્થાન છે !

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.