મનુષ્યજીવનની ઈતિશ્રી

દેવપ્રયાગ,
તા. ૨૪-૪-૧૯૪૫

પરમપ્રિય ભાઈ,

તારો પત્ર પાંચેક દિવસ પહેલાં મળેલો. વાંચી આનંદ થયો. શરીર સારું છે. દેવપ્રયાગ એ પહાડોની તળેટીમાં વસેલુ મોટું ગામ છે. આજુબાજુ પહાડો હોવાને લીધે સુંદરતા વિશેષ લાગે છે. વળી એ સુંદરતામાં વધારો કરતી અહીંની બે સરિતા છે - અલકનંદા ને ભાગીરથી. બંનેનો સંગમ અહીં થાય છે ને અહીંથી તે ગંગા કહેવાય છે. આ સંગમને લીધે દેવપ્રયાગનું મહત્વ વિશેષ ગણાય છે. સંગમને આપણા પ્રાચીન ઋષિઓએ પૂજ્યા છે, તેની પાસે તપસ્યાનાં સ્થાનો નિર્માણ કર્યા છે, ને તેને એલૌકિક દૃષ્ટિથી જોયા છે. અત્યારે બદરીનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે એટલે ઘણા માણસો યાત્રામાર્ગ પર સવારથી સાંજ સુધી આવતાં હોય છે.

વરસાદ એ આ પહાડી પ્રદેશની એક વિશિષ્ટતા ને શોભા છે. માનવજીવનના અનેકવિધ રંગોની જેમ આકાશ અહીં અનેક રંગો ધારણ કરે છે. ઘડીમાં પ્રસન્ન બાળક જેવો સૂર્ય પ્રકટે છે, તો ઘડીમાં વાદળ છવાઈ જાય છે. ઘડીમાં તાપ હોય છે તો ઘડીમાં વળી ગડગડાટ શરૂ થાય છે ને વરસાદ વરસે છે ! વળી સૂર્ય પ્રકટે છે. આવી આવી કુદરતની વિચિત્રતા એ આ પ્રદેશની શોભા છે. ઉઘાડી આંખવાળો માણસ જીવનનાં અનેક ગૂઢતમ રહસ્યોને આ શિક્ષાદાયી કુદરત પાસેથી શીખી શકે છે.

ત્યાં દિવસો કેમ પસાર થાય છે ? ઈડર પણ પર્વતીય પ્રદેશ છે. મંદિરો ને તીર્થસ્થાનો ત્યાં પણ અનેક છે. ત્યાં બધાં કુશળ હશે.

ભગવદ્ ગીતા વંચાય છે કે ? ગીતાનું અધ્યયન ને મનન મનુષ્યને હમેશાં સત્યાભિમુખ રાખે છે. તે તેનામાં એક પ્રકારનું અમૃત ભરી દે છે, જેને પ્રાપ્ત કરીને મનુષ્ય સાંસારિક વિષ સામે, લાલસા ને વિષયો સામે, સહેલાઈથી ટકી શકે છે. મનુષ્યજીવનનું ધ્યેય જે બીજા ધર્મો ને શાસ્ત્રોને સંમત છે તે ગીતા પણ વારંવાર રજૂ કરે છે. ગીતામાં જીવનના ત્રણ મહત્વના મુદ્દાઓ વિશે વારંવાર વ્યાખ્યાન આવે છે. એક તો મનુષ્ય જે સાંપ્રત સ્થિતિમાં છે, વિષયના દાસત્વમાં છે, તે પામરતા અથવા તો આસુરી સંપત્તિમાંથી તેણે દૈવી સંપત્તિમાં આવવું જોઈએ, વિષયના સ્વામી થવું જોઈએ, કામ, ક્રોધ, લોભ, માન-અપમાન, સ્તુતિ-નિંદા વિગેરેથી અવિચલ રહીને દયા, પ્રેમ ને નિષ્કામ સેવા-કર્મના પ્રતીક બનવું જોઈએ. આ જીવનની પહેલી આવશ્યકતા. સારીયે યૌગિક ક્રિયાઓ ને જ્ઞાન-ભક્તિની સાધનાઓ આની અંતર્ગત આવી જાય છે. તે પછી તેવી દૈવી સંપત્તિ દ્વારા જે પવિત્રતા પ્રાપ્ત થાય તે પવિત્રતા દ્વારા સર્વમાં એકાત્મનું દર્શન કરવું- અભિન્નતા જોવી-આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું; ને છેલ્લે તે જ્ઞાનની દૃઢતા કેળવવી, તેની નિષ્ઠા કરવી. ગીતામાં આ ત્રણ મુદ્દાઓ વિશે વારંવાર ચર્ચા ને વર્ણન આવે છે, ને મનુષ્યજીવનની ઈતિશ્રી પણ આમાં જ છે.

હજી સુધી કુટિ તૈયાર થઈ નથી. વચ્ચે મજૂરોનો ઉત્સવ હોવાથી મોડું થયું છે. એટલે રહેવાનું હમણાં ચક્રધરને ત્યાં જ છે. ચક્રધરનું ઘર પણ અલકનંદાના તટ પર હોઈ બહુ જ સુંદર છે. સામે સંગમનું દર્શન ગમે ત્યારે કરી શકાય છે.

ઈશ્વર શું શા માટે કરે છે તે જાણવું ને સમજવું સામાન્ય મનુષ્યબુદ્ધિની બહાર છે. ગુજરાતનો પ્રવાસ ખૂબ જ રસમય ને યાદગાર નીવડ્યો.

 

Today's Quote

There is no pillow so soft as a clear conscience.
- French Proverb

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.