દેવપ્રયાગ,
તા. ૮-૫-૧૯૪૫
પ્રિય ભાઈ,
મુંબઈનો તારો પત્ર મળ્યો હતો. તે પછી ઘરના સરનામે એક પત્ર લખેલો. તે મળ્યો હશે.
શ્રી ચક્રધરજી અહીંથી ૧૫-૨૦ દિવસ થયા આકસ્મિક નીચે ગયા છે. લગભગ દસ દિવસથી મુંબઈ-દાઉજી મંદિર ભુલેશ્વરમાં છે. તેમનું કાંઈ નિશ્ચિત નથી. કદાચ આ તરફ આવનાર કોઈ યાત્રી હશે તો પાંચ સાત દિવસમાં જ પાછા વળશે. ઈચ્છા હતી કે તમારા બંનેનો મેળાપ થાય તો સારું. પણ તેમને જવાનું આકસ્મિક જ થયું. એટલે શું થાય ? હવે ઈશ્વર ઈચ્છે ત્યારે ખરું.
અહીં શ્રી ચક્રધરજીએ પસંદ કરેલી જગ્યા પર એક કુટી હાલ તૈયાર થઈ ગઈ છે. પરંતુ રહેવાને હજી ત્યાં રાખ્યું નથી. આવતી કાલથી ત્યાં રહેવાનું થશે. આ વખતે બદ્રીનાથ તરફ થઈને બની શકે તો કૈલાસ જવાનો વિચાર છે. પરંતુ ચક્રધરજી આવશે ત્યારે બધું નક્કી થશે. હમણાં તો અનિશ્ચિત છે.
શરીર સારું છે.
ત્યાં કેમ ચાલે છે ? અમુક વિકાસ પર જ્યાં સુધી માનવ હૃદય સ્થિત થતું નથી ત્યાં સુધી તેની અંદર યુદ્ધ ચાલ્યા કરે છે. કદીક ધીરું તો કદીક વેગથી. કેમ કે દૈવી (સારી) ને આસુરી (ખરાબ) બંને વૃત્તિઓ હૃદયમાં છે ને બંને પોતપોતાની રીતે પ્રબલ છે. જેનામાં સંયમ નથી તેનામાં આ વૃત્તિઓને પારખવાની ને તેમાંથી પોતાનો માર્ગ મેળવવાની શક્તિ રહેતી નથી. તે વૃત્તિઓનો દાસ થઈ રહે છે. આવું થાય ત્યાં સુધી માનવને માટે આશા ઓછી છે. કયી દિશામાં ક્યાં સુધી તે પહોંચશે તે કહેવું મુશ્કેલ છે. પણ વૃત્તિઓનો જય થઈ એક ચોક્કસ અવસ્થા પ્રાપ્ત થતાં હૃદય પર વૃત્તિઓની શક્તિ રહેતી નથી. વૃત્તિઓ પર આત્માની શક્તિ રહે છે ! તે પછી મનુષ્યને પરિસ્થિતિની બીક નથી. આ સંઘર્ષ જીવનમાં ને જગતની ઘટમાળમાં જ શક્ય છે. જંગલમાં આ પરીક્ષા નથી. કહો કે બહુ ઓછી છે. એટલે જગતની વૃત્તિઓ-અનેકવિધ વસ્તુઓ વચ્ચે રહીને જેણે પરીક્ષા આપી છે, વૃત્તિઓને દાસી બનાવી છે, તેની શક્તિ સાચી છે, કદી ડગે તેમ નથી. આજ સાચી હૃદયશુદ્ધિ છે. ને હૃદયશુદ્ધિ એ કોઈ પણ ધર્મ કે ક્રિયાની ચાવી છે. સર્વ સાધનાની પાછળ હૃદયશુદ્ધિ જ અપેક્ષિત છે. મનુષ્યને શાંતિ પણ આ હૃદયશુદ્ધિથી જ મળે છે.
એટલે જીવનના પ્રત્યેક પ્રસંગ પ્રત્યે સાવધ રહી તેની પરીક્ષા જરૂરી છે. ને તે પ્રત્યે જાગૃત રહી હૃદયશુદ્ધિ મેળવવાની છે. તેમ જ તેને કસવાની છે.
માતાજીને પત્ર લખ્યો હતો કે ? માતાજી હમણાં અમદાવાદ જઈ આવ્યાં. ભગવાનની લીલા અપાર છે. દુનિયામાં સત્ય કરતાં અસત્ય વધારે પૂજાય છે, ને માણસોનો સ્વભાવ પણ કંઈક પરંપરાગત એવો થઈ ગયો છે કે તેમને અસત્ય જ વધારે પસંદ પડે છે.