દેવપ્રયાગ,
તા. ૨૫ જૂન, ૧૯૪૫
પ્રિય નારાયણ,
આગલો પત્ર મળ્યો હશે. ત્યારબાદ બાબુભાઈનો પત્ર મળ્યો. તેના ઉત્તરમાં એક પત્ર આની સાથે જ લખ્યો છે.
શ્રી ચક્રધરજી બદરીનાથથી સાતેક દિવસ થયાં આવી પહોંચ્યા છે. હવે અહીં વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદ એ એવી વસ્તુ છે જે કુદરતને જુદી જ શોભા પ્રદાન કરે છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે અહીં આજુબાજુના પહાડો લીલાછમ થઈ જાય છે. વૃક્ષો ને પુષ્પો સઘળામાં એક પ્રકારનું નવજીવન છવાઈ જાય છે. અહીંની શોભા તે વખતે અનેરી જ થઈ જાય છે. અને અહીંના આનંદનું તો પૂછવું જ શું ? સ્વર્ગ જેવું વાતાવરણ વ્યાપી રહે છે. રાત્રિની ચાંદની, પ્રભાતનો પ્રથમ એવો સૂર્યોદય ને સંધ્યાકાળની રાત્રિમાં પ્રત્યેકને અહીં પોતપોતાની અભિનવ શોભા છે. આ પરથી આ સ્થાનમાં કેટલો આનંદ હશે તે તું કલ્પી શકશે.
શરીર સારું છે. તારું શરીર કેમ છે ? સ્કૂલની પ્રવૃત્તિ તો છોડી દીધી. હવે સમય કેવી રીતે પસાર થાય છે ?
જીવનના વિકાસને માટે એક વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે. એક તો દૃઢ ઈચ્છા. પછી દૃઢ ને અનવરત પ્રયત્ન ને ધ્યેયની દિશા. જીવનની સમુજાત સાધનામાં પડતાં પહેલાં માણસે ધ્યેયની દિશા ને ધ્યેય નક્કી કરી લેવાની જરૂર છે. અન્યથા ઉલટે માર્ગે ચાલ્યા જવાનો કે વચમાં જ રોકાઈ જવાનો ભય છે. પ્રત્યેકના જીવનમાં નાનાંમોટાં અનેક ધ્યેય હોઈ શકે. પરંતુ જીવનનું એકમાત્ર સાચું ધ્યેય તો આત્મદર્શન જ છે. વાસના ને વિષયથી આસક્તિની નિતાન્ત નિવૃત્તિ એ તેની દિશા છે. સાધારણ રીતે પ્રત્યેક મનુષ્યના હૃદયમાં સારી ને નરસી, દૈવી ને આસુરી શક્તિઓનો સંઘર્ષ ચાલે છે. કેટલીક વાર દૈવી વૃત્તિઓ માણસને ભાવાન્વિત કરી દે છે. કેટલીક વાર આસુરી વૃત્તિઓની શક્તિ નીચે તે ઝડપાય છે. આત્મદર્શન નથી થતું ત્યાં સુધીની આ સાધારણ અવસ્થા હોય છે. જીભ વગેરે ઈન્દ્રિયોના સ્વાદ તથા મનોભોગ એવાં પ્રબળ છે કે તે મનુષ્યને પશુ કરી દે છે. જાગૃત માણસ તે વાસનાને હલકી કરી શકે છે, પણ તેનો સ્વાદ નિર્મૂલ કરવો એ ઘણું જ કઠિન કામ છે. પણ આ પણ સાચું છે કે પ્રત્યેક શ્રેયાર્થીને આ સંઘર્ષમાંથી પસાર થવું જ પડશે ને તેમાં વિજયી પણ થવું પડશે. સંસાર એ આ મહાકાર્યની પાઠશાળા છે. તેમાં કસાયેલો મનુષ્ય સો એ સો ટકા સોનું થઈને બહાર આવે છે.
ચાર-પાંચ દિવસ પર અહીં એક હિંદી ભાઈ આવેલા. નાગપુર તરફના રહેવાસી હતા. ચક્રધરજી સાથે શ્રી બદરીનાથની યાત્રા કરી આવ્યા હતા, આશ્રમમાં બે દિવસ રહ્યા. અહીંનું વાતાવરણ એટલું સુંદર ને શાંત છે કે હમેશને માટે રહી જવા તૈયાર થયા. પણ તે યોગ્ય ન હતા. એક તો તદ્દન નિવૃત્તિ પચાવી શકે તેવી તેમની શક્તિ ન હતી. બીજું તેમનામાં ઈશ્વર માટે કે આત્મદર્શન માટે તાલાવેલી પણ ન હતી. એ અવસ્થા વિના એકાંત એટલી મદદ ન કરી શકે ને માત્ર આંતરિક આવેગને વશ થઈ એકાંતનો આશ્રય સ્વીકારી લેવામાં આવે એટલે કે ત્યાગી અથવા નિવૃત્તિપરાયણ જીવન લઈ લેવામાં આવે તો ક્ષણિક રસ મટી જતાં તેવું જીવન માત્ર ઘરેડ થઈ જવાનો પૂરો સંભવ છે. ને તેવી સ્થિતિમાં આવા જીવનથી પોતાનું તેમ જ પારકાનું કોઈનું કાંઈ કલ્યાણ થઈ શકે તેમ નથી. તે ભાઈ અધ્યાપકનું કામ કરે છે. સાથે સાથે સાધન પણ કરશે. એમ કરતાં જ્યારે વૈરાગ્ય પરિપક્વ થશે-ઈશ્વરપ્રેમ તીવ્ર થશે ત્યારે તે જ્યાં હશે ત્યાં ફળ મળશે, ને કોઈ એકાંત સ્થાનનો આશ્રય તેવે વખતે અપરિહાર્ય બનશે તો તેવું એકાંત તેમને શીધ્ર ફલદાયી નીવડશે. ધીરજનું આ માર્ગમાં બહુ જ કામ છે. ઉતાવળથી કશું જ કામ સરતું નથી. આજે તે ભાઈ ઘેર ગયા છે.
આ સ્થાન આવું સુંદર ને હરેક રીતે અનુકૂળ હોવાથી હમણાં અહીં જ રહેવાનું રાખ્યું છે. ઋષિકેશ તરફ જવાની તો હવે ઈચ્છા પણ થતી નથી. આ પહાડી પ્રદેશનો આનંદ ઓર છે.
શરીર પહેલાં જેવું જ છે કે ? પહેલાં ખૂબ કૃશ હતું. હવે તો વધારે મહેનત કરવાની નહિ હોય તો શરીર તરફ પણ લક્ષ આપવું. આસન કરવા. એમ. એ.માં કયો વિષય લીધો ?
માતાજીને પત્ર લખ્યો તે માતાજીને મળ્યો તેવું તેમણે લખેલું. માતાજીને તેથી ખૂબ જ આનંદ થયો. તેવી જ રીતે કોઈકોઈ વાર લખતા રહેવું.