દેવપ્રયાગ
તા. ૧૯ જૂન, ૧૯૪૫
પ્રિય ભાઈશ્રી બાબુભાઈ,
તમારો પત્ર ગઈ કાલે મળ્યો. ખૂબ આનંદ થયો. તમે દેશમાંથી બે પત્રો લખ્યા હશે પણ તે મળ્યા નથી. ટપાલની અવ્યવસ્થાને લીધે પણ હોય. તમારા સમુન્નત વિચારો જોઈને આનંદ થાય છે. તમારો જન્મ સાક્ષાત્કાર માટે જ છે. સાક્ષાત્કાર કાંઈ મનુષ્યને પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, તે તો નિત્યપ્રાપ્ત જ છે. પણ મનુષ્યને તેની પ્રતીતિ થતી નથી. તે થવી જોઈએ. તમને તેવી પ્રતીતિ થતી નથી તો ઓછું આણવાની જરૂર નથી. વિવેકાનંદને પ્રખર આધ્યાત્મિક અનુભવો થયા છતાં રામકૃષ્ણદેવે તેને કહ્યું કે બસ. હવે ચાવી મારી પાસે રાખું છું. સમય આવશે ત્યારે તાળું આપોઆપ ઊઘડી જશે. તેમ તમારું તાળું પણ નિયત સમય પર જરૂર ઊઘડશે. ત્યાં સુધી તમારી દ્વારા જે કાર્ય લેવું હોય તે પ્યારા પ્રિયતમને લેવા દો. બી.એ. નો બરાબર અભ્યાસ કરો. ફિલસુફી તથા સંસ્કૃતમાં સિદ્ધહસ્ત બનો. સાથે સાથે અનુકૂળ સમયમાં ધ્યાનાદિ કરતા રહેવું. ઘણે ભાગે એવું બને છે કે જીવનમાં ઉર્ધ્વારોહણ માટે પ્રબળ આવેગ આવે છે તેને રોકી ન શકવાથી શરૂઆતના સાધકો સંસાર-ત્યાગી થઈ જાય છે. આ લોકોમાં સાચો આવેગ ભાગ્યે જ હોય છે. એટલે સ્વલ્પ સમયમાં જ ત્યાગી જીવનના કષ્ટથી કે સાધનાની નિષ્ફળતાથી તે શમી જાય છે. તેમની પોતાની ગુઢ વાસનાઓ પણ તેમના માર્ગની રુકાવટ બને છે. જેમનો ત્યાગ કુદરતી છે, તેમને તો ઝટ સફળતા મળી જાય છે. આવા પુરુષો પોતે તો આનંદ, શાંતિ, જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, પણ બીજાને તેનો આસ્વાદ કરાવી શકતા નથી. કેમ કે તેમનામાં કેવલ અનુભવ જ્ઞાન હોય છે.
તમારા જેવા શક્તિશાળી યુવકો કેવળ વનવાસી બની પલાંઠી વાળીને બેસી જાય એ મારા હૃદયને જરાય રૂચશે નહીં. તમારા જેવા યુવાનો એકાંત ને તપસ્યા દ્વારા અધિક શક્તિ સંપાદન કરે ને તે દ્વારા હિંદની સમુન્નતિમાં પણ સહાયક બને-હિંદના જ્યોતિર્ધર બને, એ જોવાનું મને ગમશે. એટલા માટે જ અત્યારે મળેલાં સમય ને શક્તિ વધારેમાં વધારે જ્ઞાન (ભલે તે બહારનું રહ્યું) પ્રાપ્ત કરવામાં ખર્ચવા રહ્યાં. આધ્યાત્મિક વિકાસ તો મનુષ્યનો સ્વભાવ જ છે. તે તો થયે જ જાય છે. ને જેણે ઈશ્વર સમર્પણનું રહસ્ય જાણ્યું છે તે પોતાની મુક્તિ માટે ચિંતીત પણ શું કામ રહે ? તેની પાસે પોતાનું એવું છે જ શું ? તે તો નોકર, વેચાયેલો ગુલામ, ભિક્ષુક !
તમારા ને નારાયણ જેવા ઉચ્ચ આત્માઓને સંસાર કે તેની કોઈ પરિસ્થિતિ કાંઈ કરી શકે તેમ નથી. તમારો જન્મ જેને માટે છે તેને જગતની કોઈ પણ સત્તા તિલમાત્ર પણ ફેરવી શકે તેમ નથી. જે ઉચ્ચ શક્તિ દ્વારા તમારું અવતરણ થયું છે તે જીવનના દરેક વાતાવરણમાં તમારી સંભાળ રાખે છે. કોઈ પણ પરિસ્થિતિમાં તેનાથી તમારું અહિત થવું એ સંભવિત જ નથી. એ નિશ્ચયપૂર્વક માનો. ને હમેશાં આનંદમાં રહો. મનને નિર્બળ બનાવીને માણસે જે દીનહીનનો બુરખો ઓઢી લીધો છે તેને તે ખંખેરીને દૂર કરે એટલી જ વાર છે. કેમ કે મુક્તિ ને બંધન, જન્મ ને મરણ, બધો મનનો જ ખેલ છે.
અહીં આનંદ છે. આ સ્થાન ખૂબ જ રમણીય ને એકાંત હોવાથી પ્રિય લાગે છે. એને ‘શાંતાશ્રમ’ ને ‘તપોવન’ એવું સુંદર નામ આપ્યું છે.