દેવપ્રયાગ
તા. ૨૧ સપ્ટે. ૧૯૪૫
પ્રિય ભાઈશ્રી નારાયણ,
પત્ર મળ્યો. વાંચી આનંદ થયો. સેક્રેટરીએટમાં નોકરી સ્વીકારી લીધી તે આનંદની વાત છે. જોઈતું હતું તેવું જ મળી ગયું. હવે તો શારીરિક શ્રમ પણ ઓછો પહોંચે તેવું કાર્ય મળ્યું. એ તો બધું સારું જ થાય. માત્ર શ્રદ્ધા જોઈએ. જે કોઈ પણ સારા કે નરસા પ્રસંગે અવિચલિત રહે, એવી લોખંડી શ્રદ્ધાની જરૂર છે. નોકરી કરવાથી આધ્યાત્મિક શક્તિ હણાય છે એમ માની દુ:ખ લગાડવું નહિ. ઉલટું, એમ માની આનંદમાં રહેવું કે એક કડવી નોકરી છોડાવીને બીજી કેવી અનુકૂળ નોકરી ઈશ્વરે લાવી આપી ! બાકી સંસારમાં રહીને તો થોડીક પણ અર્થપ્રાપ્તિ માટે એવા વ્યવસાયની જરૂર છે જ. સાથે સાથે ઈશ્વરસ્મરણ તથા ચિંતન-મનન પણ ક્યાં નથી થતું ? સ્વાભાવિક રીતે એવું જોવામાં આવે છે કે જરાક ફુરસદ કે નિવૃત્તિનો સમય મળે એટલે માણસ ઈશ્વરસ્મરણ કરે છે. વધારે સાચી વસ્તુ તો એ ગણાય કે ભારેમાં ભારે પ્રવૃત્તિમાં પણ તે ઈશ્વરને ન ભૂલે. તો જ તેનો આનંદ છે ને તેવા જ સ્મરણની કીંમત છે. સંસારને કે તેની પ્રવૃત્તિને મિથ્યા માનવાની નથી. ને તેમ માનીને પરમ શાંતિ તથા ઈશ્વરપ્રાપ્તિને માટે દરેકે જંગલની વાટ પકડવાની પણ નથી. શું સારું ને શું ખોટું, આપણે માટે શામાં મંગલ ને શામાં અમંગલ છે તે આપણે જાણવા સમર્થ નથી. આપણું જ્ઞાન જ કેટલું સીમિત છે ! જે પરમ શક્તિ આ સારી સૃષ્ટિના સૂત્રધાર રૂપે લીલા કરી રહી છે, તે જ એક બધાના મંગલ-અમંગલને જાણે છે. તે બધાંનું મંગળ જ કરે છે. અમંગલનો દોષ તેને કેમ આપી શકાય ? એટલે ઉત્તમ વાત તો એ છે કે જે પરિસ્થિતિ મળે તેમાં મંગલને જોતાં ને આનંદ લેતા શીખવું જોઈએ. આ બધી મનની તો બાજી છે. પોતાને નિત્ય મુક્ત ને શુદ્ધ આત્મસ્વરૂપ સમજીને એક નટ કે સૂત્રધારની જેમ પ્રવૃત્તિની વચ્ચે રહેવાનું છે. હા, જ્યારે તે ઈશ્વરને યોગ્ય લાગશે ત્યારે ઘડીના છઠ્ઠા ભાગમાં તે પ્રવૃત્તિને મુકાવી દેશે ને તેને જ માટે ઝૂરતા કરશે. બાકી દરેકને એવી નિવૃત્તિની જરૂર હોય જ છે. એમ પણ કયાં છે ? શું નાગમહાશય ગૃહસ્થી ન હતા ? પણ વિવેકાનંદ કહે છે કે નાગમહાશય જેવા વિરક્ત પુરુષ રામકૃષ્ણદેવના શિષ્યોમાં કોઈ જ ન હતા. ભગવાન રામકૃષ્ણને માટે તેમના હૃદયમાં જેવો પ્રેમ હતો તેવો પ્રેમ ભાગ્યે જ કોઈકનામાં જડે. વિવેકાનંદ પણ તેમનાં દર્શને વારંવાર જતા. ને જે દૈવી પુરુષે ‘રામકૃષ્ણ કથામૃત’ની નોંધ રાખી હતી તે શ્રી.મ. પણ ગૃહસ્થ જ હતા. તે શિક્ષક હતા. છતાં તેમનો વિકાસ તો ચાલુ જ રહ્યો. એટલે બાહ્ય અવસ્થા પર હમેશાં વધારે જોર દેવાની જરૂર નથી. મુખ્ય વસ્તુ છે તે આંતરિક વિકાસ છે. તે જ સાધતા રહેવાની જરૂર છે.
મધ્યકાલીન ભારતમાં બાહ્ય ત્યાગની જે પ્રચંડ ભાવના સંત સમાજમાં ફરી વળી હતી તે આજે આપણને કામ આવશે નહીં. આજનો યુગધર્મ તો ઈશ્વરની અર્ચના કરી જે બાહ્ય સૃષ્ટિ દેખાઈ રહી છે તેને તે જ મહેશ્વરની અભિવ્યક્તિ સમજવાનો ને તે માટે તેની પૂજા કરવાનો છે. માત્ર ‘મિથ્યાત્વ’ના તત્વજ્ઞાનને લીધે ને કેવલ નિવૃત્તિપરાયણતાના મોહને લીધે ત્યાગના બાહ્ય સિદ્ધાંત પર જોર દઈને ભારતે ઘણું ઘણું ખોયું. હવે એ સમય આવ્યો છે જ્યારે તેણે સાચા તત્વજ્ઞાનને સમજવાનું છે નહિ તો તે જ તત્વજ્ઞાન જેણે તેને એક વખત સારીયે સૃષ્ટિનો શિરમુકુટ કર્યું હતું તે તેનો આત્મઘાત કરનાર નીવડશે. એમાં શંકા નથી. સારે ભાગ્યે ભારતનો પુનરુદય શરૂ થયો છે. એ સમય સમીપમાં આવે છે જ્યારે ભારત એ સારાયે વિશ્વને માટે ગૌરવ ગણાશે ને આધ્યાત્મિક ગુરુ બનશે. તે વખતે આજ ‘પ્રવૃત્તિમાં નિવૃત્તિનું તત્વજ્ઞાન’ તેને માટે કામ લાગશે ને જગત પણ તેને જ સ્વીકારશે.
આધ્યાત્મિકતા વિના ભારતની ઉન્નતિ કદાપિ નથી. આજે ભારતની અવનતિનું કારણ બીજા લોકો રાષ્ટ્રીયતાનો અભાવ-કુશિક્ષા કે ગમે તે ગણે. સાચી વાત તો એ છે કે આપણે આધ્યાત્મિક તત્વોનું સાચું મૂલ્યાંકન ભૂલ્યા છીએ ને તેથી જ આપણી અવનતિ છે. તત્વજ્ઞાનનો સંબંધ બે પ્રકારનો છે. એક તો તેનાં ઉત્તમોત્તમ તત્વો કે રહસ્યોનું પરિશીલન ને બીજું તે તત્વોનો જીવનની સાથે સાંગોપાંગ સમન્વય. આ બંને વસ્તુઓ આપણી પાસે નથી એટલું જ નહિ, પહેલી વસ્તુ પારખવાની સાચી શક્તિ આપણામાં બહુ જ થોડી રહી છે. પણ તેથી શું ? ભારતને માટે તો એ એક સ્વભાવ છે ને તે કાર્ય તેના દ્વારા થશે એ પણ નક્કી જ છે.
*
મારા અનુભવ પરથી હું એટલું સમજી શક્યો છું કે ઈશ્વરદર્શન અથવા આત્મસાક્ષાત્કાર એ જ કાંઈ જીવનની ઈતિશ્રી નથી. તેનું ક્ષેત્ર ઘણું જ વ્યાપક છે. કેવલ ઈશ્વરદર્શન કરીને માણસે કૃતકૃત્યતા માની લેવાની નથી, પરંતુ પોતાની સારીયે પ્રકૃતિનું રૂપાંતર પણ તેણે કરવાનું છે. એટલે કે સ્થૂલ ને સૂક્ષ્મ-બંને શરીરનું દિવ્યકરણ કરી પ્રકૃતિ તથા પંચમહાભૂત પર પૂર્ણ સ્વામિત્વ મેળવવાનું છે. ભક્તિ, યોગ કે જ્ઞાન, કોઈ પણ વિશિષ્ટ રીતે આ કાર્ય થઈ શકે છે. આવી ઉત્તમોત્તમ શક્તિ (જેવી કે શ્રી રામકૃષ્ણદેવ, ચૈતન્ય પ્રભુ, ઈશુ વિ.માં જણાઈ હતી) પ્રાપ્ત થાય તો માણસને કશું જ કરવાનું રહે નહિ. તેના સાન્નિધ્ય ને સ્પર્શ કે સંકલ્પથી જ ઘણાંનું કલ્યાણ થાય. આ શક્તિની જરૂર છે. તે પછી માનવજાતિની નિસ્વાર્થ સેવાનો આદર્શ સ્વીકારવાનો છે. તે વિના માણસ કોઈને કશું જ સ્થાયી આપી શકવાનો નથી. સેવાની મદિરાના કેફમાં મસ્ત થઈ માત્ર તે કૂદાકૂદ કરે એટલું જ. જરા કલ્પના તો કરો કે જે મહાત્માના હૃદયમાં માનવજાતિ પ્રત્યે અગાધ પ્રેમ ભર્યો હોય તથા જેનામાં સર્વ શક્તિ હોય, તે મહાત્મા જગતને માટે કેવું વરદાન થઈ પડે ! મને એમ લાગ્યા કરે છે કે આવા પ્રકારનું જીવનકાર્ય એ મારે માટે એક નિર્મિત વસ્તુ છે, ને તેને જ માટે આ શરીરનું ધારવું થયું છે. આ વસ્તુ કયારે થશે ને કેવી રીતે થશે તે ખબર નથી. તેને માટે કોઈ નિયત સાધનપ્રણાલિ પણ નથી. આ તો વારંવાર હૃદયમાં જે પ્રેરણા થાય છે તે જ લખાઈ રહ્યું છે. તેની પૂર્તિ માટેના બધાયે માર્ગ એક ઈશ્વર જ જાણે છે. પણ તે જરૂર થશે ને થાય તો આશ્ચર્યનો વિષય ન જ ગણાય એમ સ્પષ્ટ લાગે છે. કોની દ્વારા શું હેતુ સાધ્ય થવાનો છે ને કયું કાર્ય નિર્માયું છે તે કોઈ કહી શકે તેમ નથી, તેમ જ ઈશ્વર કયા કાર્યને માટે કયું શરીર પસંદ કરે છે તે પણ કોઈની સમજમાં આવી શકતું નથી. આપણો ધર્મ તો સારીયે શક્તિને એક તે જગદીશ્વરની પૂજામાં જ લગાડી દેવાનો છે. તેને જ્યારે જરૂર જણાશે ત્યારે તે હૃદયપાત્રને અધરેથી ઉતારશે ને બીજા માટે વહેતું મૂકશે. જે તેનું છે તેનો ઉપયોગ તે ગમે તેવો કરી શકે છે.
*
આ બધીયે વસ્તુ શ્રી પરમહંસદેવના જીવનનો વિચાર કરવાથી બરાબર સમજાય તેવી છે. શ્રી તોતાપુરી તેમજ ભૈરવી (ને ખાસ કરીને તોતાપુરી) ના સહવાસ પછી તેમનામાં દૈવી શક્તિનો આવિર્ભાવ થયો હતો ને સમાધિની સહજ પ્રાપ્ય અવસ્થા પણ તેમણે તે પછી જ પ્રાપ્ત કરી હતી. મારા જીવનમાં પણ એવો સહવાસ આવશે એમ ઘણા સમયથી લાગ્યા કરે છે. તેની ઘડી નિર્માણ થઈ ચૂકી છે. તે સમય પણ ખૂબ જ નજીક છે એમ લાગે છે.
હમણાં તો ઈશ્વરી પ્રેમમાં મસ્ત રહીએ છીએ. જેણે ઉત્તમોત્તમ આનંદનો ને ધન્યતાનો આસ્વાદ લેવો છે તેણે તો (૧) ઈન્દ્રિય ને મનના વિષયરસથી વિમુખ થવું જોઈએ ને (૨) પોતાના પ્રેમને કોઈ પણ સાંસારિક પદાર્થ કે વ્યક્તિમાં કેન્દ્રિત ન કરતાં પ્રેમના સાગરરૂપ ઈશ્વરને જ તેનું ધ્યેય બનાવવું જોઈએ ને પછી (૩) જીવનનું અમૃતપાન કરવું જોઈએ. કાચું કે નિર્બળ વાસનાવાળું મન આ માર્ગમાં ચાલી શકે એમ નથી. તેવા મનને પ્રાર્થના દ્વારા શુદ્ધ કરવું જોઈએ. પછી તેને ઈશ્વરને ચરણે ફૂલ ધારી અર્પણ કરવું જોઈએ. એટલે હમણાં તો પ્યારા પ્રભુની જ સાથે ક્રીડા કરીએ છીએ. પ્રિયતમનો પ્રેમરસ અપાર છે. જામ પર જામ ભરી પીએ છીએ. મધ્યરાત્રીએ-જ્યારે ચંદ્રકલાની ચાંદની સારાંયે વૃક્ષો પર છવાઈ હોય છે ત્યારે, ને ઉષઃકાલીન સવારે તેમજ હરેક સમયે હમણાં તો તે જ એક મહાપ્રેમીની પાસે બેસી હૃદયનું બીન બજાવીએ છીએ. ને તેવી જ ક્રીડામાં આનંદ છે. આજે વધુ વિચાર ઊઠે છે તે તો તેની જ લીલા છે, ને પોતાના કોઈ હેતુને માટે જ તેને તે ઉત્પન્ન કરે છે. ને તેમાં મંગલ જ છે કેમ કે માનવના પ્રેમથી રહિત એવી કોઈ સાધના- જીવન ને જગત સાથે સમન્વય સાધી તેનું આત્યંતિક કલ્યાણ ન કરનારી એવી કોઈ પણ તપસ્યા, ને માનવ તથા પ્રભુને માટે બલિ થઈ સફલ ન થનારી એવી કોઈ પણ પ્રકારની આધ્યાત્મિકતા, કશા જ ઉત્તમ કામની નથી એવું સ્પષ્ટ સમજાય છે.
*
આશા છે કે આ બધીયે વિચારસરણી સારી રીતે સમજમાં આવી હશે.
ભાઈ, જીવનની ઈતિકર્તવ્યતા આમાં જ છે. એકાંતમાં રહીને અમે આ જ વસ્તુ કરીએ છીએ. કોણ જાણે કેમ, છેક નાની અવસ્થાથી, સાધનાની શરૂઆતથી જ આધ્યાત્મિકતા દ્વારા કલ્યાણ કરવાની ઈચ્છા જાગી છે. એટલે બીજાનું કલ્યાણ થાય એ ભાવના પણ મંગલ લાગી છે. ખરેખર, જીવનનું શ્રેય આધ્યાત્મિકતાની ઉચ્ચોચ્ચ અનુભૂતિમાં જ છે. વિષયરસના રસિકોને ને અર્થ તથા કેવલ સાંસારિક પદાર્થો પાછળ જ શક્તિને બરબાદ કરનારા મનુષ્યોને સાચો આનંદ પ્રાપ્ત થતો નથી. ખરેખર, તે લોકો ઠગાય છે, ને દિવ્ય માનવજીવનને હતું-ન હતું કરી નાખે છે. જે દિવ્ય મહાત્મા પુરુષોએ પોતાની સમગ્ર શક્તિને ઉચ્ચ આધ્યાત્મિક માર્ગે વાળી દીધી અને અનેક પ્રકારે શક્તિ સંપાદન કરી તેમનો વિચાર તો કરો ! કહે છે કે ચાંગદેવે ૧૪ કે ૧૬ વાર મૃત્યુને પાછું મોકલ્યું હતું; જ્ઞાનેશ્વરે ભીંત ચલાવી હતી ને બીજી અનેક અલૌકિકતા કરી હતી. બાઈબલ તો જુઓ, ઈશુમાં કેવી માનવોત્તર શક્તિ હતી ! શ્રી રામકૃષ્ણદેવ પોતાના શિષ્યો જેવી માગતા તેવી શક્તિ ને સ્થિતિ તેમને આપી શકતા. આવા દૈવી પુરુષોનો વિચાર કરતાં શું જણાય છે ? એમ નથી જણાતું કે ક્ષણિક સુખદાયી પરંતુ અંતે દુ:ખદાયી એવા આનંદકારક વિષયસુખ માટે મનુષ્યો જીવનને વ્યર્થ ગાળી રહ્યા છે; ને તો પછી જે શરીર દ્વારા આત્મોન્નતિ કરવી જોઈએ તે શરીર દ્વારા અવનતિ કરવાનો અપરાધ પણ શું તે નથી કરતા ?
પણ તેથી તો કહ્યું કે ‘બહુનાં જન્મનામન્તે’ ને ‘મનુષ્યાણાં સહસ્ત્રેષુ કશ્ચિચતતિ સિદ્ધયે’. માટે આપણે તો ઈશ્વરસ્મરણાદિ જે બને તે ચાલુ જ રાખવાનું છે. ને ઉત્તમોત્તમ માનસિક વિચારો દ્વારા જીવનને વધારે ને વધારે ઉર્ધ્વતર બનાવવાનું છે.
*
ધારું છું કે આ બધું સ્પષ્ટ થયું હશે. ઈશ્વર કરે છે તે ઠીક જ કરે છે. આશરો એક તેનો જ છે. ઘણા સમયથી તેની પ્રેરણા થતી હતી. પાછલા ૭-૮ દિવસથી એક પ્રકારની નિશ્ચિત પ્રેરણા થવાથી હું આ સ્થાન છોડી દેવાનો છું. નવરાત્રી અહીં કરીને તરત જ આ સ્થાનથી નિવૃત્તિ લેવાનો છું. તને થશે કે ક્યાં જશે. કલ્પના કરી શકે છે ? હવે પછીનું ગન્તવ્ય સ્થાન બીજું કોઈ નહિ પણ જે મહા અવતારી પુરુષે આ જીવનમાં શૈશવથી જ પ્રેરણા પાઈ તે ભગવાન શ્રી રામકૃષ્ણદેવનું સ્થાન, તેમની લીલાભૂમિ-દક્ષિણેશ્વર છે. ઈશ્વરની આંતરપ્રેરણાથી જ આવો વિચાર કર્યો છે, ને નવરાત્રી દરમ્યાન કોઈ વિશેષ મહત્વનો બનાવ ન બને તો આ જ નિશ્ચય કાયમ રાખવાનો છે. સંભવ છે કે થોડી કાવ્યોની નોટો તથા નોંધબુકો જે અહીં આવ્યા પછી લખાઈ છે, તે અહીંથી જતી વખતે તને મોકલીશ. તે રાખજે. અંગત નોંધો તો હરેકને વાંચવા માટે નથી જ હોતી એટલે તે જાળવી જ રાખવાની છે.
એટલે તારો પત્ર હવે ધારું છું તેમ જો જવાનું નક્કી જ રહેશે તો મને એક જ મળી શકશે. દશેરા સુધીમાં સંભવિત હશે તેટલા પૂરતો જ. અહીંથી ગયા પછી મારા પત્ર તો ત્યાં આવતા જ રહેશે તેમજ માતાજીને પણ લખાતા રહેશે. માતાજી ખૂબ જ ઉચ્ચ વ્યક્તિ છે. તેમને પત્ર લખે છે તે ખૂબ જ આનંદની વાત છે.