દેવપ્રયાગ
તા. ૧૩ ઓકટો. ૧૯૪૫
પરમપ્રિય ભાઈ,
ગઈ તા. ૩૧ ને દિવસે અહીંથી પ્રસ્થાન કર્યું. ભગવાન શ્રી રામકૃષ્ણદેવની પૂણ્યભૂમિ શ્રી દક્ષિણેશ્વરમાં નવરાત્રી પહેલાં જ પહોંચી જવાયું. બહુ આનંદ થયો. પુનઃ ત્યાંના પ્રાથમિક સંસ્કારો પૂરા થવાથી ને અહીંનું અન્નજલ હોવાથી ગઈ કાલે અહીં પહોંચી જવાયું છે. સ્વાસ્થ્ય સારું છે.
દક્ષિણેશ્વર સ્થાન ખૂબ જ સુંદર છે. સુંદર જ હોય ને ? જે સ્થાનમાં ભગવાન શ્રી રામકૃષ્ણેદેવે પોતે તપશ્ચર્યા કરી, વસવાટ કર્યો ને લીલા કરી બતાવી, તે સ્થાનની સુંદરતા વિશે કહેવાનું શું હોય ? કલકત્તાથી ૫-૬ માઈલ દૂર ગંગાજીને કિનારે દક્ષિણેશ્વરનું સ્થાન છે. રાતે ત્યાં રહેવાની રજા કોઈને મળતી નથી. પરંતુ ભગવાનની કૃપાથી ચાર રાત એ સ્થાનમાં જ ગાળી. ત્યાં રામકૃષ્ણદેવે પોતે વૃક્ષારોપણ કરી પંચવટી બનાવી છે. એની નીચે એક કુટી બની છે જે બહુ જ સુંદર છે. પરમહંસદેવ જે ખંડમાં રહેતા તે ખંડ હજી એવો જ સુરક્ષિત છે એટલે કે તેમનો પલંગ એવો જ બિછાવેલો રાખ્યો છે. ઓરડામાં અનેક દેવીદેવતાની છબી છે ને પરમહંસદેવ તથા શારદામાતાની છબી પણ છે. રોજ ત્યાં પૂજા થાય છે ને બપોર તથા રાત્રિના થોડા સમય વિના સારોયે ખંડ દર્શનાર્થી માટે ખુલ્લો રહે છે. પરમહંસદેવ પોતે આ સ્થાનમાં વસતા હશે ત્યારે શોભા કાંઈ જુદી જ હશે. અત્યારે તો દિવસે ત્યાં લોકોની ખૂબ અવરજવર રહે છે, વિમાન ને મોટર તથા રેલ્વેના શબ્દથી વાતાવરણ ભરાયેલું રહે છે. છતાં છેક રાતે જ્યારે કોઈ દર્શનાર્થી મંદિરના ભાગમાં રહેતું નથી ને કેવલ આકાશના અગણિત તારાઓ જ આ પુણ્યપ્રદ સ્થાનનું દર્શન કરતા જાગી રહે છે ત્યારે અહીંના સામર્થ્યનો અજબ અનુભવ થાય છે. લાગે છે કે પરમહંસદેવ હજી અહીં ફરે છે, ભક્તો સાથે હજીયે વાતો કરે છે, ને વારંવાર કાલિમાના મંદિરમાં જઈને પ્રેમથી ગદગદ્ થતાં પ્રણામ કરે છે.
પરમહંસદેવનું જીવન ખરે જ મહાન અને આદર્શ છે. તેમના જીવનનો પ્રત્યેક પ્રસંગ વારંવાર મનન કરવા જેવો છે, તેમાંથી ખૂબખૂબ પ્રેરણા મળે છે. કામિની ને કાંચન માટેની આવી ઉપરતિ ભાગ્યે જ કોઈ જીવનમાં જડે. ઉપરાંત દુ:ખી ને અજ્ઞાની મનુષ્યો પ્રત્યેનો તેમનો પ્રેમ ખરેખર એક તદ્દન નવીન વાત ને પ્રશસ્ય વસ્તુ છે. તેમના જીવનનું વારંવારનું પરિશીલન કોઈ પણ જીવનને ખરેખર ઉદાત્ત ને દૈવી બનાવે. પરમહંસદેવ જેવા અવતારી પુરુષને મૃત્યુ હોઈ શકે નહિ જ. કાળ તેમના શરીરને કશું જ કરી શકે નહિ. હા, તેમના શબ્દોમાં તે શરીર છોડીને ‘એક ઓરડામાંથી બીજા ઓરડામાં’ જાય એટલું જ. તે તો હજીયે છે. હજીયે પેલી પંચવટી ને દક્ષિણેશ્વરમાં ફર્યા કરે છે ને જે કોઈ પ્રેમથી યાદ કરે છે તેની પાસે પણ હાજર રહે છે. આ ધ્રુવસત્ય છે. તેવા મહાન પુરુષ પર શ્રદ્ધાભક્તિ કરવાથી કોઈ પણ આત્માનું કલ્યાણ સહજમાં થઈ શકે.
પરમહંસદેવના પુણ્ય સ્થાનમાં વધારે રહેવાની ઈચ્છા હતી. પરંતુ તેમ ના બન્યું. તેમના ખંડમાં બેસતા સવારે ને સાંજે હૃદય ગદગદ્ થઈ જાય ને સતત આંસુ વહે. પોક પણ પ્રેમથી મુકાઈ જાય. પરિણામે દર્શનાર્થી પણ ખૂબ જ આવવા માંડ્યાં. ઉપરાંત ત્યાંનું વાતાવરણ બહુ રુચ્યું નહિ. આધ્યાત્મિક શક્તિ એ એક લોહચુંબક છે. દુનિયાની કોઈ શક્તિ એવી નથી જે તેની સામે ન નમે. પરંતુ કાચોપોચો માણસ આવે વખતે અસ્થિર બની જાય એવો સંભવ રહે છે. લોકો વાહવાહ કરે, નમસ્કાર કરે, પદની ધૂલિ શિર પર ચઢાવે, તેથી ઘણાં એમ માની બેસે છે કે આપણે પૂરા પાકા સિદ્ધ થઈ ગયા ! આપણે માટે હવે કાંઈ જ કરવાનું રહેતું નથી. પરંતુ આ ક્ષેત્ર તો અનંત છે. જેમ ઊંડે જાઓ તેમ વધારે ને વધારે રતન જડે. એટલે તેવો ખોટો આત્મસંતોષ પોતાનો જ ઘાત કરનારો નીવડે છે.
હમણાં શું ચાલે છે ? તબિયત કેમ છે ? હવે ઈશ્વરેચ્છા હોય ત્યાં સુધી અહીં જ રહેવાનું છે. પત્ર અહીં જ લખજે. શરીર સારું હશે.