દેવપ્રયાગ
તા. ૩૦ નવે. ૧૯૪૫
પ્રિય નારાયણ,
જ્યાં શુદ્ધ પ્રેમ છે ત્યાં બે અલગ લાગે તોય આત્મા કે હૃદય એક જ છે, શરીર ભલે જુદા હોય. શરીરથી પર જે આત્મારૂપે પ્રેમનું તત્વ રહેલું છે તે હાથમાં આવી જતાં ભેદ રહેતો નથી. આવું હૃદય જેમ પાસે રહે. તો આનંદ આવે તેમ તેનાથી છૂટું પડવાનું થાય તો દુ:ખ પણ થાય એ સ્વાભાવિક છે. કેમ કે પોતાનો જ આત્મા-પોતાના જ હૃદયનો એક ભાગ છૂટો પડ્યો એમ લાગે છે. એમાં કાંઈ કચાશ નથી. એ તો પ્રેમનું પરમ પવિત્ર સ્વરૂપ છે. ફક્ત દૃષ્ટિ કે ભાવના શી છે તે જોવું જોઈએ. દુ:ખ કોઈ શારીરિક કે ઈન્દ્રિયજનિત વાસનાને માટે થતું હોય તો તે દૂષણ છે. પણ જેનો વિયોગ અનુભવાય છે તે વ્યકિતમાં ઈશ્વર જેવી પવિત્ર ભાવના હોય ને દુ:ખ સ્વાભાવિક તેના વિયોગનું જ થતું હોય તો તે એક ભૂષણ છે. એક ભક્તના ઈશ્વર પ્રત્યેના પ્રેમભાવથી આ જરાયે કમ નથી. અલબત્ત જે શુદ્ધ પ્રેમ છે તે તો વિરહ ને મિલન બંનેમાં દિવ્ય જ રહે છે, પરંતુ વિરહ એ પ્રેમની એક કસોટી ને તેને દૃઢ- વધારે દૃઢ કરનારી કડી છે.
*
દુન્યવી કામોને માટે તો હંમેશ માટે ઓડકાર ખાઈને સંતોષ માની લેવાની જરૂર છે. એમ ન થાય તો ઓછામાં ઓછું ચિત્ત તેમાં આસક્ત કરવાની જરૂર છે. દુન્યવી રીતે સંપન્ન હોવું એક વાત છે ને તેમાં કીટની પેઠે આસક્ત હોવું એ બીજી જ વાત છે. તેવી આસક્તિ ન જોઈએ. ખૂબ આસક્તિ ને અવિરામ આત્મસંતોષ પોતાના વિકાસને માટે રાખવાની જરૂર છે. જ્યાં લગી જીવન છે ને તેમાં કાંઈક પણ પ્રાપ્ત કરી લેવાની અનુકૂળ ઘડી છે, શક્તિ છે, ત્યાં લગી ગાડીને એકાદ-બે નાનાં સ્ટેશનોએ અટકાવી દેવાની જરૂર નથી-ઠેઠ પેશાવર સુધી ફ્રંટિયર મેલને લઈ જવાની જરૂર છે. આ માર્ગ અનંત છે ને માણસે હરહંમેશ તેમાં વિદ્યાર્થી થઈને જ વિચરવું જોઈએ. જ્યાં સુધી આત્મદર્શન કે ઈશ્વરદર્શન ન થાય અને તે પછી પણ બીજી અનેક વસ્તુની પ્રાપ્તિ સાથે લોકોત્તર દૈવી-શક્તિ પ્રાપ્ત ન થાય ત્યાં લગી પ્રયાસ કરતાં જ રહેવું જોઈએ. અરવિંદ જેવા મહાયોગી આજે 30-3૫ વરસથી એક સ્થાને એકાંતવાસ સેવી ઊંડી તપસ્યામાં લાગી ગયા છે ! કેવી અલૌકિક વસ્તુ ! શું તેમની પાસે આજના કહેવાતા વેદાંતીઓની જેમ ‘અમે તો સ્વભાવથી જ મુક્ત છીએ’ એમ કહીને ખોટો આત્મસંતોષ મેળવવા જેટલું જ્ઞાન નથી ? તેમનું મહાન વિશાળ જ્ઞાન ને તે સાથે આવી દૈવી સાધનાનો વિચાર કરીને દુન્યવી લોકોએ પોતાની ક્ષુદ્ર અવસ્થા માટે રડવું જોઈએ. જે મહાત્મા-પુરુષો (જ્ઞાનેશ્વર તથા રામકૃષ્ણ જેવામાં) સર્વ કાંઈ કરવાનું સામર્થ્ય હતું, ને જે હંમેશ માટે કૃતકૃત્ય હોઈ સંસારના બાહ્ય રૂપરંગને તૃણવત સમજતા હતા; રાજ-રાજેન્દ્રોના વૈભવને પણ જે ક્ષુલ્લક જાણતા હતા, તેવા મહાપુરુષોનો વિચાર કરતાં કેવલ શરીરભોગ ને સાંસારિક વાતોનાં બડેખાં બની બેસી રહેનાર આજના અધિકાંશ મનુષ્યો શું ક્ષુદ્ર ને કેવલ ક્ષુદ્ર નથી લાગતા ? ખરેખર તે બધા બાળક જેવા જ અજ્ઞાત લાગે છે જે હરહંમેશ પોતાને જ હાથે સમુદ્ર કે નદીના તીર પર રેતીનાં ઘર બનાવે છે ને ભાંગે છે ! જે સત્યને પંથે પડી ગયા છે તેમને તેથીયે વધારે ધન્ય છે ! ને જેમણે તે પંથનો પ્રવાસ પૂર્ણ કરી સદાની શાંતિ મેળવી લીધી, કૃતકૃત્યતા પ્રાપ્ત કરી, તેમની ધન્યતાનું તો કહેવું જ શું ? તેમનાં તો દર્શન, સ્પર્શ ને પરિચય જેને પ્રાપ્ત થાય તે પણ સદાને માટે ધન્ય છે ! સત્યનો માર્ગ હરેકને માટે ખુલ્લો છે, ને હર કોઈ તેનો પ્રવાસ પૂરો કરી શકે છે. માત્ર અતૂટ નિશ્ચય, શ્રદ્ધા ને ધીરજ જોઈએ.
*
ભારત અજ્ઞાન ને દરિદ્રતાની ઘોર નિદ્રામાં હતું. તેનો અનવરત વિકાસ ચાલુ હતો પરંતુ તે માત્ર અંધ અનુકરણ હતો. ઈશ્વર તથા આધ્યાત્મિકતા જેવી વસ્તુમાં તેના પાશ્ચાત્ય શિક્ષાપ્રાપ્ત યુવકોને વિશ્વાસ રહ્યો ન હતો. આવે સમયે ભગવાન શ્રી રામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો. ત્યાગ ને વૈરાગ્ય તથા પ્રેમના પ્રતીક જેવા આ અવતારી પુરુષે ઈશ્વરની પૂરી નિષ્ઠા જીવનમાં મૂર્ત કરી બતાવી ને વિવેકાનંદ જેવા મહાપુરુષને તૈયાર કરી ભારતની પતન-ઘડીને ઉગારી લીધી. દરિદ્રનારાયણ પ્રત્યેની તેમની દયા પ્રશસ્ય હતી. ગાંધીજીએ આગળ વધીને ભારતની કાયાપલટ કરી નાખી. પરંતુ કાર્યપ્રણાલિ અલગ રહી. સમસ્ત દેશમાં જાગૃતિ છવાઈ ગઈ. પરંતુ ભારતની સાધનાને માટે આ જ કાંઈ સર્વ નથી. દરિદ્રસેવા ખૂબ ઊંચી વસ્તુ છે પરંતુ તેમાં પડનાર માણસ સમય પર પોતાની ઈશ્વરપ્રાપ્તિની વાત ભૂલી જાય છે. આ ઠીક નથી. પહેલાં પોતે ઈશ્વરદર્શન કરી જીવનની યથાર્થતાની ઉપલબ્ધિ કરવાની જરૂર છે. પછી સેવા આપોઆપ થશે. ઈશ્વરની પ્રાપ્તિ ભારતની સાધનાનો પ્રાણ છે. તે પ્રત્યે જરાય દુર્લક્ષ કરી શકાય નહિ. દરિદ્રસેવા પણ એ જ મહા સિદ્ધાંત પર અવલંબે છે. આવો જ પુરુષ વિશ્વને માટે આદર્શ થઈ શકે જેણે સ્વયં સાધના કરી ઈશ્વરપ્રાપ્તિ કરી હોય ને જેનામાં માનવપ્રેમ-દુ:ખિત જગતનાં દુ:ખ દૂર કરવાની તીવ્ર લાગણી હોય. ભગવાન બુદ્ધ, ચૈતન્ય ને રામકૃષ્ણ આવા પુરુષો હતા. ગાંધીજીનું કાર્ય દેશની બાહ્ય કાયાપલટનું છે. સાધના કે સાધનાની આંતર બાજુ પર તેમનો નિર્દેશ નથી ને તેમને માટે તે બરાબર પણ છે. પરંતુ જગતના દુ:ખથી ક્ષુબ્ધ પ્રેમાળ હૃદયી પુરુષવર ઈશ્વરત્વના પ્રતીક રૂપે, ભારતના રંગમંચ પર અવતીર્ણ થશે એ નિ:સંદેહ છે. રામકૃષ્ણદેવે કહ્યું હતું :‘જ્યાં લગી દુનિયામાં દુ:ખ હશે ત્યાં લગી બંધનગ્રસ્તને મુક્ત કરવા હું અવતીર્ણ થઈશ.’ આવા દૈવી મહાત્માના શબ્દો મિથ્યા ના થાય. તેવી શક્તિ દ્વારા જ જગતની સમસ્યાઓનો મૂળભૂત ઉકેલ થશે.
*
એટલે જીવનને પ્રેમ તથા ભક્તિથી ભરી દેવાની જરૂર છે. વાસના ને વિષયનાં બંધનોથી મુક્ત થવાની જરૂર છે. ને જીવનની સ્વલ્પતાનો વિચાર કરી ઈશ્વરપ્રાપ્તિમાં જરાય ઢીલ કરવાની નથી. જેમ બને તેમ જલદી ધ્યેયપ્રાપ્તિ કરવાની છે. પોતે જ મુક્ત નથી તે જગતને દુ:ખમુક્ત શું કરશે ? તમારામાં જગતનું દુ:ખ ફેડવાની શી શક્તિ છે ? ઈશ્વરપ્રાપ્તિ પછી ઈશ્વર તમને દૈવી શક્તિ આપશે. તે વખતે તમે ઈશુ ને બુદ્ધ તથા ચૈતન્ય ને રામકૃષ્ણની જેમ માત્ર સ્પર્શ કે સહવાસથી જ અનેકને દુ:ખમુક્ત કરી શકશો, રોગથી રહિત બનાવશો. એટલે આવશ્યક્તા છે પહેલાં સ્વયં શક્તિનાં પુંજરૂપ સૂર્ય બનવાની. ભગવાનની પ્રાર્થના ને નામસ્મરણ સુંદર સાધન છે.
આધ્યાત્મિક ભાવ બની રહે તે માટે સંતમહાત્માઓનાં જીવન વારંવાર વિચારવાની તથા ગીતા પ્રમાણે જીવન જીવવાનો પ્રયાસ કરવાની જરૂર છે.
*
માતાજીને તું પત્ર લખે છે તે એક અપૂર્વ આનંદનો વિષય છે. મારા નાનાશા હૃદયમાં તેમના પ્રત્યે ખૂબ ખૂબ માન છે, ને એક જનની તરીકે નહિ (તે ભાવ તો હૃદયમાં ઊઠતો જ નથી) પણ એક આદર્શ માતા તરીકે હું તેમને પૂજ્ય બુદ્ધિથી જોઉં છું તથા તેમનાં પવિત્ર ચરણોની ધૂલિને માથે ચઢાવવામાં ગૌરવ માનું છું. તેમના ગુણો ખૂબ પ્રશંસનીય છે. જો કે જીવનભર તેણે દુ:ખ જ વેઠ્યું છે, ને નાની વયે વૈધવ્ય પ્રાપ્ત કરીને આજ લગભગ ૪૨-૪૩ ની વય સુધી સંકટ સહન કર્યું છે, પણ તેમનો પરમ પ્રેમ, તેમની નિ:સ્વાર્થતા ને દુ:ખને ભૂલી જવાની વૃત્તિ તેમજ દયાળુતા જેમણે જોઈ હશે તે જ જાણશે. શું તને આટલું નથી સમજાતું કે જે નારીએ હસતાં હસતાં પોતે જેને પુત્ર કહે છે તેના આધ્યાત્મિક જીવનમાં સહકાર આપ્યો ને તેના કંઠમાં હિમાલય જતાં હાર પહેરાવ્યો એનો મહિમા કોઈ પણ સ્વાર્થત્યાગી મહાનારીથી કમ નથી ? તેઓ એક જીવનમુક્ત છે. ઈશ્વરે તેમને દર્શન પણ તેમની ભક્તિ તથા સરલ હૃદયને વશ થઈને દીધું છે. તેમનો પુત્રભાવ હવે તો છેક જ ઊડી ગયો છે. શું આ સ્ત્રીનો મહિમા કોઈ પણ અવતારી પુરુષની માતાથી ઓછો છે, તેમજ શું તેમનો ત્યાગ પણ પૂજાને પાત્ર નથી ? તેમને પત્ર જરૂર લખતો રહેજે. તેમનો પત્ર સહેલાઈથી ના આવે તો સરનામા સાથે જવાબી કાર્ડ લખવું જેથી તેમને ખૂબ જ સુગમતા થશે. મહિનામાં એક પત્ર તેમને લખવો એ કાંઈ મોટી વાત નથી. તેમને આનંદ થશે.