દેવપ્રયાગ
તા. ૨ નવે. ૧૯૪૫
પ્રિય નારાયણ,
પત્ર મળ્યો. આનંદ થયો. તારા પત્રો વાંચી મને હરેક વખતે આનંદની લાગણી થાય છે.
તારામાં બીજા ગુણો કરતાં એક વધારે સારો ગુણ મને આત્મપરીક્ષણનો લાગે છે. તે એક ખૂબ જ જરૂરી ગુણ છે. આત્મપરીક્ષણ એક એવી વસ્તુ છે જે માણસને હંમેશ જાગ્રત રાખે છે માણસ પોતાને માટે જાગ્રત છે તેને હંમેશા પોતાના વિકાસનો ખ્યાલ રહે છે. પોતાની નબળાઈઓ તે ભૂલતો નથી ને એક વિવેચકની જેમ બરાબર તપાસે છે. ખરી રીતે તો એવું પણ છે કે માણસે પોતાને માટે જાગ્રત રહેવાની સાથે સાથે ઈશ્વરના પરમ પ્રેમમાં વધારે ને વધારે ડૂબવાનો પ્રયાસ કરવો જોઈએ. કેમ કે પૂર્ણ સંશુદ્ધિ કેવલ પ્રયાસની વસ્તુ નથી. માત્ર વિવેચકની દૃષ્ટિથી જ નહિ પરંતુ ઈશ્વરની દયાથી જ માણસ પૂર્ણાંશે પવિત્ર ને પરમ બની શકે છે. ઈશ્વરી પ્રેમની વાત જ જુદી છે. તે વધતાંની સાથે જ દૂષણો દૂર થતાં જાય છે. જેમ સૂરજ પ્રકટે તો અંધકાર આપોઆપ નષ્ટ થાય તેમ. જો પરમ વિકાસ સાધવો હોય તો પવિત્રતાની જરૂર પહેલી છે. ખાસ કરીને માનાપમાનમાં સમતા, નિરભિમાન, દયા, કામનો અભાવ ને ઈશ્વર પ્રત્યેની સમર્પણની ભાવના, કેળવવાની જરૂર છે. આવી પવિત્રતામાંથી વિશુદ્ધ પ્રેમ પ્રકટી નીકળે છે ને માણસને હંમેશને માટે મસ્ત તેમજ ધન્ય કરી દે છે.
આજે જે સંસારમાં દેખાય છે તે કાંઈ સત્ય પ્રેમ નથી. તે તો પ્રેમનાં હાડચામ છે. સત્ય પ્રેમનું સ્થાન દેહજનિત વાસના ને ઈન્દ્રિયસંતોષથી ખૂબખૂબ પર છે. તે તો આત્માનો સીધો ને સાદો તેમજ પવિત્રતમ સંબંધ છે. જો આપણે મોહ, સ્વાર્થ તથા મમતાના ઉપરના આવરણને હઠાવી દઈએ તો પ્રત્યેક વ્યક્તિમાં આપણને એક વિશેષતાનું દર્શન થઈ શકે. આ વિશેષતાને પ્રેમ કહો, સૌન્દર્ય કહો કે માંગલ્ય કહો. તેને ભલે ઈશ્વર ગણો, પણ સાચી ને સનાતન વસ્તુ તે આ શરીર વાસનાથી અસ્પર્શ્ય તત્વ તે જ છે. જેમ જેમ હૃદય શુદ્ધ થતું જાય તેમ તેમ પ્રેમની આ સૂક્ષ્મ અનુભૂતિ હરેક વ્યક્તિમાં જ નહિ પરંતુ પશુપક્ષી ને વૃક્ષાદિ સર્વમાં થઈ શકે. ત્યારે જ મનુષ્યનું જીવન ધન્ય બને છે.
તારે માટે તો ઈશ્વરની દયાથી સમય પર બધું જ આપોઆપ થતું રહેશે. કાચબા જેવી ગતિ લાગે તો તેથી અસંતુષ્ટ થવું નહિ. આપણો ધર્મ કેવલ ઈશ્વરનાં શ્રીચરણોમાં શિર ઝુકાવવાનો ને તેને ગદગદ્ હૃદયે પ્રાર્થતા રહેવાનો છે. આપણે માટે શું સારું ને ક્યારે સારું તે એ બરાબર જાણે છે. તે ખૂબ દયાળુ છે. તે એક એવી મા છે જે પોતાના બાળકની સર્વ ઈચ્છાઓને પૂરી કરે છે. આવું સમજી આપણો અવાજ તેને હમેશાં સંભળાવ્યા કરવો. તે જરૂર સાંભળશે ને આપણી ઈચ્છા પ્રમાણે કરી દેશે. રોજ સૂતા પહેલાં થોડો સમય જપ-ઈશ્વર સ્મરણ તથા પ્રાર્થના અથવા તો સુંદર જીવનચરિત્રના વાચનમાં ગાળવો જોઈએ. ઉપરાંત વહેલી સવારે પણ થોડો સમય ધ્યાનમાં પસાર કરવો જોઈએ. આને માટે કડક નિયમપાલન થવું જોઈએ. શરૂ શરૂમાં ખૂબ ખૂબ નિયમપાલનની જરૂર છે. રામકૃષ્ણદેવ જેવા પ્રેમના મહાવિદ્યાલયના પ્રિન્સીપાલ પણ સાંજે થોડો સમય ધ્યાનાદિનો નિયમ પાળતા હતા તો બીજાને માટે તો કહેવું જ શું ? પ્રમાદ એ આધ્યાત્મિક જીવનમાં ખૂબ માટો અવગુણ છે. ધીરજ ને સતત નિયમપૂર્વકનું સાધનામય જીવન એ બંનેની ખૂબ જરૂર છે. એક દિવસમાં ફળ ન મળે ને મળવા માંડે ત્યારે રાખવાનો તાગ પણ ન રહે એવી વાત આ માર્ગની છે. માટે હમેશાં આશા સાથે નિયમપૂર્વક થોડુંક પણ કરતા રહેવું. અનેક જન્મોનું પુણ્ય હોય તો જ આ માર્ગે પગલાં ભરવાની વૃત્તિ થઈ શકે છે. આજકાલ જડવાદનો સમય છે. કમનસીબી એ છે કે જે ભારત યોગ તથા આધ્યાત્મિકતા માટે ગુરુરૂપ હતું તે જ ભારત આજે ત્રિશંકુની દશામાં છે. જે મહાત્માઓએ આ જીવન દ્વારા અનંત શક્તિ પ્રાપ્ત કરી તે ચૈત્નયપ્રભુ, રામકૃષ્ણદેવ, સ્વામી શ્રી વિશુદ્ધાનંદ, ગોરખ ને મત્સ્યેન્દ્રનાથ, નરસિંહ, મીરાં વગેરેનો વિચાર કરવામાં આવે તો સંસારી માણસોની કેટલી શક્તિ વ્યર્થ જાય છે ને સત્તા, ધન તથા સૌંન્દર્યને નામે કેટલો કીમતી સમય વ્યતીત થાય છે તે તરત સમજવામાં આવે.
જે ભાઈઓ વિશે પત્રમાં લખ્યું છે તેમની વાત જાણી. ઈશ્વરમાં ને ઉચ્ચ જીવનમાં જેમને પ્રેમ છે તેવા આત્માઓને માટે આનંદ જ થાય છે. પરંતુ એક વાત કહેવાની એ કે તેમનું આ તરફ આવવું ઠીક નથી. એક તો આ ઋતુ જ અહીં પહેલવહેલાં આવવા માટે અનુકૂળ નથી, ને બીજું એક વાર ઉનાળામાં આવીને આ પ્રદેશને બરાબર જોયા વિના અહીં કાયમ રહેવાનો નિશ્ચય કરવો પણ યોગ્ય નથી. તે ભાઈઓ બરાબર બને તેમ ધ્યાનાદિ કરે, સદગ્રંથો-ખાસ કરીને સંતોનાં જીવનનું મનન કરે એ વધારે યોગ્ય છે. અહીં મારી પાસે એક જ નાની ઓરડી છે. તેમાં કોઈને પણ રાતે રહેવાની રજા નથી. હા, ચક્રધરને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી શકાય પણ તે ઉનાળામાં જ બને. ગુજરાતમાં આવવાનું ઈશ્વર પર જ અવલંબે છે.
દક્ષિણેશ્વરમાં ખૂબ જ આનંદ આવ્યો. ત્યાંના અનુભવો વિશે પત્રમાં લખવું અશક્ય છે. કેમ કે તે શબ્દાતીત વિષય છે. પણ તે સ્થાન ખુબ જ દૈવી લાગ્યું. બે પ્રસંગ લખીશ. જે દિવસે દક્ષિણેશ્વર જવાયું તેને બીજે દિવસે સવારે પંચવટી નીચેની કુટિયા પાસે બેઠો હતો. ત્યાં એક માતા આવી. ઉંમર ૨૫-૨૬ થી વધારે નહિ હોય. છેક જ પ્રણિપાત કરીને નીચે બેસી ગઈ. કેશ ખુલ્લા, શરીર કૃશ ને તેજસ્વી આંખ. આશ્ચર્યની વાત એ કે તે ખૂબ જ રડવા માંડી. તેનું મુખ કેટલું સુંદર લાગતું’તું ! મને સમજ ન પડી. રસગુલ્લાંનો પડિયો તથા શ્રીફળ જે તે લાવી હતી તે મારી આગળ મૂકીને તે બોલવા માંડી- ‘બાબા, હમેં મિલેગા, રામકૃષ્ણદેવ હમેં ભી મિલેગા ?’ ને તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. મેં કહ્યું ‘જરૂર મળશે. કેમ નહિ. તે તો ખૂબ દયાળુ છે.’ તે કહે, ‘એણે મને પાગલ કરી દીધી. ખૂબ તલસાવી.’ મેં તેને મારો ફોટો બતાવ્યો ને રામકૃષ્ણદેવનો ફોટો પણ બતાવ્યો કહ્યું : ‘દેખો’ તે બોલી : ‘હાં બાબા, એ તો ખરું પણ મારે તો પહેલાંના જ સ્વરૂપમાં દર્શન જોઈએ.’ ને તેણે ‘તુલસી મસ્તક તબ નમે ધનુષ-બાણ લો હાથ’ ની વાત કહી. મેં કહ્યું : ‘શ્રદ્ધા કરો, એ સ્વરૂપમાં પણ દર્શન થશે. ’ને કેટલીય વાર સુધી રડતી રડતી બેસી રહ્યા પછી તે પ્રણિપાત કરી ચાલી ગઈ. કેટલી પવિત્ર સ્ત્રી ! ખરેખર, આવા પ્રેમીઓનું દર્શન આપણને થઈ જાય તો પણ આપણા મળ કપાઈ જાય ને કૃતાર્થ થવાય. એવા પ્રેમીની એક દૃષ્ટિ પણ આપણને મસ્ત કરવા પૂરતી છે.
અજબ વાત એ લાગી કે પછી બેત્રણ દિવસ સુધી તે મળી જ નહિ !
બીજી વાત પણ તે જ અરસાની છે. દક્ષિણેશ્વરમાં ભગવાન રામકૃષ્ણદેવની ઓરડી છે. તેના દ્વાર પાસે બેસી તેમની છબીનું દર્શન કરતાંવેંત મારી આંખમાંથી આંસુની ધાર ચાલી જાય. ત્યાં ગયા પછી બીજી સવારે જે ભાઈના પ્રયાસથી મંદિરમાં રાતે પણ રહેવાની વ્યસ્થા થઈ હતી (રાતે મંદિરમાં કોઈને રહેવા દેતા નથી) તે ભાઈ આવ્યા. થોડી વારે બોલ્યા, ‘મારી ઈચ્છા છે કે તમે મારે ઘેર આવો ને એક વાર ભોજન કરો.’ મારે ઘેર મારા દાદા જીવતા ત્યારે રામકૃષ્ણદેવ વારંવાર આવતા. તમે પણ પણ આવો.’ એટલામાં તે ભાઈની પત્ની આવી ને તે પણ પ્રણિપાત કરીને સામે ઊભી રહી. મારી આંખમાંથી આંસુની ધારેધાર ચાલી જતી હતી. મેં કહ્યું : ‘ હું જરૂર આવીશ. તમારે ત્યાં પ્રભુ પોતે આવતા’તા એટલે હું આવીશ. તમારા ઘરની ધૂલિ પણ મારા અંગે અડે એ ક્યાંથી !’
ચોથે દિવસે સવારે અમે તેમને ઘેર ગયા. ઘર બાજુમાં જ હતું. રસ્તામાં તેમને ઋષીકેશ જવાની વાત કરી. તેમણે ખર્ચ વિશે પૂછ્યું તો કહ્યું કે જવું તો છે પણ રૂપિયા ત્રણ જ છે. રામકૃષ્ણદેવ તરફથી સંકેત મળ્યો છે કે તમારા દ્વારા વ્યવસ્થા થશે. સાંભળીને તે આનંદ પણ પામ્યા ને ખેદ પણ. ખેદ એટલા માટે કે તેમની સ્થિતિ તદ્દન ગરીબ હતી. પણ રામકૃષ્ણદેવ પ્રત્યેની તેમની શ્રદ્ધાભક્તિ અજબ હતી. ખાવાનું પણ ઠેકાણું તેમને ત્યાં ન હતું ને તેમનું સર્વ કાંઈ તેમના મિત્રો પૂરું કરતા. તે ચિંતીત હતા. તેમની સ્ત્રીએ કારણ પૂછ્યું તો તેમણે બધી વાત કરી. સ્ત્રી કો'ક દેવી હતી. તેણે તરત કહ્યું : ‘એમાં ચિંતા શું કરો છો ? મારાં ઘરેણાં તમારી પાસે છે તે વેચીને જે પૈસા આવે તેમાંથી મહાત્માજીને ટિકિટ કઢાવી આપજો.’ ધન્ય છે ! ભાઈએ મને અંગ્રેજીમાં એ કહી સંભળાવ્યું. મેં કહ્યું : ‘ના, ના, તેમ નહિ થાય. રામકૃષ્ણદેવ પોતે જ વ્યવસ્થા કરશે. એટલામાં જ તેમના એક મિત્ર આવ્યા. તેમણે તરત પોતાની ઈચ્છાથી મદદ કરવા માંડી. પેલા ભાઈએ કેવલ ૧૨ રૂ. લીધા ! પૈસા આપી તે ભાઈ ચાલ્યા ગયા. આ પછી પણ બીજી વ્યવસ્થા કેમ થઈ તે વિસ્તારભયે લખતો નથી. પરંતુ પેલી ભક્તિમય માતાના શબ્દો અમર છે. ધન્ય છે એ પ્રેમને !
આ જીવન અને આવા અનુભવો તો અગાધ ને અપાર છે. માણસે હંમેશા બાળક જેમ સરલ રહીને ઊંડે ને ઊંડે ઊતરવું જોઈએ. ખોટો આત્મસંતોષ એ મરણનું જ બીજું નામ છે. પ્રેમના પથિકે હમેશાં પ્યાસી રહેવું જોઈએ. જેમ ઊંડે ઊતરીએ તેમ રહસ્ય મળે. મહાન મહાન સંતોમાં કેવી અપાર શક્તિ હતી ! તેવી શક્તિ પ્રાપ્ત થવી જોઈએ. ત્યાં સુધી આગળ ધપ્યે જ જવું જોઈએ. આવા માણસને માટે આધ્યાત્મિક પૂર્ણતા રુકાવટ વિના તેના ચરણોમાં હાજર રહે છે.