if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન : ભક્તિમાર્ગની સાધના ગુરૂ વિના થઈ શકે નહિ ? શું ભક્તિની સાધનામાં ગુરૂની અનિવાર્ય આવશ્યકતા છે ?
ઉત્તર :  ભક્તિની સાધનામાં ગુરૂની અનિવાર્ય આવશ્યકતા છે એવું નથી સમજવાનું. કોઈને ગુરૂની આવશ્યકતા હોઈ શકે અને કોઈને ના પણ હોઈ શકે. કોને ગુરૂની આવશ્યકતા છે અને કોને નથી એ સૌએ પોતપોતાની મેળે પોતાને માટે નક્કી કરી લેવાનું છે. જે બહારના માર્ગદર્શક વિના પોતાની સાધનામાં આગળ વધી શકે તેમ ના હોય, તેમણે ગુરૂની આવશ્યકતાનો સ્વીકાર કરી બનતી વહેલી તકે એવા ગુરૂની પ્રાપ્તિ માટે પ્રયાસ કરવો જોઈએ. પરંતુ એથી ઉલટું બહારના માર્ગદર્શક વિના પણ જે ભક્તિમાર્ગમાં આગળ વધી શકતા હોય તેમણે ગુરૂની રાહ જોઈને બેસી રહેવાને બદલે આગળ વધવું. તેમણે ગુરૂની વધારે પડતી ચિંતા કરવાની જરૂર નથી. પોતાના અંતરમાં રહેલા ઈશ્વરની અંદર વિશ્વાસ રાખી ને એની પર આધાર રાખી, એની સૂચના કે પ્રેરણા પ્રમાણે એ આગળ વધી શકે છે. એવી રીતે જોઈએ તો ભક્તિની સાધના ગુરૂ વિના થઈ શકે છે.

એક બીજી વાત પણ છે. ગુરૂ કરવાની ઈચ્છા હોય ને ગુરૂ ના મળે ત્યાં સુધી માણસે બે હાથ જોડીને બેસી રહેવું અને ભક્તિમાર્ગની સાધનામાં પ્રવેશ ના જ કરવો એવું પણ નથી સમજવાનું. ગુરૂના માર્ગદર્શન વિના માણસ પોતે જ પોતાની રુચિ પ્રમાણે ભક્તિની સાધનાની શરૂઆત કરી શકે છે અને એવી શરૂઆતથી કોઈ જ જાતનું નુકસાન નથી થતું.

પ્રશ્ન : ભક્તિમાર્ગની સાધનામાં મુખ્ય મહત્વનાં સાધન કયા કયા છે ?
ઉત્તર : ભક્તિની સાધનામાં બહારનાં જે મુખ્ય મહત્વનાં સાધન છે તેમાં જપ, ધ્યાન, કથાશ્રવણ, સેવાપૂજા તથા સત્સંગનો સમાવેશ થાય છે અને અંદરના સાધનમાં મુખ્યત્વે પ્રેમની ગણતરી કરી શકાય છે. બહારના સાધનો મનને નિર્મળ કરવામાં, એકાગ્ર કરવામાં તેમજ ભક્તિભાવથી ભરી દઈને ઈશ્વરપરાયણ કરવામાં મદદ કરે છે, એમના સમ્યક અથવા તો સમજપૂર્વકના અનુષ્ઠાનથી ઈશ્વર માટે પરમ પ્રેમનો ઉદય થાય છે. ભક્તિમાર્ગમાં છેવટે તો ઈશ્વર માટેનો પ્રેમ જ સર્વકાંઈ છે અને એની અભિવૃદ્ધિ તરફ જેટલું પણ ધ્યાન અપાય એટલું ઓછું છે. બહારના સાધનો મનને નિર્મળ ને નિર્વિકાર બનાવી એ પ્રેમને પ્રકટ કરવા તથા પ્રબળ બનાવવા માટે જ છે. એ પ્રેમની પ્રબળતા થતાં ભક્તનું અંતર ઈશ્વરદર્શનને માટે રડે છે. તલસે છે અને આકુલ-વ્યાકુલ બનીને પોકારી ઊઠે છે. એવો પ્રખર પ્રેમ કોઈક વિરલ ભાગ્યશાળીના જીવનમાં જ પ્રકાશી ઊઠે છે અને એના પ્રકાશ પછી ઈશ્વરદર્શન બહુ દૂર નથી રહેતું. ભક્ત કેવળ બહારના સાધનોમાં જ અટવાઈ ના જાય તથા એમાં જ જીવનભર રસ લેતો ના થાય એનું એને ખાસ ધ્યાન રાખવાનું છે. તો જ એ આગળ વધીને પોતાનો વિકાસ કરી શકશે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.