if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન : ધ્યાનમાં ચિત્ત એકાગ્ર કેમ થતું નથી ? આંખ બંધ કરીને બેસીએ છીએ ત્યાં અનેક પ્રકારનાં વિચાર આવે છે ને મન સ્થળે સ્થળે ભટકે છે. આનું કારણ શું ? ને તેનો ઉપાય શો ?
ઉત્તર : આ પ્રશ્ન ઘણા સાધકો તરફથી પૂછવામાં આવે છે. સાધકોમાં આજે આ એક સર્વ સામાન્ય ફરિયાદ છે. એના કેટલાંક કારણો છે. અષ્ટાંગયોગ પ્રમાણે ધ્યાન છેક સાતમું પગથિયું છે. યોગ સાધનાની જે સીડી છે તેનું છેલ્લું પગથિયું સમાધિ અથવા આત્મદર્શન કે ઈશ્વરદર્શન છે. તેનાં જુદાં જુદાં પગથિયાં અનુક્રમે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ એ પ્રમાણે છે. અત્યારે તો માણસ આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કરે એટલે તરત જ આંખ મીંચીને ધ્યાન કરવાનું શરૂ કરે છે. ને પછી ફરિયાદ કરે છે કે મન સ્થિર કેમ રહેતું નથી. પણ મન સ્થિર ક્યાંથી રહે ? જે સાતમું અંગ છે તે તમે સૌથી પહેલાં કરવા મંડી પડો છો. ધ્યાનથી પહેલાનાં જે પગથિયાં છે તે તો તમે કરતાં જ નથી, તેનો અનુભવ તો મેળવતા જ નથી. ને સીધા જ ધ્યાનમાં બેસી સમાધિમાં ઈશ્વરદર્શનના કોડ સેવો છો. તે ક્યાંથી બને ? જેણે પૂર્વજન્મોમાં અનેક જપતપ કર્યા હોય, તેના પરિણામરૂપે જેનું મન સાત્વિક ને સ્વસ્થ હોય, તે જ કેવલ સીધા ધ્યાનમાર્ગનો અધિકારી છે. તેનું હૃદય શુદ્ધ હોવાથી તેને ધ્યાન કરવામાં ખૂબ જ તલ્લીનતા લાગે છે. બાકી જેનામાં કામક્રોધ ભર્યા છે, જેનો સ્વભાવ મુખ્યત્વે રાજસ કે તામસ છે, તેણે ધ્યાન તરફ દોટ મૂકવાને બદલે જરા ધીરજ રાખી સ્વભાવની સાત્વિકતા સાધવા તરફ વધારે ધ્યાન આપવું જોઈએ. મકાન બાંધતા પહેલાં પાયો તો ચણવો જોઈએ. પાયા વિનાનું મકાન કેવી રીતે ઊભું થવાનું ? ધ્યાનને માટેની સાધનામાં પણ જરૂરી પાયાનું ઘડતર કરવું પડે છે. તે વિના ધ્યાન સફળ થાય નહીં, ને આનંદ આવે નહીં.

સૌથી પહેલું પગથિયું યમ છે. યમમાં પાંચ વાતનો સમાવેશ થાય છે. અહિંસા, સત્ય, તપ, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ, અહિંસા એટલે મન, વચન ને કાયાથી કોઈને ઈજા ના પહોંચાડવી. સૌ પ્રત્યે પ્રેમ રાખવો. સત્ય બોલવું. સત્યરૂપી ઈશ્વરની પ્રાપ્તિ માટે વ્રત લેવું. તપ એટલે હરેક ક્ષણ ઈશ્વરને માટે પ્રાર્થના, જપ વિગેરેમાં ગાળવી. તે ઉપરાંત ગીતામાં ત્રણ જાતનાં તપ કહ્યાં છે તેનું પાલન કરવું. શરીર, મન ને વાણીથી સંયમનું પાલન કરવું તે બ્રહ્મચર્ય. ને વધારે પડતો સંગ્રહ છોડી કેવળ ઈશ્વર પર પોતાના જીવનની રક્ષા માટે વિશ્વાસ રાખવો તે અપરિગ્રહ.
આની પછીનું પગથિયું નિયમ છે. એમાં પણ પાંચ વસ્તુઓ છે. શરીર ને મનની પવિત્રતા એટલે શૌચ. ઈશ્વર જે દશામાં રાખે તેમાં પ્રસન્ન રહેવું ને લોભવૃત્તિને છોડી દેવી તે સંતોષ. અસ્તેય એટલે કોઈનું હરામનું ના લેવું કે ના ખાવું તે. આનો સમાવેશ યમમાં પણ થાય છે. ને તેને બદલે તપનો સમાવેશ નિયમમાં કરાય છે. આ પછી સ્વાધ્યાય એટલે ઈશ્વર પ્રાપ્તિના ઉપાય ને ઈશ્વરની લીલા તેમ જ મહાત્માના જીવન, કવન ને ધર્મપુસ્તકોનું નિયમિત વાચન ને તેના ઉપદેશનું જીવનમાં યથાશક્તિ આચરણ. ને ઈશ્વરની નવધા ભક્તિમાંથી કોઈ પણ પ્રકારની ભક્તિ કરવી તેને ઈશ્વરપ્રણિધાન કહે છે.

આ બે વ્રતના પાલનથી - તેના યથાશક્તિ આચરણથી હૃદયના મેલ ધોવાઈ જાય, એટલે આસનની વિધિ આવે છે. એક સ્થાને શાંતિ ને સુખપૂર્વક લાંબા વખત લગી બેસવાનું નામ આસન છે. તે પછી શ્વાસોશ્વાસની શુદ્ધિ ને પ્રાણની શુદ્ધિ કરવાની પ્રક્રિયાનું નામ પ્રાણાયામ છે. મનની જુદી જુદી વૃત્તિઓને એકાગ્ર કરવાની ક્રિયા પ્રત્યાહાર છે. ને મનને એક વસ્તુમાં ઈશ્વરના નામ કે રૂપ કે શરીરના કોઈ અંગમાં એકાગ્ર  કરવાનું નામ ધારણા છે. આ પછી ધ્યાનનો વારો આવે છે.

આવા મહામોંઘા ધ્યાનને તમે શરૂઆતમાં જ કરવા માંડો તો પછી તેમાં સફલ ક્યાંથી થવાય ? માટે પહેલાં વધારે ધ્યાન હૃદયશુદ્ધિ તરફ આપો. સાત્વિકતાને કેળવો. સત્સંગથી મનને પવિત્ર કરો. દુર્ગુણ ને વ્યસનને નાબૂદ કરો. ને પછી શાંતિથી ધ્યાનમાં ઝંપલાવો. એમ બધું વ્યવસ્થાપૂર્વક કરવાથી તમારી ફરિયાદ દૂર થઈ જશે એમાં શંકા નથી. પાયાને મજબૂત કરવામાં જેટલો વધારે વખત જાય એટલું જ તમારી સાધનાનું ચણતર મજબૂત બનશે. ઉતાવળ કર્યા કરતાં જે કરો તે ખંતપૂર્વક ને સારી પેઠે કરો.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.