કેટલીક યાત્રાઓ એમની અસાધારણતા તથા વિશિષ્ટતાને લીધે ચિરસ્મરણીય, પ્રેરણાત્મક, પ્રશાંતિપ્રદાયક તથા શકવર્તી બની જાય છે. એમની અસરો અંતરમાંથી ભૂંસાતી નથી. એ અસરો અહર્નિશ તાજી રહેવા અને આત્માને અનુપ્રાણિત કરવા માટે સરજાયલી હોય છે. એમની સ્મૃતિ સદા સુખદ ઠરે છે અને એને વારંવાર વાગોળવાનું ગમે છે. એની દ્વારા અવનવી પ્રેરણાની પ્રાપ્તિ થાય છે. ૧રમી જાન્યુઆરી ૧૯૭૮થી આરંભાઈને લગભગ સવા માસ સુધી ચાલેલી અમારી દક્ષિણ ભારતની યાત્રા પણ એવી જ અનોખી થઈ પડી.
એ યાત્રા કાંઈ એકાએક અથવા આકસ્મિક રીતે નહોતી થઈ. એનો વિચાર છેલ્લા પાંચેક વરસથી ચાલ્યા કરતો. દક્ષિણ ભારતમાં ગયે ને રહ્યે સુદીર્ઘ સમય પસાર થઈ ગયેલો એટલે ત્યાં જવાની ઈચ્છા સ્વાભાવિક રીતે જ થયા કરતી. નેપાલના પશુપતિનાથના પવિત્ર ધામમાં જવાનું થયું ત્યારે મેં અમારી સાથે મુંબઈથી આવેલા કાંતિભાઈને કહ્યું પણ ખરું :
ભારતના મોટા ભાગનાં પ્રમુખ તીર્થો જોવાઈ ગયાં છે. કોઈ પ્રખ્યાત તીર્થ બાકી રહેતું નથી. હવે એકવાર ફરીથી દક્ષિણ ભારતના પવિત્ર પ્રદેશમાં જવું છે. એ પ્રદેશનાં તીર્થોનું આછુંપાતળું સ્મરણ જ બાકી રહ્યું છે.
કાંતિભાઈએ કહ્યું : તમે જ્યારે પણ સૂચવશો ત્યારે આપણે ઘરની મોટરમાં દક્ષિણ ભારતની યાત્રા કરીશું. તમારી સાથે યાત્રા કરવાનો મને લહાવો મળશે એ આનંદ મારા જીવનનો અસાધારણ આનંદ હશે.
વખત વેગથી વીતવા લાગ્યો. દિવસ પછી દિવસ અને મહિના પછી મહિના, વરસ પછી વરસ.
એકવાર કાંતિભાઈએ દક્ષિણના પ્રવાસ વિશે પુછાવી જોયું પરંતુ મને અનુકૂળતા નહોતી. એ વરસે ભયંકર વરસાદ પડ્યો. પ્રવાસ એવા સંજોગોમાં સરળ નહોતો.
એ પછી તો એમનો એકાએક સ્વર્ગવાસ થયો. મનની મનમાં જ રહી ગઈ.
કાંતિભાઈના સુપુત્રોએ એમની સદ્દભાવનાને સફળ કરવાનો સંકલ્પ કર્યો.
એમણે મારી અનુકૂળતાનુસાર ઘરની મોટરમાં યાત્રા કરવા-કરાવવાની આકાંક્ષા પ્રદર્શાવી.
પરંતુ જે થાય છે તે બધું મરજી મુજબ ક્યાં થાય છે ? પરમાત્માની પરમશક્તિની ઈચ્છા કે યોજના પ્રમાણે જ જીવનનું ચક્ર ચાલતું હોય છે. એટલે બે-ત્રણ વરસ સુધી દક્ષિણની યાત્રાનો સદ્દવિચાર સાકાર કે સિદ્ધ ના બની શક્યો.
૧૯૭૭ના ઉત્તરાર્ધમાં સૌથી પ્રથમ ઇંગ્લાંડના પુણ્યપ્રવાસે જવાનું થયું ત્યારે ત્યાં પરમાત્માની એ પરમશક્તિએ સુસ્પષ્ટ સૂચના આપી કે આવતા શિયાળામાં આપણે દક્ષિણ ભારતની યાત્રા કરી લેવાની છે. એ કાર્યક્રમ નક્કી છે.
‘યાત્રા કેવી રીતે કરીશું ? ટ્રેનમાં ?’ મેં પૂછયું.
‘ના.’
‘તો પછી ?’
‘ઘરની મોટરમાં કરીશું.’
‘ઘરની મોટરમાં ?’
‘હા. ઘરની મોટરમાં. હું સમયસર સઘળી વ્યવસ્થા કરી દઈશ.’
લંડનમાં મેં માતાજીને એ સૂચના વિશે વાત કરી અને જણાવ્યું કે શિયાળામાં દક્ષિણ ભારતની યાત્રા માટે તૈયાર રહેવાનું છે.
ઑકટોબર મહિનાની આખરે મુંબઈ જઈને મેં કાંતિભાઈના સુપુત્રને યાત્રા વિશે વાત કરી તો તેમણે જણાવ્યું કે જ્યારે પણ કહેશો ત્યારે અમે યાત્રા માટે તૈયાર જ છીએ.
એકાદ મહિના પછી મેં એમને ફરીવાર જણાવ્યું તો એમણે પત્રમાં લખ્યું કે ધંધાકીય કારણોને લીધે આ શિયાળામાં યાત્રાએ નીકળી શકાય તેમ નથી. તમારી ઈચ્છા હોય તો આવતા ડિસેમ્બરમાં જઈએ. આ શિયાળામાં જ જવું હોય તો મુંબઈથી મદ્રાસ ટ્રેન કે વિમાનમાં જઈ શકો. તમે જણાવો તો તેને માટે વ્યવસ્થા કરી દઈએ.
મારે તો પરમાત્માની પરમશક્તિની ઈચ્છાનુસાર જ વર્તવાનું હતું એટલે મેં એમને લખ્યું કે તમે કોઈ પ્રકારની ચિંતા ના કરશો. જે વખતે જે યાગ્ય લાગે એ કરીશું.
યાત્રાની એ ભૂમિકાથી રાજકોટના રામકૃષ્ણ પરમહંસદેવના પરમ ભક્ત શાંતિભાઈ માહિતગાર થયા એટલે એમણે કહેવડાવ્યું કે હું યાત્રામાં મોટર લઈને આવવા તૈયાર છું. મને સૂચના આપશો એટલે તમે જ્યાં કહેશો ત્યાં જ્યારે કહેશો ત્યારે આવી પહોંચીશ.
મેં એમને તારીખ નક્કી કરીને યાત્રાનો આરંભ કરવા માટે ૧૧મી જાન્યુઆરીને દિવસે સુરત આવવાનું કહ્યું, તે પ્રમાણે તે પહોંચી ગયા. અમે ૧રમી જાન્યુઆરીએ સવારે સુરતથી દક્ષિણ ભારતની યાત્રા માટે પ્રસ્થાન કર્યું ત્યારે એમની મોટરનું અવલોકન કર્યું તો આશ્ચર્ય સાથે જણાયું કે ત્યાં સામે જ રામકૃષ્ણદેવ, વિવેકાનંદ અને શારદામાતાના ફોટાઓ હતા. એ ફોટાઓ જોઈને મને અતિશય આનંદ થયો. પરમાત્માની પરમશક્તિ મા જગદંબા પોતાના કથનાનુસાર મને દક્ષિણ ભારતની યાત્રા કરવા ઘરની મોટરમાં જ લઈ જઈ રહેલાં.
રામકૃષ્ણદેવના ભક્તની મોટર એ ઘરની જ મોટર કહેવાય ને ?
એ મોટરમાં અમારો પુણ્યપ્રવાસ ખૂબ જ સુખમય, સફળ, સાર્થક નીવડ્યો. પરમાત્માની પરમશક્તિએ જે આદેશ આપેલો કે સુસ્પષ્ટ સૂચના પૂરી પાડેલી તે પ્રમાણે જ બધું થતું રહ્યું.
યાત્રાની પરિસમાપ્તિ સમયે શાંતિભાઈએ મને યાત્રામાં વપરાયેલી પોતાની મોટર ભેટ આપવાની ઈચ્છા દર્શાવી ત્યારે મેં એમની ઈચ્છાને માટે અભિનંદન આપતાં જણાવ્યું કે મારે મોટરને લઈને શું કરવું છે ? તમારી પવિત્ર ભાવનાની હું કદર કરું છું, પરંતુ તમારી પાસેની મોટર આપણી જ છે ને ? હું એને સાચવું એનાં કરતાં તમે જ સાચવો તેમાં શું ખોટું છે ? જ્યારે આવશ્યકતા પડશે ત્યારે એ આપણને કામ લાગશે.
શાંતિભાઈના મનનું સમાધાન થયું.