દક્ષિણ ભારતના પરમપ્રસન્નતાપ્રદાયક પુણ્યપ્રવાસ દરમિયાન અમે સૌથી પ્રથમ સુરતથી નીકળીને સાપુતારા, નાસિક તથા ત્ર્યંબક ગયાં, અને બીજે દિવસે સાંજે સુપ્રસિદ્ધ તીર્થસ્થાન શીરડીમાં પ્રવેશ્યાં.
સાંઈબાબાના મહિમાને લીધે શિરડી અસંખ્ય દર્શનાર્થીઓનું પ્રેરણાધામ બની ગયું છે. એણે આંતરજાતીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે.
એ સુંદર પ્રેરણાપ્રદાયક તીર્થસ્થાન ઉત્તરોત્તર વિકાસ પામતું જાય છે. એમાં નવાંનવાં મકાનો ને વિશ્રામસ્થાનો બંધાતા જાય છે તો પણ દર્શનાર્થીઓની ભીડ એટલી બધી અસાધારણ હોય છે કે વાત નહિ. સૌને પૂરતા પ્રમાણમાં સાનુકૂળ જગ્યા પણ નથી મળતી.
અમારા સંબંધમાં એવું જ બન્યું. અમારી સાથેના ભાઈઓએ સાંજે ત્યાં પહોચ્યાં પછી ઉતારા માટેનું સાનુકૂળ સ્થળ મેળવવા માટે પોતાની રીતે બનતો બધો જ પ્રયાસ કરી જોયો પરંતુ એ પ્રયાસ ધાર્યા પ્રમાણે સફળ ના થયો. અમારે ઓછામાં ઓછા ત્રણ ઓરડાની આવશ્યકતા હતી એને બદલે માંડમાંડ એક જ ઓરડો મળી શક્યો.
એ સઘળા સમય દરમિયાન હું બહારના દરવાજા પાસે ઊભો રહીને પ્રેમીજનો સાથે વાર્તાલાપ કરી રહેલો.
સુયોગ્ય સ્થાનની શોધ કરનારા ભાઈઓએ આવીને મને જણાવ્યું કે આજે જગ્યા મળવાની ખૂબ જ મુશ્કેલી છે. ભીડ ઘણી છે. કેટલાય પ્રયત્નો કરી જોયા ત્યારે મહામુસીબતે એક જ રૂમ મળી શક્યો છે. હવે તો સાંઈબાબાની ચમત્કારિક કૃપા થાય તો જ કશુંક બની શકે.
મેં શ્રદ્ધાભક્તિથી પ્રેરાઈને પરમપ્રેમપૂર્વક સાંઈબાબાનું સ્મરણ કર્યું તો એમણે મને જણાવ્યું કે તમારે માટે દરવાજાની બહાર બે રૂમ તૈયાર રાખ્યા છે.
અમે તે પ્રમાણે તપાસ કરી તો એક ખાનગી સ્વતંત્ર માલિકીના મકાનમાં બીજે માળે બે રૂમ ખાલી પડેલા.
એ રૂમ અમારે અને અમારી સાથેની બહેનોને માટે અનુકૂળ હોવાથી અમે તરત જ રાખી લીધા.
રૂમ એકાએક એવી આશ્ચર્યકારક રીતે મળ્યા તે જોઈને સૌને આશ્ચર્ય થયું. એની સાથે સાથે સાંઈબાબાની અહેતુકી કૃપાનો અનુભવ મળવાથી એમની અચિંત્ય અસીમ શક્તિમાં સૌનો વિશ્વાસ વધી પડ્યો.
યાત્રાનો આરંભ એવી રીતે અતિશય પ્રેરક તથા સુખદ થઈ પડ્યો.
યાત્રાના આરંભ પહેલાં જ સુરતમાં મને જ્યોતિષના રસિયા કોઈક ભાઈએ કહેલું : તમે બારમી તારીખને બદલે તેરમીએ યાત્રાએ નીકળો તો સારું.
કેમ ?
બારમી કરતાં તેરમીનો યોગ વધારે સારો છે. બારમીએ ગ્રહયોગ પ્રતિકૂળ છે.
મેં કહ્યું : ગ્રહયોગ ભલેને પ્રતિકૂળ હોય, જગદંબા અનુકૂળ છે એટલે થયું. એની કૃપાથી સઘળું સારું થશે. ગ્રહયોગ એમની ઈચ્છા પ્રમાણે ચાલ્યા કરે છે.
અમે સુરતથી યાત્રાની શુભ શરૂઆત બારમી તારીખે જ કરી અને બીજે જ દિવસે સાંઈબાબાની દૈવી શક્તિનો લાભ મળ્યો.
દેવદુર્લભ લાભ.