જે સમર્થ મહાપુરુષે શિરડી જેવા નાના ગામને પોતાની સાધનાભૂમિ કે લીલાભૂમિ તરીકે પસંદ કર્યું તે લોકોત્તર પ્રાતઃસ્મરણીય મહાપુરુષને લીધે એ ગામ અસાધારણ મહિમા ધારણ કરીને વિશ્વવિખ્યાત બની ગયું છે.
જે સ્થાનમાં પરમાત્મનિષ્ઠ મહાપુરુષોની પવિત્ર પદરજ પડે છે તે સ્થાન ધન્ય બને છે.
એ તીર્થસ્થાનને પ્રેમપૂર્વક પ્રણામ કરીને અમે આગળ વધ્યાં.
શિરડીથી ઈલોરા.
ઈલોરા-અજંટાની સુપ્રસિદ્ધ ગુફાઓને અવલોકવાનો આનંદ અનેરો છે. દેશવિદેશના પ્રવાસીઓ એમને અવલોકવા માટે આવે છે. અમે પ્રથમ ઈલોરાની મુલાકાત લીધી.
પર્વતોમાંથી કોરી કાઢેલી, વજ્રકાય પર્વતોને ભેદીને તૈયાર કરાયેલી ગુફાઓ અતિશય આકર્ષક, આહલાદક, સુંદર છે. વરસોના એકધારા પ્રખરતમ પરિશ્રમ પછી એમનું નિર્માણ કરાયેલું છે. સ્થાપત્યકળાના સર્વોત્કૃષ્ટ પ્રતીક સરખી એ સુંદર ચિત્તાકર્ષક ગુફાઓને અવલોકીને દર્શકોનાં મન મુગ્ધ બને છે અને આપોઆપ અનાયાસે ઉદ્દગાર કાઢે છે કે કેટલી બધી પ્રશાંત પ્રસન્નતાપ્રદાયક સુવિશાળ ગુફાઓ ! એમનો સંક્ષિપ્ત પરિચય પ્રદાન કરતાં એમના પ્રવેશદ્વાર પાસે જે આલેખવામાં આવ્યું છે તે ખાસ વાંચવા જેવું છે.
એ ગુફાઓની બહાર કોઈ વિદેશી સન્નારી બેઠેલી. એ પણ ગુફાઓની મહિમાકથાઓને સાંભળીને એમના અવલોકન માટે આવેલી. એવા કેટલાય કળાપ્રિય આત્માઓ એ સુંદર સ્થળમાં આવતા હશે. ભારતનાં સંસ્કૃતિધામ જેવાં-સંસ્કૃતિના સંદેશાવાહક સમાં એ સ્થળો પોતાની આગવી રીતે રાષ્ટ્રીય ગૌરવને જગાવવામાં એમનો ઉપયોગી ફાળો આપી રહ્યાં છે. એમનું યોગદાન અનોખું છે.
મોટર ઈલોરાથી અજંટાને માર્ગે આગળ વધી.
અજંટા ઈલોરાથી ટૂંકે માર્ગે લગભગ ૬૪ કિલોમીટર છે. ત્યાં પહોંચતાં પહેલાં પર્વતમાળાનો પ્રારંભ થાય છે. પર્વતમાળાનું એ દૃશ્ય ખૂબ જ સુંદર લાગે છે. એની સોડમાંથી સરનારી નાનકડી નદી એની આકર્ષકતામાં અભિવૃદ્ધિ કરે છે.
એને અવલોકીને અમને આનંદ થયો.
પર્વતની ઉપર ગુફાઓને જોવા જતી વખતે માતાજીને માટે પચીસ રૂપિયા ભાડાથી દંડી કરી. એમનાથી પગે ચાલીને ઉપર જઈ શકાય તેમ ન હતું.
ગુફાઓ સુંદર ચિત્તાકર્ષક ચિત્રકળાથી સુશોભિત લાગી.
એમનું નિર્માણ ચારસો જેટલાં વરસોની સતત સખત સાધના પછી થયેલું.
એની પાછળ એકનિષ્ઠ અનુરાગપૂર્ણ અનવરત આરાધના હતી. સર્વોત્તમ સમર્પણવૃત્તિ દેખાતી.
એક ખાસ નોંધપાત્ર હકીકત એ છે કે ગુફાઓમાં મોટા ભાગનાં ચિત્રો રાજા, રાણીઓ, રાજકુમારો તથા રાજકુટુંબો સાથે સંકળાયેલાં છે. સામાન્ય માનવોનાં ચિત્રો ત્યાં ભાગ્યે જ જોવા મળ્યાં.
ચિત્રકળાની દૃષ્ટિએ એ ચિત્રોને અદ્દભુત કહી શકાય.
રાતે બીડ પહોંચીને અમે જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસમાં મુકામ કર્યો. હવે અમારે મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન પંઢરપુરના દર્શને જવાનું હતું.
બીડથી કુરુદવાડી થઈને અમે પંઢરપુર પહોંચ્યાં. પંઢરપુરમાં પહોંચીને અમે માહેશ્વરી ભવનની સરસ ધર્મશાળામાં ઉતારો કર્યો. ધર્મશાળા શાંત, સ્વચ્છ, સુંદર હતી. એની પાછળના વિશાળ પ્રદેશમાં ચંદ્રભાગા નદી વહેતી.
એનું દૃશ્ય ખૂબ જ હૃદયંગમ અને આકર્ષક હતું.
સાંજે ત્યાંના વિઠોબાના મંગલ મંદિરમાં દર્શન માટે ગયાં. સાંજનો અને એમાં પણ આરતી પહેલાંનો સમય હોવાથી ભાવિક ભક્તોની લાઈન લાગેલી.
જનતાની ધર્મભાવના અસાધારણ હતી.
બહારથી ગરીબ જેવી દેખાતી મોટા ભાગની જનતા અંદરથી ઈશ્વરના અનુરાગની દૃષ્ટિએ અમીર હતી.
ઈશ્વર તો અંતરના એકનિષ્ઠ અસાધારણ અનુરાગને જ જુએ છે, એને જ અગત્ય આપે છે.
મંદિરના ગર્ભદ્વારમાં પ્રવેશીને મેં દર્શન કરવાનો આરંભ કર્યો કે તરત જ પુજારીએ ભગવાનનો પુષ્પહાર લઈને મને પહેરાવ્યો.
ભગવાને એવી રીતે જાણે કે મારું અપરોક્ષ રીતે સ્વાગત કર્યું.
ભગવાનની લીલા અપાર છે. એ કયે વખતે કયી રીતે શું કરશે તેની પૂરી માહિતી કોઈને નથી મળી શકતી. સામાન્ય માનવે તો પોતાની સીમિત શક્તિ પ્રમાણે એની રહીસહી કલ્પના જ કરવાની રહે છે.
મંદિરમાં દૂર સુદૂરથી ને સમીપથી આવેલા દર્શનાર્થીઓ શ્રદ્ધાભક્તિથી સંપન્ન બનીને અનુકૂળતા કે પ્રતિકૂળતાને લક્ષમાં લીધા સિવાય દર્શન કરવા માટે એકઠા થતા. એમનાં ચક્ષુ અવનવા ઉત્સાહથી ચમકતાં દેખાતાં, પરંતુ પુજારીઓનું અથવા મંદિરના કર્મચારીઓનું ધ્યાન વધારે ભાગે ધન તરફ જ રહેતું. એ યાત્રીઓને અવારનવાર ધન પ્રદાન કરવાનો આગ્રહ કરતાં. એ આગ્રહ આગળ વધીને દુરાગ્રહમાં પણ પરિણમતો. એ દૃશ્ય ખૂબ જ કરુણ દેખાતું. શ્રદ્ધાભક્તિવાળા યાત્રીઓ ધનની ઈચ્છાનુસાર ભેટ ચઢાવતા પણ ખરા. એ સમગ્ર પ્રવૃત્તિ અર્થપ્રધાન, વ્યાપાર જેવી છતાં પણ સ્વાભાવિક લાગતી. પુજારીઓને માટે એ પ્રવૃત્તિ પરંપરાગત બનેલી.
બીજે દિવસે સવારે અમે ચંદ્રભાગામાં સ્નાન કર્યું. સૂર્યના તાજા તાપમાં સ્નાન કરવાનો લહાવો અનોખો હતો. સરિતાના પવિત્ર તટ પર પુંડરીકનું મંદિર હતું. સામે કાંઠે વલ્લભાચાર્યની બેઠક હતી.
પુંડરીક માતાપિતાનો પરમ ભક્ત હતો અને માતાપિતાને પરમાત્મા સ્વરૂપ સમજતો. માતાપિતાની સેવામાં એને સ્વર્ગસુખ લાગતું. ભગવાન એની સેવાથી પ્રસન્ન થઈને એને દર્શન આપવા માટે આવેલા.
રાતે વિઠોબાના મંદિરમાં જેવી ભીડ હતી તેવી ભીડ સવારે જરાય ન હતી. સવારે ખૂબ જ સારી રીતે દર્શન થયું. તે પછી ગાડગે મહારાજ અને તનપુરે મહારાજની ધર્મશાળાના દર્શને પહોંચ્યાં. ગાડગે મહારાજનું સ્થાન સુંદર હતું. મંદિરમાં મૂર્તિઓની શોભા અજબ હતી. મંદિરની ઉપરના ભાગમાં એક સેવક ઊભેલા. એમને અમારી સાથેના દર્શનાર્થીએ એક રૂપિયો આપવા માંડ્યો તે તેમણે ના લીધો ને કહ્યું કે જે કાંઈ આપવું હોય તે ફંડમાં-પેટીમાં નાખો, જેથી ગરીબોને આપવામાં આવતા ભોજન માટે વાપરી શકાય.
કેટલી બધી સેવાભાવના કે નિર્લોભવૃત્તિ ? એવા સેવાભાવી સેવકો જ સંસ્થાના સન્માનને વધારી શકે. એવા સેવકોવાળી સંસ્થાને સાચે જ સૌભાગ્યશાળી કહેવાય.
કૈકડે મહારાજના સ્થાનમાં જે સેંકડો સુંદર પ્રતિમાઓ છે તે ખાસ જોવા જેવી છે. એની શિલ્પકળા, સરસતા અદ્દભુત છે. કળાકારે વરસોની મહેનત પછી એ કળાકૃતિનું નિર્માણ કર્યું છે. ભારતના ઋષિમુનિઓ અને દેવીદેવતાઓની પ્રતિમાઓ એટલી બધી અદ્દભુત અને અલૌકિક છે કે વાત નહિ. સામાન્ય માનવ એની કલ્પના પણ ના કરી શકે. પંઢરપુરથી અમે હૈદરાબાદ પહોંચ્યાં. હૈદરાબાદ શહેર ખૂબ જ મોટું છે. ચાર મિનાર, સરોવર વગેરે દર્શનીય છે. તે જોઈને શ્રીશૈલ પરના જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન પહોંચ્યાં ત્યારે રાત પડી ચૂકેલી.
હૈદરાબાદ પહોંચતાં પહેલાં માર્ગમાં થયેલો અનુભવ ઉલ્લેખનીય હોવાથી એનું વર્ણન પૂરું કરીને મલ્લિકાર્જુનનું રેખાચિત્ર રજૂ કરીએ તો એ અસ્થાને નહિ ગણાય.