પંઢરપુરથી હૈદરાબાદ જતાં એક બીજું દર્શનીય તીર્થસ્થાન આવતું હતું. એનું નામ તુલજાભવાની.
કહે છે કે એ પ્રસિદ્ધ સ્થાનમાં માતા તુલજાભવાનીએ પ્રસન્ન થઈને શિવાજીને તલવાર આપેલી. એવી રીતે એ તીર્થસ્થાન ઐતિહાસિક કહેવાય. એની મુલાકાત લેવાની અમારી ઈચ્છા હતી પરંતુ મોટર-ડ્રાઈવરની શરતચૂકને લીધે એ ઈચ્છા સફળ ના થઈ.
હૈદરાબાદના માર્ગમાં વધારે પડતા પ્રવાસ પછી રાતે મોડું થઈ જવાથી અમે વિશ્રામ માટે રોકાઈ જવાનો નિર્ણય કર્યો. અમારી સાથેના બીજા યાત્રીઓ રાતે પ્રવાસ કરીને હૈદરાબાદ પહોંચવા માટે તૈયાર થયા તો પણ અમને એવી તૈયારી કરવાનું મન ના થયું. મેં માતાજી તથા શાંતિભાઈ સાથે વચ્ચે જ રોકાવાનું પસંદ કર્યું.
માર્ગમાં જ પી. ડબલ્યુ. ડી.નું રેસ્ટ હાઉસ આવ્યું. એ એકદમ ખાલી હોવા છતાં એના ચોકીદારે કેવળ એકાદ નાનો સામાન્ય રૂમ આપવાની જ ઈચ્છા બતાવી. એણે જણાવ્યું કે બીજા મોટા રૂમ મારે ખાલી રાખવા જ જોઈએ. કોઈવાર મોડીરાતે પણ કોઈ ઑફિસર આવી પહોંચે છે. તે વખતે રૂમ ખાલી ના હોય તે મને દંડ થાય ને મારી નોકરી જાય.
મેં કહ્યું સવાર સુધી કોઈ જ ઑફિસર નહિ આવે. તું મારામાં ને ઈશ્વરમાં વિશ્વાસ રાખીને રૂમ આપી દે. તારો વાળ પણ વાંકો નહિ થાય.
પરંતુ એવી રીતે વિશ્વાસ રાખવાનું એને માટે અશક્ય લાગ્યું.
છેવટે અમે એક તરફના બે નાનકડા જૂના જેવા રૂમથી ચલાવવાનું નક્કી કર્યું. રાતે એકાંતમાં આવેલા એ રેસ્ટ હાઉસમાં જ મુકામ કર્યો.
એ રાત ખૂબ જ વિચિત્ર, જુદી જાતની, અને અવિસ્મરણીય હતી. થોડા વખતમાં જ એની પ્રતીતિ થઈ. એને લીધે એ સ્થાન યાદગાર બની ગયું. ત્યાં જે અલૌકિક અસાધારણ આકસ્મિક અનુભવ થયો એ સવિશેષ ઉલ્લેખનીય છે.
આપણા સ્થૂળ ભૌતિક ઈન્દ્રિયગમ્ય જગતમાં બહારની સપાટી પર દેખાતા આત્માઓ કરતાં જુદી જ જાતના આત્માઓ અંદરના ઈન્દ્રિયોને અગોચર એવા સૂક્ષ્મ જગતમાં વાસ કરે છે એ વાત લગભગ સર્વવિદિત જેવી છે. એવા આત્માઓની ઓળખાણ કોઈક ધન્ય ક્ષણે ને પાવન પળે અસાધારણ સંજોગોમાં થતી હોય છે, ત્યારે જ એમના અસ્તિત્વનો અનુભવ થઈ શકે છે. એ આત્માઓ શુભ અને અશુભ, દૈવી અને આસુરી, બંને પ્રકારના હોય છે અને કર્મના ઋણાનુંબંધને અનુસરીને એમની યોનિમાં વિહરે છે. કર્મોના ઋણાનુંબંધો પૂરા થતાં એમાંથી પુનઃ મુક્તિ મેળવે છે.
એ રાતે એવા જ એક સૂક્ષ્મ શરીરમાં વસતા અસામાન્ય આત્માની મને ઓળખાણ થઈ.
એ સ્થાનમાં માનસિક શાંતિનો અનુભવ સ્વાભાવિક રીતે અને આપોઆપ થતો. ધ્યાન અથવા આત્મચિંતન માટે એ સ્થાન ખૂબ જ અનુકૂળ હતું. અમારી સાથેના શાંતિભાઈને પણ એવો જ અનુભવ થયો.
રાતે બારેક વાગ્યા પછી એ સ્થાનમાં મારી સમક્ષ એક સૂક્ષ્મ શરીરધારી આત્માનો આવિર્ભાવ થયો.
એ આત્મા સાથે મારે આ પ્રમાણે વાર્તાલાપ થયો :
તમે કોણ છો ને ક્યાં રહો છો ?
હું એક સૂક્ષ્મ જગતમાં વસતો જીવ છું અને આ સ્થળમાં જ વાસ કરું છું.
આ સ્થળમાં શા માટે ?
કારણ કે આ સ્થળ મને પ્રિય છે. હું પૂર્વજીવનમાં સાધુ હતો ને બનતું પવિત્ર જીવન જીવતો. અહીં મારી મઢૂલી હતી. આ જ સ્થળમાં. સંજોગોવસાત્ આ સ્થાનની જમીન મારી પાસેથી મારી મરજી વિરુદ્ધ લઈ લેવામાં આવી. મારી મમતાને લીધે મારો આત્મા અહીં રહી ગયો ને દુર્ગતિ પામ્યો. ત્યારથી હું આ સ્થાનમાં વાસ કરું છું.
અહીં રહીને શું કરો છો ?
ઈશ્વરનું સ્મરણ કરું છું અને જે અહીં આવે એમને મારી સહાયતા પહોંચાડું છું. કોઈને દુઃખી નથી કરતો.
આ યોનિ તમને સારી લાગે છે ?
ના. તો પછી ?
મને એનું મિથ્યાત્વ સારી પેઠે સમજાયું છે. આજે મારા જીવનનો ધન્ય દિવસ ઊગ્યો. ઈશ્વરની કૃપાથી તમારું દૈવી દર્શન થયું એટલે મને શાંતિ મળી. મારી રહીસહી સઘળી વાસના શાંત થઈ. આજે મારી આ યોનિમાંથી મુક્તિનો દિવસ છે. તમને પૂજ્યભાવે પ્રણામ કરીને હવે વિદાય થાઉં છું.
એ સાધુપુરુષે મને પ્રણામ કરીને વિદાય લીધી.
એમની મુક્તિ થયેલી જોઈને મને આનંદ થયો.
બીજે દિવસે વહેલી સવારે એ ચિરસ્મરણીય સ્થળની વિદાય લઈને અમે હૈદરાબાદ તરફ આગળ વધ્યાં.