દ્વાદશ જ્યોતિર્લિંગોમાં શ્રીશૈલ પર્વત પરના પવિત્ર પ્રદેશ પર આવેલા મલ્લિકાર્જુનનો પણ સમાવેશ થાય છે. श्रीशैले मल्लिकार्जुनम् । એ ઉક્તિ પ્રસિદ્ધ જ છે.
જ્યોતિર્લિંગોનો મહિમા બીજાં સ્થાનો કરતાં સવિશેષ મનાતો હોવાથી મોટા ભાગના ધર્મપ્રેમી માનવો એમના દર્શનની ઈચ્છા રાખે છે. દેશના જુદા જુદા પ્રદેશોમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમના વિસ્તારમાં એ ફેલાયેલા છે.
શ્રીશૈલ પર્વત પરના એ પવિત્ર સુંદર તીર્થસ્થાનમાં પહોંચ્યાં ત્યારે રાત પડી ગયેલી. માર્ગમાં આવતા શહેરમાં મોટરમાં બગાડ થવાથી પેટ્રોલ ટપકવા લાગ્યું. ત્યાં સમીપના શહેરમાં કોઈ સાધન ના મળવાથી અમે સૌ અમારી સાથેની મેટાડોરમાં ગોઠવાઈને રાતે એકાદ વાગ્યે શ્રીશૈલ પર પહોંચ્યા. માર્ગમાં અરણ્યના એકાંત રસ્તા પરથી મોટર આગળ વધતી’તી ત્યારે દૂર ક્ષિતિજની આજુબાજુ લાઈટોની પ્રકાશમય પંક્તિઓ દેખાતી. એ દર્શન અતિશય આનંદદાયક હતું. દિવસે રસ્તામાં આવતા સુપ્રસિદ્ધ નાગાર્જુનસાગર બંધને અવલોકવાનો અવસર તો આપોઆપ આવેલો.
રાતની અસીમ શાંતિમાં શ્રીશૈલ પર્વત પરના પ્રાકૃતિક દૃશ્યને દેખીને અમને અભૂતપૂર્વ શાંતિનો અનુભવ થયો. અમારું અંતર એથી પ્રસન્ન ને પુલકિત બની ગયું.
શ્રીશૈલ પર્વત પરના એ આકર્ષક અતિશય આહલાદક તીર્થસ્થાનના શાંત સુંદર આરામગૃહમાં રાતે વિશ્રામ કરીને સવારે અમે ત્યાંના સુપ્રસિદ્ધ પરમદર્શનીય મંદિરમાં પહોંચ્યાં.
મંદિરમાં દર્શન માટે ત્યાંની પરિપાટી પ્રમાણે પાસ કઢાવ્યો. મંદિર ખૂબ જ સરસ સુંદર આકર્ષક હતું. સ્વચ્છ પણ એટલું જ. એમાં ભગવાન શંકરનું જે લિંગ હતું તે પ્રમાણમાં ખૂબ જ નાનું હતું. અમને એના અવલોકનથી આનંદ થયો.
પર્વતમાળાની વચ્ચે વસેલું મલ્લિકાર્જુન સ્થળ ખૂબ જ સ્વચ્છ સુંદર દેખાયું. ત્યાંના માર્ગો, મકાનો, બધું જ આકર્ષક લાગ્યું. પર્વતો જ્યાં પણ હોય છે ત્યાં અત્યંત આકર્ષક અને આહલાદક લાગે છે. એમને અવલોકીને અંતર ધરાતું નથી.
એ સ્થળમાં મોટરની અગવડને લીધે અમારે એક દિવસ વધારે રહેવું પડ્યું.
બીજે દિવસે પ્રભાતે પ્રભાકર પ્રકટ્યા પછી પર્વત પરથી નીચે ઉતરીને લગભગ ૪૮0 કિલોમીટર જેટલું અંતર કાપીને અમે સુપ્રસિદ્ધ તીર્થસ્થાન તિરૂપતિમાં પ્રવેશ્યાં. રાતે ત્યાં જ કૃષ્ણ લૉજમાં રહીને સવારે બાલાજી ગયાં.
પર્વત પર વસેલું બાલાજીનું ધામ પ્રથમ દર્શને જ અંતરને આકર્ષે છે અને આહલાદથી ભરી દે છે. એ સ્થળ હિમાલયના પવિત્ર ઉત્તરાખંડના પાવન પુણ્યપ્રદેશની સ્મૃતિ કરાવે છે. દક્ષિણ ભારતમાં જ નહિ પરંતુ સમસ્ત ભારતમાં એનો મહિમા ફેલાયેલો છે.
બાલાજીના દર્શન માટે ખૂબ જ ભીડ હતી. ભાવિક જનતા ભગવાનના દર્શનની ઈચ્છાથી પ્રેરાઈને કોઈ પણ પ્રકારના કષ્ટ કે પરિશ્રમની પરવા કર્યા વિના લાઈનમાં ઊભી રહેલી. એની ધીરજ, હિંમત, શ્રદ્ધા અને આશા અસાધારણ હતી. જનતાની ભારે ભીડમાં અંદર જવાનું મન ના થાય એ સ્વાભાવિક હતું. પચીસ રૂપિયા ભરીને દર્શન કરવા માટે ઊભા રહેનારા ભાવિક ભક્તોની લાઈન પણ લાંબી હતી. એવી રીતે દર્શન કરવાની ઈચ્છાનો ઉદય મારામાં ના થઈ શક્યો. એટલે મારી સાથેનાં દર્શનાર્થીઓને પરિસ્થિતિથી પરિચિત કરીને હું એ કોલાહલપૂર્ણ વાતાવરણમાંથી બહાર નીકળી ગયો અને મંદિરની પાસેના વિશાળ કુંડ પર બેઠો. કુંડ પરથી બાલાજીના સુંદર પર્વતીય સ્થળની આસપાસનું કુદરતી સૌન્દર્ય અદ્દભુત દેખાયું. એનું અવલોકન કરીને અંતર આનંદમગ્ન બની ગયું ને ભાવવિભોર થઈ રહ્યું.
કુંડ પર સૂર્યનાં સોનેરી કિરણો ફરી વળેલાં. એમની ઉષ્માને અનુભવતાં મેં કલાક દોઢ કલાક સુધી ધ્યાન કર્યું. મારી અંદર અને બહાર સર્વત્ર ભગવાનના દિવ્ય સ્વરૂપનો અનુભવ થયો. ભગવાનનું સ્વરૂપ કાંઈ મંદિરની અંદર જ છે એવું થોડું છે ? એ તો સર્વત્ર વિદ્યમાન છે. પરંતુ એના સાક્ષાત્કારને માટે દૈવી દૃષ્ટિ જોઈએ. એવી દૃષ્ટિ વિના બીજું બધું જ દેખાય પરંતુ સર્વવ્યાપક પરમાત્મા ના દેખાય.
બાલાજીથી નીકળતી વખતે મારા મનમાં એક અનોખો વિચાર ઊઠ્યો. એ વિચારને વ્યક્ત કરતાં મેં બાલાજીને મનોમન જણાવ્યું કે જો તમારી ઈચ્છા મને તમારા દર્શન માટે લાવવાની હોય તો એવી રીતે લાવજો કે મારે લાઈનમાં ઊભા રહેવું ના પડે. એ સિવાય મને મંદિરની અંદરના તમારા શ્રીવિગ્રહની પાસે આવવાનું નહિ ગમે. તમારી અનુગ્રહશક્તિ અસીમ હોવાથી તમે એ પ્રમાણે કરી શકો છો. તમે જો એ પ્રમાણે નહિ કરો તો ત્યાં સુધી હું મંદિરની બહારથી જ દર્શન કરીને વિદાય થઈશ. એટલાથી જ સંતોષ મેળવીશ.
મારા એ વિચાર પાછળ બાલાજી પ્રત્યેનો પવિત્ર પ્રેમ જ હતો. પ્રેમ સિવાય એને સમજવાનું કામ કઠિન થઈ પડશે.
કેટલીકવાર કેટલાક વિશિષ્ટ પ્રકારના સરકારી પદાધિકારી પોતાના પદના પ્રભાવથી મંદિરમાં કોઈ પ્રકારની રોકટોક વિના પહોંચી જાય છે. વર્તમાનપત્રો કે રેડિયો દ્વારા એવા સમાચાર પ્રસારિત થાય છે પણ ખરા. તો પછી ભગવાન પોતાના પ્રેમીને એવી રીતે સરળતાથી અંદર શા માટે ના પહોંચાડે ? અને ધારો કે ના પહોંચાડે તો પ્રેમી ભક્તે પોતાની ભાવનાને શા માટે ના વળગી રહેવું ?
બપોર પછી અમે તિરૂપતિ પાછા ફર્યા.