તિરૂપતિથી આગળ વધીને અમે મદ્રાસ પહોંચ્યાં.
ત્યાં ગુજરાતી સમાજના નવા મકાનમાં થોડાક કલાકને માટે આરામ કર્યો.
ત્યાંથી મહાબલીપુરમ્, પક્ષીતીર્થ, શિવકાંચી, વિષ્ણુકાંચી થઈને તિરૂવન્નામલૈ પહોંચ્યાં.
મહાબલીપુરમ્ માં પ્રાચીન મંદિર તથા વિશાળ સુવિશાળ સમુદ્રમાં નિર્માણ કરાયેલાં મંદિરો ખાસ દર્શનીય છે. એમની રચના અદ્દભુત અને અતિશય આહલાદક છે.
સમુદ્રના ઉત્તુંગ તરંગો એ મંદિરોને પ્રત્યેક પળે અનુરાગભરેલી અંજલિ આપે છે અને એમની અક્ષય આરતી ઉતારે છે.
એ દૃશ્ય ચિરકાળને માટે યાદ રહી જાય તેવું છે.
પક્ષીતીર્થ પર્વત પર મધ્યાહન સમયે ભોજન માટે આવતાં પક્ષીઓને લીધે પ્રખ્યાત છે. એ પક્ષીઓના દર્શન માટે યાત્રીઓ સારી સંખ્યામાં એકઠાં થાય છે.
પર્વતની તળેટીમાં વસેલું ને વિસ્તરેલું નાનુંસરખું ગામ એને લીધે દેશભરમાં જાણીતું થયું છે.
પક્ષીતીર્થ ભારતનાં મહત્વનાં તીર્થોમાંનું એક મનાય છે.
શિવકાંચી તથા વિષ્ણુકાંચીનાં વિશાળ મંદિરોમાં ભગવાન શંકર અને વિષ્ણુની વિશાળ પ્રતિમાઓ છે. દક્ષિણના દરેક મંદિરમાં સુંદર કુંડ તો હોવાનો જ. કુંડને લીધે મંદિર વધારે સુશોભિત લાગે છે.
તિરૂવન્નામલૈમાં મુખ્ય દર્શનીય સ્થળો ત્રણ : અરૂણાચલનું મંદિર, રમણાશ્રમ અને અરૂણાચલ પર્વત.
અરૂણાચલ મંદિરનો વિસ્તાર ખૂબ જ મોટો છે. મંદિરમાં એક તરફ સહસ્ત્ર સ્થંભોવાળો સુંદર મંડપ છે. એની બાજુમાં પાતાળલિંગેશ્વરની નાનકડી ગુફા છે. એ ગુફામાં રમણ મહર્ષિએ એમની સાધકાવસ્થામાં થોડાક સમયપર્યંત રહીને તીવ્ર તપ કરેલું. એ સ્થાનને જોઈને અમને આનંદ થયો.
અરૂણાચલના મંદિરમાં વિહાર કરતી વખતે અમને એક વયોવૃદ્ધ સાધુપુરુષ મળ્યા. મંદિરમાં ફરતી વખતે એ મને ખૂબ જ રસપૂર્વક જોઈ રહેલા. મારી ગતિવિધિને એ મારી પાછળ આવીને ભારે રસપૂર્વક નિહાળી રહેલા.
એમનો પહેરવેશ પરંપરાગત સાધુઓ કરતાં જરાક જુદો હોવાથી અલગ તરી આવતો.
એમણે મારી પાસે પહોંચીને મને પૂછયું : તમે ક્યાં રહો છો ? તમારો કોઈ આશ્રમ છે ?
એમનો સ્વર ખૂબ જ સ્નેહાર્દ્ર, શાંત, સુધાસભર હતો. એમનું મુખમંડળ માયાળુ લાગ્યું.
મેં એમના પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહ્યું : આશ્રમ તો સર્વત્ર છે.
સર્વત્ર ?
હા, સર્વત્ર. પંચમહાભૂતના શરીરનો આ આશ્રમ જ આપણો નથી, પછી બીજા બહારના આશ્રમ ક્યાં સુધી રહેવાના ?
સાધુપુરુષ ખડખડાટ હસવા લાગ્યા ને બોલ્યા : બરાબર છે, બરાબર છે. મેં પણ કોઈ આશ્રમ નથી બનાવ્યો. વરસો પહેલાં રમણાશ્રમમાં રમણ મહર્ષિનાં દર્શન માટે આવેલો. રમણ મહર્ષિએ સમાધિ લીધી ત્યારથી હું અહીં જ રહી ગયો છું. હવે આ સ્થાનને છોડવાનું મન નથી થતું.
એમની મુખાકૃતિ તેજસ્વી અને નિર્દોષ હતી. એમના શબ્દો પરથી એ રમણ મહર્ષિના એકનિષ્ઠ ભક્ત હોવાની પ્રતીતિ થતી.
રમણાશ્રમનું સ્થાન ખૂબ જ શાંત, સુંદર, આકર્ષક છે. વરસો પહેલાં જોયેલા આશ્રમના સ્થાનમાં અને અત્યારના સ્થાનમાં ઘણો ફેર પડી ગયો છે. ત્યાં વરસો સુધી વસીને આત્મનિષ્ઠાને અક્ષય રાખીને જે મહાપ્રતાપી મહાપુરુષે પોતાની આત્મશક્તિને રેલાવી, તે મહાપુરુષ એ વાતાવરણમાં આજે પણ જીવંત લાગે છે અને કાર્ય કરતા દેખાય છે. એમના અસાધારણ આધ્યાત્મિક પરમાણુઓનો અનુભવ આજે પણ થઈ શકે છે. આશ્રમને અડીને ઊભેલો અરૂણાચલ પર્વત એમની તીવ્ર તપશ્ચર્યાની સાક્ષી પૂરે છે.
પર્વત પર એક વિદેશી સાધિકા જઈ રહેલી. આશ્રમના હૉલમાં ચારેક પરદેશી સાધકો ધ્યાન કરવા બેઠેલા. રમણ મહર્ષિની અસાધારણ અદૃશ્ય શક્તિ એવાં કેટલાય પ્રવાસીઓને પ્રેરણાનાં પીયૂષપાન કરાવે છે. એ અલૌકિક શક્તિ આજે પણ કાર્યરત દેખાય છે.
પ્રાચીન ઋષિઓનાં એકાંત આહલાદક આશ્રમની યાદ આપતો એ આશ્રમ ખરેખર દર્શનીય છે. અનુકૂળતા કાઢીને એના વિશુદ્ધ વાતાવરણમાં થોડોક વખત રહેવા જેવું છે.