if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભારતની પુણ્યભૂમિમાં પ્રાચીનકાળમાં ગાર્ગી, મૈત્રેયી જેવી અનેક અધ્યાત્મપ્રેમી વિદુષીઓ થઈ છે. વર્તમાન કાળમાં પણ એવી વિદુષીઓનો અભાવ નથી. દેશનો પ્રવાસ કરનારને એનો અનુભવ થાય છે.

દેશના જ્ઞાત-અજ્ઞાત ખૂણેખાંચરે કોઈક ધન્ય ક્ષણે પાવન પળે કોઈવાર કોઈ એવી દિવ્ય અસાધારણ વિભૂતિનું દર્શન થાય છે જેને જોઈને આંખ ઠરે છે, અંતર આનંદે છે, આત્મા અવર્ણનીય અદ્દભુત આદરભાવથી ઊભરાઈ જાય છે. દેશ હજુ આવા વિષમ વખતમાં પણ વિભૂતિઓથી-પરમ જાજ્વલ્યમાન આધ્યાત્મિક આત્માઓથી વંચિત નથી એની પ્રતીતિ થાય છે.

એવા આત્માઓ પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ. એમના સંબંધમાં સ્ત્રીપુરુષોના ભેદો કશો મહત્વનો ભાગ નથી ભજવતા. એ જ્યાં અને જે રૂપમાં પણ હોય છે ત્યાં તે રૂપમાં પરમાદરણીય, પ્રશસ્ય, પૂજ્ય હોય છે. જે પ્રદેશમાં એ વસે છે અને વિચરે છે તે પ્રદેશ એમને લીધે પરમપવિત્ર બને છે અને અવનવી શોભા ધારણ કરે છે. એમના મહિમાનું જયગાન મોટામોટા મુનિઓ તથા કવિજનો પણ નથી કરી શકતા.

એ સંસારમાં શ્વાસ લે છે તો પણ સંસારથી સદા માટે અલિપ્ત રહે છે. જ્યાં હોય છે ત્યાં પરમપ્રેરક અથવા અમોઘ આશીર્વાદરૂપ બને છે, દિવ્ય દીવાદાંડીની ગરજ સારે છે, સંસારના સાગરમાં સપડાયેલી કે સફર કરનારી કેટલીય જીવનનૌકાઓને સહીસલામત રીતે સફળતા સહિત કિનારે ઉતારે છે. માનવના આધ્યાત્મિક જીવનઘડતરમાં એમનું યોગદાન ઘણું મોટું ને મહત્વનું હોય છે.

સત્કર્મોના સુફળરૂપે સાંપડનારો એમનો સમાગમ ક્ષણનો હોય, સ્વલ્પ સમયનો હોય તો પણ શ્રેયસ્કર ઠરે છે ને ચિરસ્મરણીય બને છે. જીવનનું આમૂલ પરિવર્તન કરે છે. નવજીવન ધરે છે.

અમારી દક્ષિણ ભારતની યાત્રાની સફળ સુખદ પરિસમાપ્તિ સમયે અમને એવા જ એક અસાધારણ અલૌકિક આત્માના દેવદુર્લભ દર્શનનો લાભ મળ્યો.

યાત્રાની પૂર્ણાહુતિ થવાનો સમય સમીપ હતો ત્યારે અમારે તારીખ ૧ર-ર-૧૯૭૮ રવિવારે જ્ઞાનેશ્વર મહારાજના સુપ્રસિદ્ધ લીલાસ્થાન આલંદીમાં આવવાનું થયું. એ દિવસે વસંતપંચમી હતી.

આલંદીમાં પ્રવેશતાં પહેલાં રાત પડી ગઈ. અંધકારના ઓળા આજુબાજુ બધે જ ઉમટી પડ્યા. અમે નિર્ણય કર્યો કે સૌથી પહેલાં સંતશિરોમણિ જ્ઞાનેશ્વર મહારાજના સમાધિસ્થાનના દર્શને જઈએ.

જ્ઞાનેશ્વર મહારાજની સમાધિનું વાતાવરણ ખૂબ જ વિશુદ્ધ, સ્વચ્છ અને શાંત હતું. સમાધિમંદિરમાં પ્રવેશીને અમે સમસ્ત મહીમંડળના એ સર્વકાળના સર્વશ્રેષ્ઠ મહાપુરુષને પ્રણામ કર્યા.

સમાધિમંદિરમાં મને વિચાર આવ્યો કે આલંદી આવવાનું થાય છે ત્યારે લગભગ પ્રત્યેક વખતે જ્ઞાનેશ્વર મહારાજ એક અથવા બીજા રૂપમાં દર્શન આપીને એમના અનુગ્રહનો વરસાદ વરસાવે છે, તો આ વખતે પણ કોઈક ચમત્કારિક અસાધારણ અનુભવ આપે તો કેટલું સારું ! એ જ વખતે જ્ઞાનેશ્વર મહારાજની અપાર્થિવ પરમશક્તિએ મને સૂચવ્યું કે હું સમાધિમંદિરમાં હાજર જ છું.

ક્યાં ?

તમારી પાછળ.

મારી પાછળ ?

હા. તમે પાછા ફરશો એટલે હું તમને દેખાઈશ.

કેવા સ્વરૂપમાં ?

કુમારિકાના દિવ્ય સુંદર સ્વરૂપમાં હું તમારી પાસે આવીશ. કોઈ બીજું મને ના ઓળખી શકે એટલે હું એવા રૂપમાં રહીશ; પરંતુ તમે મને ઓળખી લેજો.

એ સૂચનાથી મને સ્વાભાવિક રીતે જ ઘણો આનંદ થયો.

સમાધિમંદિરમાં પાછા ફરતી વખતે મેં જ્ઞાનેશ્વર મહારાજની સમાધિનાં પુષ્પોની પ્રસાદી વારાફરતી મારી સાથેનાં દર્શનાર્થીઓને આપવા માંડી ત્યારે મારી પાસે એકાએક એક કાષાયવસ્ત્રધારી કુમારિકા આવી અને પુષ્પની પ્રસાદી માટે હાથને ફેલાવીને ઊભી રહી.

મને તરત જ જ્ઞાનેશ્વર મહારાજની સૂચનાનું સ્મરણ થયું.

મેં એ કાષાયવસ્ત્રધારી કન્યાને પુષ્પ આપ્યું.

પુષ્પને લઈને એ સ્મિત કરતી મારી પાછળ થોડેક દૂર જઈને ઊભી રહી.

હું એની પાસે પહોંચ્યો અને મારી સાથેનાં દર્શનાર્થીઓ ઉપરાંત કેટલાંક બીજાં મુલાકાતીઓ પણ અમારી આજુબાજુ એકઠાં થઈ ગયાં. એટલે એણે ખૂબ જ ભાવવિભોર સ્વરે શાંતિથી કહ્યું :

‘તમે બધાં યાત્રા કરવા નીકળ્યાં છો પરંતુ ખરી યાત્રા અહીં જ છે. સંતના શરણમાં ને ચરણમાં. જ્ઞાનેશ્વર મહારાજ અત્યારે અંદર સમાધિસ્થાનમાં નથી પરંતુ અહીં સમાધિસ્થાનમાંથી ઊઠીને સામે જ ઊભા છે. યોગેશ્વર છે તે જ્ઞાનેશ્વર છે અને જ્ઞાનેશ્વર યોગેશ્વર છે. જ્ઞાનેશ્વર, યોગેશ્વર અને યોગદત્ત.’

એણે પોતાની ઓળખાણ યોગદત્ત તરીકે આપી એથી કેટલાકને આશ્ચર્ય થયું. સાચું નામ શું હોવું જોઈએ, યોગદત્ત કે યોગદત્તા ? એમનો એવો પ્રશ્ન થયો. પુરુષ હોય તો યોગદત્ત નામ હોય ને સ્ત્રી હોય તો યોગદત્તા. આ તો સ્ત્રી છે, કુમારી છે; તો એણે ભૂલમાં જ યોગદત્ત કહ્યું.

‘તમારું નામ યોગદત્તા કે યોગદત્ત ?’ કોઈકે પૂછયું.

‘યોગદત્ત.’ કુમારીએ કહ્યું.

‘યોગદત્ત ?’

‘હા.’

થોડીકવાર શાંત રહીને એ બોલી : ‘પુરુષ તથા સ્ત્રીના ભેદ આત્માના નથી, શરીરના છે. જ્ઞાની સદા શરીરભાવથી પર હોય છે.’

એકાદ ક્ષણ અટકીને એણે આગળ જણાવ્યું : ‘યોગેશ્વર છે એ જ જ્ઞાનેશ્વર છે. એ મારી માતા છે. વાછરડી જેવી રીતે ગાયની પાસે ઊભી રહે છે તેવી રીતે હું એમની પાસે ઊભી રહી છું. એ મને પોતાનું કૃપારૂપી દૂધ પાય છે. એમની છત્રછાયામાં હું સલામત છું. જે એમનું શરણ લે છે એ એમના અનુગ્રહરૂપી અમૃતને મેળવી લે છે. પૂનામાં મારું ગીતાપારાયણ ચાલી રહેલું ત્યાં જ્ઞાનેશ્વર મહારાજે મને અચાનક આલંદી આવવાની પ્રેરણા કરી એટલે આજે હું આલંદી આવી. હવે મને સમજાયું કે જ્ઞાનેશ્વર મહારાજે મને એવી પ્રેરણા શા માટે કરી.’

યોગદત્તની મુખાકૃતિ અતિશય આકર્ષક, પ્રભાવશાળી, ભવ્ય હતી. એની ઉપર સાત્વિક પ્રકાશ પથરાયેલો. એને અવલોકતાંવેંત જ અનોખો આદરભાવ પેદા થતો.

યોગદત્તે જ્ઞાનેશ્વરી ગીતાની મહત્વની કંડિકાઓ સંભળાવવા માંડી. એની સ્મરણશક્તિ, મેઘા તથા સમજાવવાની શક્તિ અસાધારણ હતી. એનો પરિચય પામીને શ્રોતાઓ આશ્ચર્યચકિત, મંત્રમુગ્ધ અને સ્તબ્ધ બની ગયાં. સમાધિમંદિરનું વાતાવરણ સજીવ બન્યું. જ્ઞાનેશ્વર મહારાજ પોતે જ પોતાની વાણીની વ્યાખ્યા કરી રહ્યા છે એવું લાગ્યા વિના રહ્યું નહીં.

એ શ્રવણમધુર મંગલ વ્યાખ્યા પૂરી થઈ એટલે મને વિચાર આવ્યો કે સમાધિમંદિરમાં આવવાનું થાય ત્યારે પ્રત્યેક વખતે જ્ઞાનેશ્વર મહારાજ પુજારીને પ્રેરણા કરીને પોતાની પ્રસાદીરૂપે પુષ્પમાળા પહેરાવે છે પરંતુ આ વખતે માળા નથી પહેરાવી. માળા પહેરાવાય કે ના પહેરાવાય એનું મહત્વ નથી, પરંતુ જ્ઞાનેશ્વર મહારાજની સુમધુર સ્મૃતિનું મહત્વ છે.

મને એવો વિચાર આવ્યો કે તરત જ યોગદત્તમાં રહીને પોતાનો અલૌકિક અનુભવ કરનારા સંતશિરોમણિ જ્ઞાનેશ્વર મહારાજે એને ઓળખી લઈને એનો સમ્યક્ સંતોષકારક પ્રત્યુત્તર પૂરો પાડ્યો.

યોગદત્તે સમાધિમંદિરના ગર્ભદ્વાર તરફ ઉતાવળા પગલે દોડતી હોય તેમ ચાલવા માંડ્યું.

જોતજોતામાં એ સમાધિ પરની પવિત્ર પુષ્પમાળાને લઈને બહાર આવી અને એ પુષ્પમાળા મને પહેરાવીને મારી પાસે પહેલાંની પેઠે જ કોઈ પણ પ્રકારના સંકોચ સિવાય ઊભી રહી.

એના કેશમાં પુષ્પમાળા પરોવાયેલી.

મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ પહેરે છે તેવો એણે પાછળ કાછડાવાળો સાલ્લો પહેરેલો.

એની આંખ ઓજસ્વી દેખાતી.

મેં એને પૂછયું : ‘ તમે માળા લેવા માટે સમાધિમંદિરમાં શા માટે ગયા ?’

‘જ્ઞાનેશ્વર મહારાજની પ્રેરણાથી. એમણે જ મને અંદર જઈને માળા લાવવા માટે આદેશ આપ્યો.’

પુષ્પમાળા જ્ઞાનેશ્વર મહારાજના અસાધારણ અમોઘ અનુગ્રહના પવિત્ર પ્રતીકરૂપ હતી. એને મેળવીને મને સંતોષ અને આનંદાનુભવ થયો. જ્ઞાનેશ્વર મહારાજની શક્તિ કેવી ચમત્કારિક રીતે કાર્ય કરે છે એનો ખ્યાલ આવ્યો.

સમય ઘણો વધારે થઈ ગયો હોવાથી અમે સમાધિમંદિરની બહાર જવાની તૈયારી કરી તો યોગદત્તે જણાવ્યું : ‘હજુ એક કામ બાકી રહ્યું છે, તમને સારો સાનુકૂળ ઉતારો આપવાનું. તે કામ થઈ જશે એટલે હું તમારી રજા લઈશ.’

‘અમે ઉતારાને શોધી લઈશું.’

‘ના. હું સાથે આવીને તમને સારો ઉતારો અપાવીશ. મારું એ પવિત્ર કર્તવ્ય છે.’

અમારી સાથે એ બહાર નીકળી.

દરવાજામાંથી બહાર નીકળતી વખતે કોઈક કર્મચારી જેવા દેખાતા પુરુષે મારી પાછળ આવીને મને કહ્યું : ‘આ બાઈ ખૂબ જ વિચિત્ર છે. ભારે નટખટ છે. એનાથી ચેતતા રહેજો. વધારે પડતા પ્રભાવિત ના થતા.’

એ વણમાગ્યા સાવધાનીસૂચક અભિપ્રાયથી મને આશ્ચર્ય થયું. મેં એને એટલી ગંભીરતાથી ના લીધો. નાનામોટા પ્રત્યેક સ્થાનમાં એવાં વિષમય, તેજોદ્વેષથી ભરેલાં, વિરોધી તત્વો તો મળવાનાં જ. એમનાથી પૂરતા અનુભવ વિના દોરવાઈ જવાનું હિતાવહ નથી હોતું.

અમારી સાથેના બે-ત્રણ યાત્રીઓ ભક્ત જલારામના સ્થાનને જોવા ગયા પરંતુ ત્યાં જગ્યાનો અભાવ હતો.

યોગદત્તે જણાવ્યું : ‘હું તમને જ્યાં લઈ જઉં ત્યાં જ ચાલો. ત્યાં સર્વ પ્રકારની સાનુકૂળ સગવડ થઈ રહેશે.’

એ અમને માહેશ્વરી ભવનમાં લઈ ગઈ. એના મૅનેજરને ઉઠાડીને મારી ઓળખાણ આપી. મૅનેજરે અતિશય આદરપૂર્વક અમારો સત્કાર કર્યો અને અમને મકાન બતાવ્યું. અમને એ મકાન પસંદ પડવાથી અમે એમાં આવશ્યકતા પ્રમાણેની જગ્યા રાખી લીધી.

યોગદત્તને સંતોષ થયો. એણે પ્રણામ કરીને કહ્યું : ‘હવે હું જઉં છું. કાલે ફરીવાર આવીશ. તમે જ્યાં સુધી રહેશો ત્યાં સુધી રોજ આવીશ.’

‘રોજ ?’

‘હા. રોજ. રોજ આવીશ. તમારું દર્શન કાંઈ જેને તેને ને જ્યારે ત્યારે મળી શકે છે ? એ તો અતિશય વિરલ છે.’

અને એ ઝડપી પગલે ચાલીને આજુબાજુના અંધકારમાં અદૃશ્ય થઈ ગઈ.

સિદ્ધલોકમાંથી પૃથ્વી પર પ્રકટેલી કોઈક સિદ્ધ યોગિનીની સ્મૃતિ કરાવતી એની આકૃતિ આંખો આગળ રમવા લાગી. એ કદી પણ કાયમને માટે અદૃશ્ય થઈ શકે તેમ ન હતી.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.