બીજે દિવસે સવારે અમે સિદ્ધબેટના સુપ્રસિદ્ધ સ્થાનને જોવા માટે ગયાં. સરિતાના સ્વચ્છ પવિત્ર તટપ્રદેશ પર આવેલું એ સ્થાન અત્યંત દૂર અને એકાંતમાં હોવાથી એને સહેલાઈથી શોધી શકાયું નહિ. વચ્ચે માર્ગમાં અમે એક વૃક્ષની છાયામાં બેસી ગયાં. ત્યાં થોડા વખત પછી અચાનક યોગદત્ત આવી પહોંચી અને બોલી : ‘સિદ્ધબેટ અહીંથી જ છેક જ પાસે છે. વધારે નથી. ચાલો તમને બતાવું.’
‘તમને કેવી રીતે ખબર પડી કે અમે અહીં આવ્યાં છીએ ?’ કોઈક ભાઈએ પૂછયું.
‘દિવ્ય દૃષ્ટિ. એનું નામ દિવ્ય દૃષ્ટિ. મને જ્ઞાનેશ્વર મહારાજે પ્રેરણા કરીને જણાવ્યું કે તમે બધાં અહીં છો એટલે હું અહીં આવી પહોંચી.’
અમે એની સાથે સિદ્ધબેટના કાચા પંગદંડી જેવા માર્ગે આગળ વધ્યાં.
થોડા વખતમાં એ ઐતિહાસિક સ્થાન આવી પહોંચ્યું.
એ છેક જ સાદા છતાં શાંત સુંદર સ્થાનમાં અમે વૃક્ષની નીચે બેસી ગયાં.
એનું ઐતિહાસિક મહત્વ એટલા પૂરતું હતું કે એનો જ્ઞાનેશ્વર મહારાજના જીવન સાથે સંબંધ બંધાયેલો. જ્ઞાનેશ્વર મહારાજના પિતા વિઠ્ઠલ પંત ગુરુની આજ્ઞાથી સંન્યાસી મટીને ફરીવાર ગૃહસ્થી થયા ત્યારે ગામલોકોએ એમને નાતબહાર મૂક્યા. એમને ચાર જીવનમુક્ત સંતાનો થયા. માતાપિતાના સ્વર્ગવાસ પછી એ ચારે પરમજ્ઞાની પરમાત્મદર્શી લોકોત્તર આત્માઓએ કેટલાક કાળપર્યંત સિદ્ધબેટના પ્રશાંત સ્થળમાં વાસ કર્યો. એ સ્થળમાં કોઈકોઈવાર સિદ્ધપુરુષો પણ એકઠા થતા.
યોગદત્તે ત્યાં જ્ઞાનેશ્વરી ગીતા પર પોતાના રસિક હૃદયંગમ વિચારોને રજૂ કર્યા. એ વિચારોને સાંભળીને સૌને આનંદ થયો.
એણે ઉપસંહારમાં કહ્યું : ‘તમારી સૌની દક્ષિણ ભારતની યાત્રા અહીં પૂરી થઈ છે. પૂજ્ય શ્રી યોગેશ્વર મહારાજ જ્ઞાનેશ્વર સ્વરૂપ છે. એમની ઉપસ્થતિમાં જ્ઞાનેશ્વર મહારાજના સુંદર લીલાસ્થાનમાં તમે સૌ પુણ્યના ભાગી બન્યા છો. પવિત્ર ઈન્દ્રાયણીમાં સ્નાન કરી, દેવદુર્લભ સંતના આશીર્વાદે તમારા જીવનને જ્ઞાનેશ્વરીના સ્વર્ગીય જ્ઞાનથી સુમનસમું સુવાસિત બનાવો. તેથી જીવન ધન્ય બનશે. જ્ઞાનેશ્વરી નિર્મળ જ્ઞાનનો ભંડાર છે. એની સુવાસ સઘળે પ્રસરી રહો. મોહમાયા, કામક્રોધલોભ અથવા વિષયાસક્તિના વિષથી જીવન મુક્ત બનો. એ વિષને દૂર કરવા માટે જ જ્ઞાનેશ્વરી ગીતા બહાર આવી છે.’
સિદ્ધબેટના પવિત્ર સ્થાનમાં સમાધિસ્થાન અને ચરણપાદુકા દેખાય છે. પીપળા અને આમ્રવૃક્ષની સુંદર આકર્ષક ઘટાથી આચ્છાદિત એ સ્થાન રમણીય, પવિત્ર, આનંદદાયક છે. સિદ્ધબેટ પાસે સો જેટલા વિદ્યાર્થીઓ માધુકરી કરીને ચાર વરસ માટે જ્ઞાનેશ્વરીનો અભ્યાસ કરે છે. સરિતાના શાંત પવિત્ર તટપ્રદેશ પર રહેતા એ સ્વાશ્રયી પરિશ્રમપ્રેમી વિદ્યાર્થીઓને નિહાળીને ખૂબ જ સંતોષ થયો.
સિદ્ધબેટથી પાછી ફરતી વખતે અમે યોગદત્તની સાથે માર્ગમાં એક બંધ મકાનના ઓટલા પર વિશ્રામ કરવા બેઠાં. ત્યાં એક દુઃખી ભાઈએ આવીને યોગદત્તને પોતાના દુઃખની કથની કહીને પ્રેમપૂર્વક પ્રણામ કર્યા.
યોગદત્તનું એ વખતનું સ્વરૂપ અત્યંત આકર્ષક અને અદ્દભુત હતું. ગુલાબી જેવા રંગના ભરાવદાર સુડોલ શરીર, તેજસ્વી શ્રદ્ધાભક્તિભરપૂર મંગલ મુખાકૃતિ, કેશ પર રંગબેરંગી પુષ્પોની માળા. જાણે સિદ્ધલોકમાંથી ઊતરી આવેલી કોઈક સિદ્ધકન્યા.
યોગદત્તે એ દુઃખી ભાઈને આશ્વાસન આપતાં જણાવ્યું : ‘દુઃખથી ડરી કે ડગી જવાને બદલે બને તેટલી ધીરજ અને હિંમત રાખીને તમે જ્ઞાનેશ્વર મહારાજનું શરણ લો. એ સર્વશક્તિમાન છે. તમારી ઉપર કૃપાનો વરસાદ વરસાવીને તમને કૃતાર્થ કરશે. તમારાં બધાં જ દુઃખ-દર્દને દૂર કરી દેશે. એમનું સાચા દિલથી સ્મરણ કરો. એ આપણી માવડી છે. પોતાનાં બાળકોની એ સર્વકાળે સર્વપ્રકારે રક્ષા કરશે. એમને શરણે જનારાં સદાને માટે ધન્ય બન્યાં છે.’
આલંદીથી નીકળવાનો સમય સમીપ આવ્યો ત્યારે યોગદત્તની આંખમાં આંસુ આવ્યાં. એનું હૃદય રડી ઊઠ્યું. મને સંત તુલસીદાસના પેલા અમર શબ્દોનું સ્મરણ થયું :
મિલત એક દારુન દુઃખ દેહી,
વિછુડત એક પ્રાન હરી લેહી.
દુર્જનો મળે છે ત્યારે ભયંકર વ્યથા પહોંચાડે છે અને સજ્જનો છૂટા પડે છે ત્યારે પ્રાણ હરી લે એવી અસહ્ય વેદના પેદા કરે છે.
મેં યોગદત્તને કહ્યું : ‘સંસારનું સ્વરૂપ જ એવું વિચિત્ર છે. જે જન્મે છે તે જાય છે. મળે છે તે છૂટા પડે છે. પરંતુ શરીર છૂટાં પડે છે તો પણ સ્મૃતિઓ નથી છૂટી શકતી. એ સનાતન રહે છે.’
મોટર ઊપાડતાં પહેલાં કોઈએ પૂછવા ખાતર પૂછયું : ‘તમારું લગ્ન થયું છે ?’
‘હા.’ યોગદત્તે જણાવ્યું.
‘કોની સાથે ?’
‘જેની સાથે થવું જોઈએ એમની સાથે. ઈશ્વરની સાથે. એમની સાથેનું લગ્ન જ પરમ સુખદાયક બને છે અને અખંડ સૌભાગ્ય અર્પે છે.’
મને ભક્તિમતી મીરાંબાઈના ઉદ્દગારો યાદ આવ્યા :
પરણું તો પ્રીતમ પ્યારો,
અખંડસૌભાગ્ય મારો;
રાંડવાનો ના'વે વારો રે, મોહન પ્યારા !
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા !
મોટર ઊપડી.
હું યોગદત્તને મને પરમપૂજ્યભાવે પ્રેમપૂર્વક પ્રણામ કરતી જોઈ રહ્યો.
મને એ વાતનો સંતોષ થયો કે આવા વિષમ વિપરીત વખતમાં પણ ભારતની ભૂમિ પર આવા પુણ્યાત્માઓ પ્રકટે છે અને પોતાનું પરમાત્માપ્રદત્ત કલ્યાણકાર્ય કરે છે. ભારતની ભૂમિ એમને લીધે ઊજળી છે.