if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભારતમાં છેલ્લાં થોડાંક વરસોમાં જે પ્રાતઃસ્મરણીય ખ્યાતનામ શ્રેષ્ઠ લોકહિતૈષી મહાપુરુષોની પ્રાણવાન પરંપરા પેદા થઈ તેમાં જેમનું નામ ને કામ અભિન્ન રીતે જોડાયેલું છે અને જેમને લીધે એ પરંપરા વિશેષ પ્રાણવાન બની છે તે મહાપુરુષ ગણેશપુરીના સ્વામી નિત્યાનંદ.

ભારતના તાજેતરના ભવ્ય ભૂતકાળમાં થઈ ગયેલા અસાધારણ અવસ્થાપ્રાપ્ત લોકોત્તર સંતપુરુષોમાં એમના નામનો સમાવેશ અનિવાર્ય રીતે અચૂકપણે કરવો જ પડે. એમનું સ્થાન એવું શકવર્તી અને જીવન અનોખું, અનુપમ, અલૌકિક, ઐતિહાસિક છે.

નાનાસરખા ગણેશપુરી ગામને અને એના આધ્યાત્મિક ચેતનાથી ચમકતા સ્થાનને કોણ નથી ઓળખતું ? એના નામની આજથી ચાલીસ વરસ પહેલાં દૂરના દેશવાસીઓને ખબર પણ ન હતી. એ નાનાસરખા સ્થળમાં એવો તે કયો ચમત્કાર બન્યો કે એનું નામ સમસ્ત દેશની અધ્યાત્મપ્રેમી જનતામાં જાણીતું થઈ ગયું ? એ ચમત્કારનું એકમાત્ર કારણ મહાત્મા નિત્યાનંદે એને પોતાના સાધનાસ્થાન તથા નિવાસસ્થાન તરીકે પસંદ કર્યું તે હતું. મહાપુરુષો જ્યાં વસે છે, તપે છે, ને જ્યાંથી કાર્ય કરે છે તે સ્થાન તીર્થસ્થાન બની જાય છે અથવા અલૌકિક મહિમા ધારણ કરે છે. એ સ્થાનને મહાપુરુષોના પરમપ્રેરક પરમાણુઓની પ્રાપ્તિ થવાથી એની સહેલાઈથી કાયમી કાયાપલટ થઈ જાય છે. મહાપુરુષોનો મહિમા જ એવો અનેરો હોય છે.

સ્વામી નિત્યાનંદ જન્મ્યા દક્ષિણ ભારતના દૂરદૂરના નાનાસરખા ગામમાં, પરંતુ વસ્યા ને તપ્યા ગણેશપુરીની પરમપવિત્ર ભૂમિમાં. એ ભૂમિ એમને લીધે વધારે પવિત્ર, મહિમામયી અને યશસ્વિની થઈ. એના અને એના પ્રત્યક્ષ તીર્થદેવતાના દર્શનને માટે લોકોનાં ટોળેટોળાં ઊમટવા માંડ્યાં. એ ક્રમ દિવસો કે મહિના સુધી નહિ પરંતુ વરસો સુધી ચાલુ રહ્યો. આજે એ લોકોત્તર દિવ્ય મહાપુરુષને સમાધિસ્થ થયે વરસો વીત્યાં છે તો પણ એ ક્રમ ચાલુ જ રહ્યો છે. એમની સ્વર્ગીય સમુપસ્થિતિનો સુખદ શાંતિસંચારક સ્વાનુભવ એમને થતો રહે છે. કોઈ ત્યાંના વિશદ વાયુમંડળમાં બેસીને જપ કરે છે, ધ્યાન ધરે છે, તો કોઈ પ્રાર્થના તથા સ્વાધ્યાયનો આશ્રય લે છે.

અમે એ મહામહિમામય મહાપુરુષ પ્રત્યેના અસાધારણ આદરભાવથી પ્રેરાઈને એના દર્શન-અવલોકન માટે દક્ષિણ ભારતના પુણ્યપ્રવાસની પવિત્ર પૂર્ણાહુતિ પહેલાં જઈ પહોંચ્યાં.

એ દિવસ તારીખ ૧પ-ર-૧૯૭૮નો હતો.

ગણેશપુરીના પ્રવેશ પહેલાં જ રાત થઈ ગયેલી અને અંધકારના ઓળા આજુબાજુ બધે જ ઊતરી ચૂકેલા. સૌથી પ્રથમ કામ ઉતારાની અનુકૂળ જગ્યા મેળવવાનું હતું, અને એ કામ થોડીક શોધખોળ પછી સિદ્ધ થઈ શક્યું. સ્વામી નિત્યાનંદના સ્થાનની બાજુમાં જ કુટ્ટુ સ્વામીનું મકાન હતું. એ મકાનના ઉપર-નીચેના ખંડોમાં અમારે સૌને માટે રહેવાની વ્યવસ્થા શઈ શકી.

સવારે ઊઠીને નિત્યક્રમમાંથી નિવૃત થઈને અમે સ્વામી નિત્યાનંદના સ્મૃતિસ્થળોની મુલાકાત લીધી.

સામે જ પવિત્ર સ્થળ હતું જ્યાં રહીને એ દર્શનાર્થીઓને દર્શન આપતાં. વરસો પહેલાં લીધેલી એ શાંત સ્વર્ગીય સ્થળની મધુર મુલાકાતનું મને સ્મરણ થયું. એ વખતે નિત્યાનંદજી સ્થૂળ શરીરે વિરાજતાં. એમના એ દિવ્ય દર્શનની છાપ એવી ને એવી તાજી હતી. એમનો બાહ્ય દેખાવ એટલો બધો અલૌકિક અથવા પ્રભાવોત્પાદક ન હતો પરંતુ એમનો અંતરાત્મા અત્યંત ઉદાત્ત અને ઉચ્ચ હતો. એને લીધે એમના સંસર્ગમાં આવનારા એમની અસાધારણ અસરથી અલિપ્ત રહી શકતા નહિ અને એમને કદાપિ ભૂલી શકતા પણ નહિ. એમના ચમત્કારિક લોહચુંબકીય વિશદ વ્યક્તિત્વનો પ્રભાવ એમની ઉપર પડતો જ.

સામે જ સ્વામી નિત્યાનંદની સુંદર ચિત્તાકર્ષક પ્રતિમા હતી. ભાવિકો એનું ભાવપૂર્વક દર્શન કરતા અને એની આગળ ઊભા રહીને કે બેસીને એને અનુરાગની અંજલિ ધરતા.

એ સ્થળમાં એમની જુદીજુદી સ્મૃતિઓને સાચવી રાખવામાં આવેલી. એ સ્મૃતિઓને જોતાંજોતાં અમે આગળ વધ્યાં.

એ મકાનની સમીપમાં જ એમનું સમાધિમંદિર હતું. એની નીચે ઉતારા માટેના ઓરડાઓ બંધાયેલા. સમાધિમંદિરમાં દર્શનાર્થીઓની ભીડ ઓછી હોવાથી સ્વાભાવિક રીતે જ શાંતિ છવાયલી.

કુટ્ટુ સ્વામીના સ્થાનની છેક પાસે જ ગરમ પાણીના કુંડ છે. એ કુંડની બાજુમાં સ્વામી નિત્યાનંદનું ભવ્ય મંદિર બંધાયું છે. એનું અવલોકન આનંદપ્રદ છે.

ત્યાંથી આગળ વધતાં સુંદર સુવ્યવસ્થિત સૅનેટોરિયમ દેખાય છે, નાનીસરખી સરિતા શરૂ થાય છે, અને એને પાર કરીને પેલી પાર પહોંચતાં મહાદેવનું તથા હનુમાનજીનું મંદિર આવે છે. એ દેવસ્થાનો શાંત એકાંત ગ્રામવિસ્તારમાં અથવા વનપ્રદેશમાં આવેલાં છે.

ગણેશપુરીમાં એક ગુજરાતી સત્સંગી ભાઈનું ભોજનાલય છે. એમાં ભોજન માટે પ્રવેશતી વખતે મારી પાસે પહોંચીને એક વયોવૃદ્ધ સાધુપુરુષે ભોજનની માગણી કરી. એ સાધુપુરુષની નિર્દોષ મુખાકૃતિએ મને અસર કરી. મેં એમને ભોજન માટે આમંત્રણ આપ્યું. એમણે એટલા બધા આત્મસંતોષથી ભોજન કર્યું કે વાત નહીં. ભોજન સદાય શાંતિ આપે છે ને ભોજનનો કદી દુરુપયોગ થતો નથી, માટે જ અન્નદાન અથવા ભોજનનો મહિમા આટલો બધો મોટો માનવામાં આવે છે. એ માન્યતા સહેતુક અને સાચી છે. ભોજનાલયવાળા ભાઈ એટલા બધા સંતપ્રેમી અને સેવાભાવી હતા કે એમણે મારી સાથેના સૌના ભોજનની રકમ લેવાની ના પાડી અને વધારામાં મને ફૂલમાળા પહેરાવીને શ્રદ્ધાપૂર્વક ભેટ ધરી. અમે એમને આગ્રહપૂર્વક સમજાવીને ભેટની રકમ પાછી આપીને ભોજનની રકમ ચૂકવી દીધી. એ સેવા કરવા તૈયાર હતા તો પણ એવા સુંદર તીર્થસ્થાનમાં એમની સેવાને સ્વીકારવા કોઈ તૈયાર નહોતું. એમને માટે એ સારું હતું તો અમારે માટે આ પણ એટલું જ સારું હતું.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.