રાજકોટના યુવાન, સત્સંગી, સેવાભાવી, ધર્મપ્રેમી ઉદ્યોગપતિ શ્રી. શાંતિભાઈ કનેરિયા. રામકૃષ્ણદેવના એકનિષ્ઠ અનન્ય ભાવભરપૂર ભક્ત.
ઈ.સ. ૧૯૭૮માં એમની મોટરમાં અમે દક્ષિણ ભારતની લાંબી યાત્રા કરેલી.
માતાજીના સ્વર્ગવાસ પછી મને એમના સ્થૂળ શરીરના અવશેષોને ઉત્તર ભારતનાં તીર્થસ્થાનોમાં પધરાવવાની ઈચ્છા થઈ ત્યારે મારું ધ્યાન સ્વાભાવિક રીતે જ એમના તરફ આકર્ષાયું.
મા જગદંબાની સુસ્પષ્ટ સુચના મળી કે શાંતિભાઈ ઉત્તર ભારતની સૂચિત યાત્રામાં સામેલ થશે. એ આખીય યાત્રા એમની મોટરમાં કરીશું અને સર્વપ્રકારે સુખદ તથા સફળ રહેશે.
કિન્તુ જગદંબાની એ પૂર્વસૂચના કે પ્રેરણા વિશે શાંતિભાઈને જણાવવાની અને એમના મનને કોઈ પણ પ્રકારે પૂર્વગ્રહમુક્ત કરવાની આવશ્યકતા નહોતી. મેં એમને કોઈ પણ પ્રકારના પૂર્વનિર્દેશ સિવાય રાજકોટથી ભાવનગર બોલાવીને ઉત્તરની યાત્રામાં એમનાથી આવી શકાશે કે કેમ એ પૂછી જોયું.
‘તમે આજ્ઞા આપો એટલે હું તૈયાર જ છું.’ એમણે તરત જ કહ્યું : ‘તમારી આજ્ઞામાં સદા મંગલ જ હોય છે.’
‘ના. એવું નહીં. એમાં આજ્ઞાની વાત નથી. અનુકૂળતાની વાત છે. તમને આવવાની અનુકૂળતા હોય તો જ આવવાનું. નહિ તો કોઈક બીજો વિક્લપ વિચારીશું. તમે વિચારી જુઓ.’
‘મારે બીજું કશું વિચારવાનું છે જ નહીં. તમે કહો એટલે હું તૈયાર જ છું. મોટર તમારી જ છે. મને તમારી સેવાનું સદ્દભાગ્ય સાંપડે એથી અધિક કલ્યાણકારક આનંદદાયક બીજું શું હોઈ શકે ?’
એમની સેવાવૃત્તિ, શ્રદ્ધા, સમર્પણભાવના અનોખી હતી.
દિવાળીના પર્વદિવસો તદ્દન પાસે હતી. ધંધાની ઉપાધિઓ વળગેલી. આણંદમાં અભ્યાસ કરતો એમનો એકનો એક પુત્ર વિજય દિવાળીની રજામાં કુટુંબ સાથે રહેવા ને ફરવા ઘેર આવવાનો હતો. પિતાશ્રીની સાથે ઘરની મોટરમાં ફરવાની એને સ્વાભાવિક રીતે જ ઈચ્છા હોય. તો પણ એ બધી હકીકતને ગૌણ ગણીને એ ઘરની મોટરમાં અમારી સાથે આવવા તૈયાર થયા.
એમનો સ્વભાવ અસામાન્ય હતો.
સત્પુરુષોની સેવાની વાતો કરનારા કેટલાક મળી શકે, પરંતુ એ વાતોને વ્યવહારમાં ઉતારવાનો અવસર આવે ત્યારે પોતાની અનુકૂળતા કે પ્રતિકૂળતાનો, હોળી કે દિવાળીનો, લાભ કે હાનિનો વિચાર કર્યા વિના વળગી રહેનારા વીરપુરુષો-શ્રદ્ધાભક્તિસંપન્ન સાચા પુરુષો તો કોઈક વિરલ જ મળે. શાંતિભાઈ એવા વિરલ, અતિવિરલ પુરુષવિશેષોમાંના એક અગ્રગણ્ય, અસાધારણ ગુણવત્તા ધરાવનારા પુરુષવિશેષ હતા.
એક મહિના સુધી જાતે જ મોટર ચલાવીને એ અમારી સાથે વિચર્યા.
એમને મન એ યાત્રા સ્થૂળ યાત્રા જ નહીં, સૂક્ષ્મ જીવનયાત્રા થઈ પડી.