ભાવનગર-અમદાવાદ મોટર રોડ. એ રોડ પર ભાવનગરથી થોડેક દૂર આવતાં એક આડો રસ્તો ફંટાય. એ રસ્તે થોડાક અંદર જઈએ એટલે એકાંતમાં અતિશય આકર્ષક, આહલાદક, શાંત, અને સુંદર, સુવિશાળ, ખોડિયાર માતાનું મંદિર આવે. સમીપવર્તી વિશાળ વૃક્ષરાજિ, લીલીછમ ચિત્તાકર્ષક હૃદયંગમ ટેકરીઓ અને નિર્મળ જળાશયને લીધે એ આખુંય સ્થાન આનંદ આપે, શાંતિ બક્ષે.
ભાવિકો અથવા ભગવદભક્તોનાં ટોળેટોળાં ત્યાં દર્શન માટે ઊમટે. દરરોજ લગભગ મેળા જેવું રહે. એમાંય નવરાત્રિમાં દેવીપૂજાના દિવસો દરમિયાન તો મોટો મેળો જામે. વિરાટ માનવમેળો.
દેવીનું નાનકડું મુખ્ય મંગલમય મંદિર આબાલવૃદ્ધ ભક્તોના ભાવપૂર્ણ પ્રાર્થનાપોકારોથી મુખરિત થઈ ઊઠે. સમીપવર્તી ધર્મશાળામાં કેટલાંક ઊતરે પણ ખરાં. સ્તોત્રપાઠ, ધૂન તથા ઘંટારવથી સમસ્ત વાયુમંડળ ગૂંજી રહે.
માતાજી પણ ભાવનગરથી નીકળતી વખતે અનુકૂળતાનુસાર એ માતૃમંદિરની મંગલ મુલાકાત લે. મને એને માટે વિશેષ આગ્રહ કરે એટલે, અને મને પોતાને પણ એ શાંત સુંદર દેવસ્થાન પસંદ પડે એટલે, હું એમને અચૂક ત્યાં લઈ જઉં.
૧૯૮0ના ઑકટોબરમાં મારે ભાવનગરથી નીકળવાનું થયું ત્યારે માતાજીનું શરીર શાંત થયેલું હોવા છતાં પણ એમની રુચિને અનુલક્ષીને મેં મા સર્વેશ્વરી ને અન્ય પ્રેમીજનો સાથે એ મનહર મંદિરની મુલાકાત લીધી. મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ હોવાથી અમે સંભાળીને આગળ વધ્યાં. મંદિરમાં પ્રવેશીને વિધિપૂર્વક દર્શન કર્યા.
મંદિરમાં પ્રવેશતાં જ એક વિચિત્ર દેખાતા સાધુપુરુષનું દર્શન થયું. માથે જટા, શરીરે કાળી કફની, હાથે કડાં, શ્યામ મુખાકૃતિ, નાની નશાવાળી દેખાતી તેજસ્વી આંખો. એ ત્યાંના મુખ્ય પુજારી કે મહંત જેવા લાગ્યા.
મને જોઈને એમણે પ્રેમપૂર્વક પ્રણામ કર્યા. મારી સાથેનાં પ્રેમીજનોને એમણે મારો પરિચય પૂછ્યો ને મને જણાવ્યું : તમે અગાઉ પણ આવી ગયા છો. તમારી સાથે માતાજી પણ હતાં.
મેં કહ્યું : હા, હવે માતાજીનો સ્વર્ગવાસ થયો છે.
દર્શનાર્થીઓની ભીડ પુષ્કળ હોવાથી એ દર્શનાર્થીઓને નિયંત્રણમાં રાખતા દેખાયા. એમની સાથે વધારે વાતચીત કરવાનો અવકાશ ન હતો. એ પણ વાતચીત કરવાના ભાવમાં નહોતા. એમની દૃષ્ટિ તથા વૃત્તિ વર્તમાન વાયુમંડળથી પરના કોઈક બીજા જ પ્રદેશમાં વિહરતી દેખાતી.
બહાર નીકળતી વખતે એમણે પાસે પહોંચીને મને પુનઃ પ્રણામ કર્યા ને મારી સાથેનાં પ્રેમીજનોને જણાવ્યું : ‘એમના સ્વરૂપમાં જગદંબા પોતે જ ફરી, રમી કે લીલા કરી રહ્યાં છે. એ સાક્ષાત્ જગદંબા જ છે.’
કેવા અવનવા ઉદાત્ત ઉદગારો ! એ ઉદગારો એમની અસામાન્ય માતૃભક્તિ તથા અલૌકિક આત્મશક્તિના પરિચાયક હતા. એ પોતે કેવી ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા પર પ્રતિષ્ઠિત છે એનો પ્રતિઘોષ પાડતા.
એમના એ છેક જ સહજ રીતે બોલાયેલા શબ્દોએ શ્રોતાજનોના મનમાં આશ્ચર્ય પેદા કર્યું. મારી સાથેનાં પ્રેમીજનોને પણ આશ્ચર્ય થયું. સૌને એટલી પ્રતીતિ તો અવશ્ય થઈ કે એમની ઉપર જગદંબાનો અસીમ અનુગ્રહ છે, એમનું મન મા જગદંબામાં જ જોડાયેલું છે; એ સિવાય એમના મુખમાંથી એવા અલૌકિક અશ્રુતપૂર્વ ઉદ્દગારો ના નીકળી શક્યા હોત.
જેની આંખમાં દિવ્યતા છે તેને માટે દિવ્યતાનું દર્શન દૂર નથી રહેતું. તેને સર્વત્ર, સર્વાવસ્થામાં દિવ્યતા જ દેખાય છે. એ કેટલીકવાર શું બોલે છે એની અન્યને તો શું પરંતુ એને પોતાને પણ કલ્પના નથી હોતી.