આપણાં ધર્મશાસ્ત્રો અને એ ધર્મશાસ્ત્રોનો સ્વાધ્યાય કરનારા તેમજ સદુપદેશ પ્રદાન કરનારા સ્વાનુભવસંપન્ન સત્પુરુષો અવારનવાર એક સનાતન સત્યનું પ્રતિપાદન કરે છે કે માનવ દેવતા છે. એની અંદર દિવ્યતા રહેલી છે. ક્યાંક એ દિવ્યતા દબાયેલી છે તો ક્યાંક વ્યક્તાવસ્થામાં, પ્રત્યક્ષ કે પ્રગટ. વ્યક્તાવસ્થામાં પ્રત્યક્ષ કે પ્રગટ દિવ્યતા પણ જુદાજુદા સ્વરૂપમાં જોવા મળે છે. પોતાની અંદરની દાનવતાને દફનાવી કે દૂર કરીને દબાયેલી અથવા આંશિક રૂપે રહેલી દિવ્યતાને બહાર કાઢવાની અને પરિપૂર્ણપણે પ્રગટાવવાની શ્રેયસ્કર સાધના જીવનમાં થઈ શકે છે. એ સાધનામાં સફળતા પામેલા પુરુષો દેવ જેવા દેખાય છે ને પરમ દર્શનીય લાગે છે. એમના વિચારો, ભાવો, વ્યવહારો બધું જ ઉદાત્ત અને અલૌકિક હોય છે. શાસ્ત્રો તથા સ્વાનુભૂતિપ્રાપ્ત સત્પુરુષો તો આગળ વધીને એવું પણ કહે છે ને પ્રતિપાદન કરે છે કે માનવ દેવોનો દેવ છે, પરમાત્માનો પ્રતિનિધિ છે, પરમાત્મા છે. એ વાતની ચર્ચાવિચારણાને બાજુએ રાખીએ તો પણ એટલું તો નિઃશંકપણે પુરવાર થાય છે કે માનવ દિવ્યતાથી સંપન્ન છે, અને જેની અંદર એ દિવ્યતા દૃષ્ટિગોચર થતી હોય છે અથવા વિશેષ પ્રમાણમાં પ્રગટેલી અથવા પ્રતિબિંબિત બનેલી દેખાય છે તે માનવરૂપે દેવ જેવા જ લાગે છે. એમનું જીવન નિર્મળ, સેવાભાવનાથી ભરપૂર અને પ્રભુમય હોય છે.
મૂળ ભાદરણના પરંતુ વરસોથી વડોદરામાં વસતા શ્રી જશભાઈ એવા જ એક અસાધારણ દેવપુરુષ છે એમાં શંકા નથી.
વ્યવસાયે વકીલ કિન્તુ સ્વભાવે સેવાભાવી ને સાત્વિક આચારવિચારવાળા માનવરત્ન અથવા ઋષિ.
હવે એ એમના નામ પ્રમાણે વ્યવસાયમાં અને જીવનની ઈતર સેવાપ્રવૃત્તિમાં મોટા ભાગે યશસ્વી બનીને અધિકતર લૌકિક રીતે નિવૃત્ત પ્રભુપરાયણ જીવન જીવી રહ્યા છે.
મારો અને એમનો પ્રત્યક્ષ પરિયચ છેલ્લાં થોડાંક વરસોનો ને પ્રવચનને લીધે થયેલો.
છેલ્લાં ત્રણચાર વરસોથી તો એમની મોટર લઈને એ એમના સુપુત્ર સાથે મારા નિવાસસ્થાને આવી પહોંચે ને પ્રવચનસ્થળે પહોંચાડવાનું ને ત્યાંથી મોટરમાં પાછા લાવવાનું સેવાકાર્ય કરે.
એ સેવાકાર્યથી એમને સહજ રીતે પ્રસન્નતા થાય.
એ વાતચીત નીકળતાં વારંવાર નમ્રતાપૂર્વક કહે, મોટર અમારી નથી પરંતુ તમારી જ છે. જ્યારે પણ જરૂર જેવું લાગે ત્યારે મંગાવી લેજો. તમારી સેવા થાય, તમારા કામમાં આવે, એનાથી એનો વધારે સારો બીજો ઉપયોગ કયો હોઈ શકે ?
એમના પુત્ર પણ સુપુત્ર કે પુત્રરત્ન કહેવાય તેવા. પિતૃભક્ત. પિતાને પ્રત્યત્ર દેવ માનીને એમની સેવામાં, એમના એકનિષ્ઠ આજ્ઞાપાલનમાં, અહર્નિશ તત્પર રહે.
એ અધિકતર જાતે જ મોટર ચલાવે.
બંનેની વચ્ચે વિચારોની અને ભાવોની એકવાક્યતા. એમનાં મન લગભગ એક જેવાં.
ભાવનગરમાં તારીખ ૪-૧0-૧૯૮0ના દિવસે માતાજીએ પોતાના પાર્થિવ તનુનો પરિત્યાગ કર્યા પછી વીસેક દિવસ બાદ અમે એમના સ્થૂળ અવશેષોના વિસર્જનની ઈચ્છાથી પ્રેરાઈને ઉત્તર તથા પૂર્વ ભારતની એક મહિનાની યાત્રા આરંભી. એ યાદગાર યાત્રા વડોદરાથી શરૂ થઈ. દક્ષિણ ભારતના પુણ્યપ્રવાસ વખતે અમે જેમની મોટરમાં નીકળેલાં તે રાજકોટવાળા સેવાભાવી ભાઈ શાંતિભાઈ આ વખતે પણ પોતાની મોટરને લઈને સ્વેચ્છાથી યાત્રામાં આવવા તૈયાર થયા એટલે એક મોટરનો પ્રશ્ન તો ઊકલી ગયો, પરંતુ બીજી મોટરનો સવાલ ઊભો રહ્યો. મને થયું કે વડોદરા પહોંચીને બીજી મોટર માટે તપાસ કરીશું, ને ઈશ્વર જે કરશે તે યોગ્ય જ કરશે.
ભાવનગરથી અમે અમદાવાદ થઈને વડોદરા આવ્યા ત્યારે અલકાપુરીના જીતુભાઈના મકાનમાં પ્રવેશતાં જ જોયું તો જશભાઈ એમના સુપુત્ર સાથે અમારી પ્રતીક્ષા કરતા બેઠકના ખંડમાં બેઠેલા. એમને અમારા આગમનની માહિતી એક અથવા બીજી રીતે મળી ગયેલી એટલે એ દર્શનાર્થે આવેલા.
માતાજીના લીલાસંવરણની ઔપચારિક વાતચીત પછી એમની સાથે સ્વાભાવિક રીતે જ માતાજીના અવશેષવિસર્જનની વાત નીકળી, તો એમણે પૂછયું, ‘કેવી રીતે ને ક્યારે જવા માગો છો ?’
મેં જણાવ્યું : ‘ઘરની મોટરમાં કે ટેક્ષીમાં. બે દિવસ પછી એટલે કે અઠ્ઠાવીસમી તારીખે નીકળવાનો વિચાર છે.’
‘પ્રવાસ લગભગ કેટલા દિવસનો રહેશે ?’
‘એક મહિનો તો થશે જ.’
ઈશ્વરે જાણે કે એમને મોટરની મદદ કરવા માટે જ મોકલ્યા હોય એમ એ તરત જ બોલ્યા : ‘ બીજી મોટરની તપાસ કરવાની જરૂર નથી. મારી મોટર તમારી જ છે. તે તમારી સેવા માટે વપરાશે એથી અધિક સારું ને કલ્યાણકારક બીજું શું હોઈ શકે ? એ મોટર લઈ જજો. ફક્ત એને માટે કોઈક ધાર્મિક પ્રકૃતિનો, સારો, ડ્રાયવર શોધવો પડશે. તે પણ મળી રહેશે. અમારો ડ્રાયવર કારણવશાત્ આવી શકે તેમ નથી. મોટર બધી રીતે સારી છે. વચ્ચે બે દિવસ છે તે દરમિયાન એને ગૅરેજમાં મૂકીને અપ-ટુ-ડેટ કરાવી દઈશું.’
‘પરંતુ અમારે લીધે તમને કેટલી મુશ્કેલી પડે ?’
‘મુશ્કેલી કશી જ નથી. હું રોજ સવારે મંગળાના દર્શને જઉં છું તે વખતે રીક્ષામાં જઈશ. મહિનો તો ક્યાંય નીકળી જશે. રીક્ષાઓ ઘણી મળે છે. તમે અમારી ચિંતા ના કરશો. મોટર જરૂર લઈ જાવ. હવે બીજી કોઈ મોટરની તપાસ ના કરતા.’
મેં એમની સદ્દભાવનાને જોઈને એમને અભિનંદન આપ્યાં.
આવા કપરા કાળમાં આટલા લાંબા વખતને માટે મોટર કોણ આપે ?
એમણે બે દિવસમાં તો ડ્રાયવર પણ મેળવી લીધો.
અઠ્ઠાવીસમીએ અમે યાત્રા માટે રાજકોટની મોટર સાથે પ્રસ્થાન કર્યું ત્યારે એમણે વિદાય આપતાં જણાવ્યું : ‘પેટ્રોલ ભરી દીધું છે. ડ્રાયવરને પગાર અમે આપીશું. તમે ના આપતા.’
‘પગાર તો અમે જ આપીશું’
એ વાત એમને સ્વીકાર્ય નહોતી.
છેલ્લે છેલ્લે ભાવભીની આંખે બોલ્યા : ‘મહિનાથી વધારે થાય તો પણ ચિંતા નથી. નિરાંતે ફરજો.’
એમના સુપુત્રે પણ એમાં સૂર પુરાવ્યો.
અમે એ દેવપુરુષને નિહાળી રહ્યાં. દેવને શોધવા માટે ક્યાં જવાનું છે ? એ આપણી આજુબાજુ જ હોય છે. ફક્ત એમને ઓળખવાની દૃષ્ટિ જોઈએ.