માતાજીના અસાધારણ અલૌકિક અવશેષોના સરિતાવિસર્જનનો કલ્યાણકાર્યક્રમ પરિસમાપ્તિ પર પહોંચ્યો.
એ કલ્યાણકાર્યક્રમ સર્વપ્રકારે સુખમય, શ્રેયસ્કર, પ્રેરમાત્મક રહ્યો.
એને માટે પસાર કરેલો એક મહિનો ક્યાં વીતી ગયો એની ખબર પણ ના પડી.
વડોદરાવાળા સેવાભાવી સત્પુરુષ જશભાઈની મોટર યાત્રા દરમિયાન સાતેક હજાર કિલોમીટર ફરી. એ સંભારણું અતિશય આનંદજનક હોવા છતાં, એની જે દુર્દશા થયેલી તે ખૂબ જ દુઃખદ હતી.
એ દુર્દશામાં દેવપ્રયાગથી પાછા ફરતી વખતના મોટર-અકસ્માતે અને એ પછીના ડ્રાયવરના બેજવાબદાર ને આવડત વગરના ડ્રાયવિંગે મહત્વનો નોંધપાત્ર ભાગ ભજવેલો.
એને તો એ માટે લેશમાત્ર અફસોસ ન હતો; પણ મોટરની દશા દેખીતી રીતે જ ખૂબ જ કરુણ કે કફોડી થઈ ગયેલી.
એક નવયૌવનથી તરવરતા નવયુવકને જાણે કે એકાએક વૃદ્ધાવસ્થા વળગેલી અથવા નીરોગી માનવને ભયંકર અસાધ્ય રોગોની પરંપરા ઘેરી વળેલી.
મા સર્વેશ્વરીને એ દેખીને સ્વાભાવિક રીતે જ અસાધારણ દુઃખ થતું. એમણે અવારનવાર કહ્યું પણ ખરું કે વડોદરા પહોંચીને આવી ખરાબ મોટર જશભાઈને કેવી રીતે પાછી આપીશું ? એમને કેવું લાગશે ? મને તો થાય છે કે આપણે સઘળાં યાત્રીઓ મોટરને સંપૂર્ણપણે સારી કરાવીને પછી જ એમને સુપ્રત કરીએ. આપણે સામાન્ય માનવ તરીકે પણ આપણા કર્તવ્યનો ખ્યાલ કરીને એટલું કરવું જોઈએ.
એમની વાતને સૌએ વધાવી લીધી. સૌએ સહર્ષ સર્વાનુમતિથી નક્કી કર્યું કે મોટરને સારી કરાવીને જ પાછી સોંપવી.
વડોદરા પહોંચ્યા પછી ડ્રાયવર ક્યાં ગયો તેની ખબર ના પડી. મોટર અમે અલકાપુરી મૂકીને જશભાઈને ખબર આપી.
સાંજે જશભાઈ એમના સુપુત્ર સાથે આવી પહોંચ્યા. એમને સઘળી પરિસ્થિતિથી સુપરિચિત કરીને મોટરને યાત્રીઓ તરફથી ગૅરેજમાં આપવાનો નિર્ણય જણાવ્યો તો તેમણે તરત જ કહ્યું : ‘મેં મોટરને જોઈ છે. એ બગડી છે તો કાંઈ નહી. સારી થઈ જશે. તમે એમાં બેઠાં અને એ આટલી સરસ શકવર્તી યાત્રા કરી આવી એ કાંઈ ઓછું છે ? એ એનું સદ્દભાગ્ય. ડ્રાયવરને અમે ઓળખતા નહોતા. એને છેલ્લી ઘડીએ કોઈની ભલામણ પરથી લીધેલો. પરંતુ હરકત નહીં. તમે સુખરૂપ યાત્રા કરી આવ્યાં એટલે થયું. એ મોટરને તમારે ગૅરેજમાં આપવાની ના હોય. અમે જ આજે આપીશું. તમારે દેવપ્રયાગથી પાછાં આવતાં ઍક્સિડન્ટના આઠસો રૂપિયા આપવા પડ્યા તે પણ હું આપી દઉં.’
એમણે ઘણો જ આગ્રહ કર્યો પણ અમે તે રકમ ના લીધી.
મોટરના રીપેરિંગ પેટે એમણે અમારી પાસેથી કશું જ ના લીધું. મોટરને પિતાપુત્ર ગૅરેજમાં લઈ ગયાં.
એ બંનેના મુખમંડળ પર મોટરની દુર્દશાને દેખીને જરા પણ ઉદ્વેગ ના થયો. મને પેલું ગીતાવચન યાદ આવ્યું : ‘દુઃખમાં જેમનું મન ઉદ્વેગ રહિત હોય છે.’
दुःखेष्वनुद्विग्नमनाः
‘જે સર્વત્ર આસક્તિરહિત હોવાથી શુભની પ્રાપ્તિથી હરખઘેલો નથી બનતો અને અશુભની પ્રાપ્તિથી ખેદ, દ્વેષ કે શોક નથી કરતો તેની પ્રજ્ઞા સ્થિર કે પરમાત્મામાં પ્રતિષ્ઠિત છે એમ સમજવું.’
यः सर्वत्रानभिस्नेह तत्तत्प्राप्य शुभाशुभम्
नाभिनंदति न द्वेष्टि, तस्य प्रज्ञा प्रतिष्ठिता.
પિતા તથા પુત્ર બંને એવી ઉચ્ચ યોગ્યતાથી સંપન્ન લાગ્યા.
બીજે દિવસે મને મળવા આવ્યા ત્યારે પણ એ બંને એવા જ સ્વસ્થ, શાંત, પ્રસન્ન દેખાયા. જતી વખતે જશભાઈ પાછા બોલ્યા : ‘મોટર તમારી જ છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે મંગાવી લેજો. સહેજ પણ સંકોચ ના રાખશો.’
ધન્ય એ જશભાઈ, ધન્ય એમના સુપુત્ર.
મારા અંતરમાંથી ઉદ્દગારો નીકળી પડ્યા.
સંસારમાં રહીને માનવ પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે પણ આવી અલિપ્તતા રાખી કે દર્શાવી શકે એ વાસ્તવિકતા - વિકાસની એવી ભૂમિકા કાંઈ ઓછી અગત્યની ના ગણાય. એ ભૂમિકાને સ્થિતપ્રજ્ઞની ભૂમિકા કહો, જ્ઞાનની ભૂમિકા કહો, પરમાત્મપરાયણ ભગવદ્દભક્તની ભૂમિકા કહો, કે ‘પદ્મપત્રમિવાંભસા’ એટલે કે પાણીની વચ્ચે અલિપ્ત રીતે રહેનારા શ્રીમદ્દભગવદ્દગીતામાં વર્ણવાયેલા કમળદળની દશાની ભૂમિકા કહો; ગમે તે કહો પરંતુ છે પરમપ્રેરક, આદરપાત્ર, અભિનંદનીય, આશ્ચર્યકારક છતાં પણ અનુકરણીય, એમાં શંકા નથી.