સાચા અર્થમાં, જરાક ઊંડા ઊતરીને જોઈએ, વિચારીએ તો માનવ શું કરે છે, શું કરી શકે છે ? એ જે કરી શકે છે કે કરતો દેખાય છે તેનું મુખ્ય કારણ પરમાત્માની પરાત્પર પરમશક્તિ જ છે. એના સિવાય એનાથી કાંઈ જ નથી થતું. ભક્ત કવિ નરસિંહ મેહતાએ કહ્યું છે તેમ, સૃષ્ટિની સમસ્ત પ્રવૃત્તિઓનું પ્રધાન પ્રેરક પરિબળ એ જ છે :
‘સૃષ્ટિ-મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વર કોઈક જાણે.’
બરાબર છે. એની અકળ કળાને, અનહદ અનુકંપાને, અચિંત્ય લોકોત્તર શક્તિને કોઈક સ્વાનુભૂતિસંપન્ન વિરલ યોગીપુરુષ જ જાણે છે અને કોઈક સાધનાપરાયણ માનવ માને છે.
એ જે ધારે છે તે કરે છે.
માનવનું માનેલું ને મનાવેલું, ધારેલું ને ધારવા માગેલું, બાજુ પર રહી જાય છે.
એને માટે કશું જ અશક્ય નથી હોતું.
માતા જ્યોતિર્મયીના અસ્થિવિસર્જનના કાર્યક્રમ નિમિત્તે અમે ર૮મી ઑકટોબરે સવારે વડોદરાથી નીકળ્યાં ત્યારે મારું સ્વાસ્થ્ય સંતોષકારક હોવા છતાં ખોરાકની સમસ્યા આશરે એકાદ વરસથી એવી જ અસંતોષકારક હતી. છેલ્લા નવેમ્બરના અતિભયંકર હાર્ટ-ઍટેકમાંથી ઊગર્યા પછી અમુક વાનગીઓ ગમતી અને અમુક બિલકુલ નહોતી ગમતી. દાખલા તરીકે, રોટલી તથા દાળની રુચિ જ નહોતી થતી. એ ભાવતી નહીં અને એમના તરફ મન જતું જ નહીં. કેટલાંક લાગણીવાળાં પ્રેમીજનોને એની ચિંતા હતી. એમને થતું કે યાત્રા દરમિયાન બહાર બધે દાળ ને રોટલી મળતી હોય તે નહીં ભાવે તો થશે શું ? ખાવાનું શું રહેશે ?
એમણે સુખડી, મગજ જેવી તૈયાર વાનગીઓ ને રસ્તામાં રસોઈ બનાવવા માટે સીધાસામાન તથા જરૂરી વાસણોને સાથે લેવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ મેં એનો એટલા માટે પણ અસ્વીકાર કર્યો કે સાથેનાં સઘળાં યાત્રીઓની રસોઈ નહીં બનાવી શકાય, અને રોજરોજ બધા બહાર જમે ને મારે માટે રસોઈ બને તે ઠીક નહીં.
મને પરમાત્માની પરમશક્તિમાં શ્રદ્ધા હોવાથી મેં જણાવ્યું કે યાત્રામાં તમે ધારો છો ને માનો છો એવી કશી જ તકલીફ નહીં પડે. પરમશક્તિએ સઘળું આયોજન કરી રાખ્યું જ હશે. એને મારી વિશેષ ચિંતા છે.
તો પણ યાત્રાના સહયાત્રીઓને સંપૂર્ણ સંતોષ ના થયો.
કેવી રીતે થાય ?
એમની બુદ્ધિ એમની રીતે વિચારી રહેલી.
પ્રથમ દિવસે વડોદરાથી નીકળીને અગિયાર વાગ્યાની આસપાસ અમે સુપ્રસિદ્ધ તીર્થસ્થળ શામળાજી પહોંચ્યાં.
મંદિરમાં જઈને દર્શનનો લાભ લીધો.
ભગવાનને શામળા કે શ્યામ કહેવામાં આવે છે. એટલે એમનું શામળાજી નામ સહેલાઈથી સમજી શકાય તેમ હતું. મંદિર પુરાતન ને સુંદર હતું. વિશાળ પણ એટલું જ.
દર્શન પછી ભોજનવિધિની તૈયારી કરવાની હતી.
થોડીક શોધખોળ પછી એક નાનુંસરખું છતાં સ્વચ્છ ભોજનાલય દેખાયું.
આવશ્યક તૈયારી કરાવીને એમાં ભોજન માટે પ્રવેશ્યાં.
ભોજન પીરસાવા માંડ્યું. દાળ, ભાત, શાક, રોટલી.
બધાંને થયું શું થશે, ખવાશે કે નહિ ખવાય. પરંતુ એમના આશ્ચર્ય અને આનંદ વચ્ચે ભોજન આવ્યું. રોટલી તથા દાળ ગમી.
એકાદ વરસ પછી પહેલી જ વાર રોટલી ભાવી. સારી રીતે ભાવી.
પરમાત્માની પરમશક્તિએ અસાધારણ મધુતા મૂકી.
સુદામાના તાંદુલ, વિદૂરની ભાજી, શબરીના બોરને જેણે મીઠાં અમૃતમય કરેલાં તે શું ના કરી શકે ?
સૌની ચિંતા ટળી.
જમીને પર્વતોથી વીંટળાયેલા એ પ્રદેશમાં સરિતાના પ્રશાંત તટ પાસે, વૃક્ષોની શીતળ છાયામાં થોડોક વિશ્રામ કર્યો. કુદરતના ખોળામાં.
મધ્યાહ્ન પછી યાત્રાનો પુનઃ પ્રારંભ કર્યો.
એ પછીની એક મહિનાની એ યાત્રા દરમિયાન બેચાર દિવસને બાદ કરતાં રોજ રોટલી, દાળ મળતી રહી.
પરમાત્માની પરમકૃપાથી એ ભાવી. કદી પણ કંટાળો ના આવ્યો.
પરમાત્માની પરમશક્તિથી શું ના થાય ? પોતાના શરણાગતનું એ સદાય સંપૂર્ણપણે ધ્યાન રાખે છે.
એનો એક અધિક અવનવો અવિસ્મરણીય અનુભવ મળ્યો.
એ ખૂબ જ ઉપકારક ઠર્યો.