શામળાજીથી અમારી મોટરો આગળ ચાલી.
ગુજરાતના ગૌરવવંતા પુણ્યપ્રદેશને છોડીને રણશૂરા વીરપુરુષોથી પંકાતા રાજસ્થાનમાં
ઉદેપુર, એકલિંગજી, હલદીઘાટી, નાથદ્વારા, કાંકરોલી.
હલદીઘાટીએ મધ્યયુગના વીતેલા ઈતિહાસપ્રસંગની સ્મૃતિ કરાવીને રાષ્ટ્રભક્તિને તાજી બનાવી. નવપલ્લવિત કરી. અભિનવ પ્રેરણા ધરી.
એ ઐતિહાસિક અમર સ્થળમાં ધર્મ, સંસ્કૃતિ, સિદ્ધાંત અને આદર્શને માટે વખણાતા ટેકીલા રાજા મહારાણા પ્રતાપનો મોગલો સાથે મુકાબલો થયેલો. મહારાણા પ્રતાપના પરમ વફાદાર ઘોડા ચેતકનું નદીને ઓળંગતાં મરણ થયેલું. એની અસાધારણ સ્વામીભક્તિ તથા વફાદારીપૂર્વકના સમર્પણના બદલામાં ત્યાં નાનકડું છતાં સુંદર સ્મારક કરવામાં આવ્યું છે. એ સ્મારક પ્રેરણાત્મક છે.
કાંકરોલી નાથદ્વારાની જેમ વૈષ્ણવોનું પુણ્ય પ્રવાસધામ કહેવાય છે. ત્યાંનું મંદિર તો ખાસ મોટું નથી પરંતુ તળાવ ખૂબ જ વિશાળ તથા સુંદર છે.
એ તીર્થસ્થળમાં પ્રવેશીને નગરના મુખ્ય રસ્તા પરથી પસાર થઈને અમારી મોટર મંદિરની પાછળના બજારમાં ઊભી રહી ત્યારે અમારી પાસે કોઈક પંડિત આવી પહોંચ્યાં. એમને જોતાવેંત જ એમના વ્યક્તિત્વની વિશેષતાનો ખ્યાલ આવ્યો. મસ્તક પર ભરાવદાર વાળ તથા જટા, વિશાળ તેજસ્વી કપાલ, તેજસ્વી થોડીક અશાંત દેખાતી આંખ અને મુખમુદ્રા. ગૌર જેવા શરીર પરનાં સામાન્ય વસ્ત્રો પર ઓઢેલી ભગવન્નામની છાપવાળી ચાદર. હાથમાં કશુંક પોથી જેવું. ઉઘાડા પગની ઉપરની ભાગમાં થોડુંક મેલું કહી શકાય એવું ધોતિયું.
મોટર પાસે આવીને પહેલાં તો એમણે મારી તરફ જોયા કર્યું ને મારું ધ્યાન એમના તરફ બરાબર ખેંચાયું એટલે કહ્યું : ‘તમને જેટલો જોઈએ, મળવો જોઈએ તેટલો યશ નથી મળતો. રાતે જરા વધારે જાગતા રહો ને સાધના કરો. તમે ખૂબ જ ભાગ્યશાળી છો.’
એ બધું કહેવાનું એમનું તાત્પર્ય મારી પાસેથી પૈસા મેળવવાનું હતું. એમણે પૈસાની માગણી પણ કરી. મેં એમને થોડીક રકમ આપી. એ એમને ઓછી પડી. મેં એમને શાંતિભાઈ પાસે મોકલ્યા.
એમની પાસે પહોંચીને એમણે વગર પૂછ્યે જ એમની ભૂતભાવિને કહેવાની લાક્ષણિક ઢબે બોલવા માંડયું : ‘ભાગ્ય સારું છે. લક્ષ્મીનો સુયોગ સારો છે. પરંતુ કોઈ ને કોઈ વિઘ્ન આવ્યા કરે છે. વિરોધી પેદા થાય છે. હજુ ઘણું સારું કમાશો. સુખી થશો. આળસ છોડીને રાતે જાગીને ભજન કરો. સંગ સારો રાખો.’
એમણે સારી એવી રકમ મેળવવાની ઈચ્છાથી હાથ લંબાવ્યો પણ શાંતિભાઈએ આપેલી રકમ એમને ઓછી લાગી. વારંવાર ના કહેવા છતાં અને સમજાવવા છતાં એમણે એમની માગણી ચાલુ રાખી. એને સંપૂર્ણપણે સંતોષી શકાય તેમ ના હોવાથી અમે ત્યાંથી મંદિરના માર્ગે આગળ વધ્યાં.
પંડિતજી છેવટ સુધી માગતા જ રહ્યા.
એમની પાસે વિદ્યા હતી પરંતુ તે વિદ્યા ભુક્તિને માટે હતી, મુક્તિને માટે નહોતી વપરાતી. વિદ્યાવાન જ્યારે યાચક બને છે ત્યારે હાથે કરીને પોતાના મહિમામાંથી ચ્યુત થઈને દીન બને છે. વિદ્યાની સાથે દીનતા અથવા યાચના ના હોય તો તે વિદ્યા માનવની મહામૂલી મૂડી બનીને તેને અને અન્યને તારે છે.
પંડિતને મેં છૂટા પડતાં પહેલાં એ વાત કહી સંભળાવી. એમને એ સમજાઈ પણ ખરી. તો પણ એમની આદત આગળ એ લાચાર લાગ્યાં.
જે સમજ્યા સિવાય કરે છે એનાં કરતાં જે સમજીને દોષ કરે છે એ અધિક અપરાધી અથવા દોષિત છે એમાં શંકા નથી.