if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેવપ્રયાગથી બીજે દિવસે મધ્યાહન પછી થોડોક વિશ્રામ કરીને અમે ઋષિકેશ જવા નીકળ્યાં. વળાંક પર વળાંક લેતી વખતે અને ક્યાંક ચઢતીઊતરતી તો ક્યાંક સીધા રસ્તા પરથી પસાર થતી અમારી બંને મોટરો આગળ વધી. પર્વતીય માર્ગ પર મોટરને ચલાવનારો ડ્રાયવર ખૂબ જ સાવધાન જોઈએ. અમારી સાથેની બીજી મોટરનો ડ્રાયવર બરાબર હોંશિયાર તથા સાવધાન નહી હોવાથી માર્ગમાં એક ઊંચાઈ પરના પર્વતીય વળાંક આગળ ઋષિકેશથી આવતી ટેક્ષી સાથે ટકરાઈને અસાધારણ અકસ્માત કરી બેઠો. સારું થયું કે મોટરની ટક્કરથી મોટર ઊછળીને સમીપવર્તી ખીણમાં અથવા નીચે વહેનારી ગંગામાં ના પડી, નહિ તો એમાં બેઠેલી કોઈ પણ વ્યક્તિ બચી ના શકત. ડ્રાયવર પણ ના બચત. પરંતુ ઈશ્વરની કૃપાથી અકસ્માત થવા છતાં પણ મોટર સિવાય કોઈને ઈજા ના થઈ. બંને મોટરોને થયેલી ઈજા ખૂબ જ ભારે હતી; અને અકસ્માતનો મુખ્ય દોષ અમારા ડ્રાયવરનો હતો, કારણ કે તેણે મોટરને ડાબી બાજુને બદલે જમણી બાજુએ ચલાવેલી. ટેક્ષીવાળા માણસો એથી દેખીતી રીતે જ રોષે ભરાઈને જેમ ફાવે તેમ બોલીને પોલીસ-રિપોર્ટની ને કેસની વાતો કરવા લાગ્યા. પરિસ્થિતિ એકાએક પલટાઈને અતિશય નાજુક બની ગઈ. રંગમાં ભંગ પડ્યો. શાંતિમાં અશાંતિ, નિશ્ચિતતામાં અનિશ્ચિતતા ઉદભવી. સાંજ પડવાને વધારે વાર ના હોવાથી પરિસ્થિતિ વધારે કટોકટીભરી અથવા કફોડી બની.

ટેક્ષીમાં બેઠેલા મહાનુભાવ શાંતિથી સમજે તેવા સીધા ના લાગ્યા. એમના ઉગ્ર, અસમાધાનકારક, અમાનવીય વલણે પરિસ્થિતિને વધારે વણસાવી. આખીય સમસ્યા વધારે ગૂંચવાઈ.

પરંતુ ઈશ્વરની અહેતુકી કૃપા તો જુઓ. એ એકાંત વસતી વગરના પર્વતીય પ્રદેશમાં, દરદની સાથે જ દવા તૈયાર હોય તેમ, ઈશ્વરની મંગલમયી મદદ મળી. મોટરના અકસ્માત પછી તરત જ ઋષિકેશ તરફથી દેવપ્રયાગની દિશામાં જતી એક મિલિટરી જીપ આવી પહોંચી. એ અકસ્માતના સ્થળે અટકી ગઈ. એમાંથી મિલિટરીના એક ઑફિસર નીકળ્યા. એમણે સમગ્ર પરિસ્થિતિનો ક્યાસ કાઢીને ટેક્ષીવાળાને સમાધાન કરવા કહ્યું. ટેક્ષીવાળા મહાનુભાવ સમાધાન માટે મોટી રકમની માગણી કરતા હતા. તે પોતાની માગણીને વળગી રહ્યા. મેં મિલિટરીના ઑફિસરને લવાદ તરીકે નીમીને એમના નિર્ણય મુજબ વર્તવાની તૈયારી બતાવી. ઑફિસર ખૂબ જ સમજદાર, શાંત પ્રકૃતિના ને સહાનુભૂતિસંપન્ન હતા. એમણે કેટલીય યુક્તિપ્રયુક્તિ તથા મહેનત પછી ટેક્ષીવાળા મહાનુભાવને આઠસો રૂપિયા લેવા અને સમગ્ર પ્રસંગ પર પડદો પાડવા તૈયાર કર્યા. સમાધાન સંપૂર્ણ કરાવીને જરૂરી લખાણ લખાવી, તેમાં સાક્ષી તરીકે સહી કરીને એ વિદાય થયા. ધન્ય એ ઑફિસરને. દેશમાં દાનવ જેવાં પરિબળો વધતાં જાય છે એવી ફરિયાદ ચારે તરફથી સંભળાય છે, એમાં તથ્ય હશે તો પણ આવા ઉદાત્તતાવાળા મહામાનવો પણ વસે છે એ હકીકત છે. એમની સંખ્યા વધારવાની આવશ્યકતા છે.

એમને જોશીમઠ પહોંચવાનું હોવાથી ઑફિસર ઉતાવળમાં હતા. જોશીમઠ ખૂબ જ દૂર હતું.

મોટરને મહાપરિશ્રમે ટેક્ષીમાં બેઠેલા એક બીજા સેવાભાવી ભાઈની મદદથી ટેક્ષીથી છૂટી પાડી, કામચલાઉ રીતે ઠીક કરીને અમે આગળ વધ્યાં ત્યારે અંધારું થઈ ગયું. ટેક્ષીને ઠીક થતાં વિશેષ વખત લાગે તેમ હોવાથી તે રસ્તામાં ઊભી રહેલી.

ઈશ્વરની કૃપાથી અમને અણીને વખતે પેલા દેવ જેવા ઑફિસરનો મેળાપ ન થાત તો પરિસ્થિતિ કેટલી બધી કફોડી બની જાત તેનો વિચાર કરતાં અમે આગળ વધ્યાં. ઈશ્વરની શરણાગતિ સદાય સહાયતા પહોંચાડે છે એ સાચું છે. અમને એનો અધિક અનુભવ થવાનો હતો. અકસ્માત પછી મોટર પોતાની મેળે વધારે આગળ ચાલી શકે તેમ ના હોવાથી ઉતરાણનો થોડોક રસ્તો કાપીને ઘોર અંધકારમાં જ ઊભી રહી. ચારે તરફ ઊંચીઊંચી પર્વતમાળા, ઘોર જંગલ, નીચે ખીણમાં વહેતી ગંગાનો અવાજ. આગળ વધવાનું એકદમ અશક્ય બની ગયું. એ ઘોર પર્વતીય જંગલપ્રદેશમાં આખી રાત રહેવાનું ફાવે તેવું ના હોવા છતાં રહેવું પડે એવી પરિસ્થિતિ પેદા થઈ. મોટર પોતાની મેળે આગળ વધી શકે તેમ ના હોવાથી, કોઈ બીજા વાહન સાથે બાંધીને લઈ જવી પડે તેવું હતું. સદ્દભાગ્યે  માર્ગ પરથી એક જીપ પસાર થતી દેખાઈ. એને હાથનો સંકેત કરવાથી ઊભી રહી. એમાં બેઠેલા સરકારી અધિકારીએ સહાયતા માટે તૈયારી પણ બતાવી પરંતુ તેમની પાસે અમારી મોટરને બાંધવાનું દોરડું ન હોવાથી એમની મદદ મેળવી ના શકાઈ.

થોડીવાર પછી ત્યાંથી એક મેટાડોર પસાર થતી જોઈને તેને ઊભી રાખી. મેટાડોર વડોદરાની હતી અને એ પ્રદેશના પ્રવાસે નીકળેલી. કોઈને અમારા બિસ્તરની જાડી દોરીનું સ્મરણ થવાથી મોટરને તેની મદદથી મેટાડોર સાથે બાંધી દીધી. પણ એ પ્રયોગ પણ સંપૂર્ણપણે સફળ ના જ થયો. મોટરે થોડુંક અંતર કાપ્યું ત્યાં જ દોરી તૂટી ગઈ.

હવે બીજો કોઈ વિકલ્પ ના હોવાથી અમે અમારી બીજી સારી મોટરમાં આગળ કોઈ ગામ મળે તો ત્યાંથી દોરડું મેળવવા માટે આગળ વધ્યાં. થોડેક દૂર જતાં ગામ મળી પણ ગયું. રસ્તા પરના એ નાનકડા ગામના એ વૃદ્ધ પુરુષે કોઈ પણ પ્રકારના પુરસ્કાર કે બદલાની અપેક્ષા વિના વૃક્ષની છાલનું દોરડું આપ્યું. એ દોરડાની મદદથી ત્યાંથી ત્રણેક કિલોમીટર દૂર શિવપૂરી નામના સ્થળમાં પહોંચી શક્યા. એટલા સેવાકાર્ય પછી એ દોરડું પણ તૂટી ગયું.

પરંતુ શિવપૂરીમાં એક દેવપુરુષ મળ્યાં. એ દેવપુરુષે અમારી મોટર પાસે બેસીને સઘળી પરિસ્થિતિને જાણી લીધી. વરસો સુધી દૂરના પર્વત પ્રદેશમાં નોકરી કર્યા પછી તેમને હવે તેમના વતન પાસે શિવપૂરીમાં જ નોકરી મળેલી. લાઈટ વગરના એ પર્વતીય સ્થળમાં ફાનસની મદદથી એ એક લોખંડનો તાર લઈ આવ્યાં. એ તાર તૂટી ગયો તો વૃક્ષની આસપાસ વીંટળાયેલો ચાર તારનો હોય તેવો જાડો તાર આપ્યો. અમે એમને પૈસાની ભેટ આપવા માંડી તો એમણે સાભાર ના પાડીને જણાવ્યું કે હું તમારા સૌની સેવા માટે જ બેઠો છું. બીજાની બને તેટલી સેવા કરવાની મારી ફરજ છે. એમાં બદલાની અપેક્ષા ના હોય, ના હોવી જોઈએ.

હવે અમારી મોટરો સહીસલામત રીતે આગળ વધી. રાતે પોણા અગિયારે અમે ઉતારા પર પહોંચ્યાં. ઋષિકેશના કૈલાસ આશ્રમ પાસેના ટુરિસ્ટ બંગલામાં.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.