ઋષિકેશમાં રહેતાં ત્યારે માતાજી સાથે રોજ સવારે છ વાગ્યાની આસપાસ ગંગાસ્નાન માટે જતાં તે વાતને કેવી રીતે ભૂલી શકાય ? એટલી ઉંમરે પણ માતાજી લેશ પણ કંટાળ્યા સિવાય પરમપ્રસન્નતાપૂર્વક ગંગાસ્નાન કરતાં. એમની સુખદ સંસ્મૃતિને શ્રદ્ધાંજલિ અર્પતાં અમે કાળીચૌદશને ત્રિવેણીઘાટ પર ગંગાસ્નાન માટે ગયાં. તારીખ પ-૧૧-૧૯૮0, ગુરુવાર.
સ્નાન બાદ ત્યાં જ ગંગાના પવિત્ર તટપ્રદેશ પર બેસીને ધ્યાન કર્યું. સૂર્યની સામે બેસીને બંધ આંખે કરાતું ધ્યાન અતિશય એકાગ્રતાપ્રદાયક અને આહલાદક હોય છે. એની સમાપ્તિ પછી અને સૌની ઈચ્છાથી દેવકીબાઈની ધર્મશાળાની ને ભરત મંદિરની મુલાકાત લીધી. દેવકીબાઈની ગુજરાતી ધર્મશાળામાં મેં વરસો પહેલાં સાધનાત્મક જીવન દરમિયાન એક વરસ સુધી નિવાસ કરેલો. એ વખતનાં સંસ્મરણો સ્વાભાવિક રીતે જ યાદ આવ્યાં. ભરત મંદિરની ધર્મશાળામાંથી પરમાત્માદેવી બહાર આવ્યાં. પરમાત્મદેવી સાત્વિક સ્વભાવનાં, પવિત્ર ને પ્રભુમય જીવન જીવનારાં તપસ્વિની હતાં. એ ભરત મંદિરમાં જ રહેતાં. એમનું જીવન નિયમિત રીતે નામજપ, પ્રાર્થના તથા રામાયણ, ભાગવત, મહાભારતાદિ ધર્મગ્રંથોના અભ્યાસમાં વ્યતીત થતું. એ એકલાં જ રહેતાં. વરસો પહેલાં એમના પિતાજી એમને ઘેર મૂકી, સંન્યાસી થઈને ઋષિકેશમાં રહેવા માટે આવેલા. એમણે ભારતીબાબા નામ ધારણ કરેલું. થોડાંક વરસો પછી પરમાત્મદેવી પણ એમની સાથે જ રહેતાં ને પ્રભુમય જીવન જીવતાં. ભારતીબાબા ઉચ્ચ અવસ્થા પર પહોંચેલા મહાપુરુષ હતા. એમની સાથે રહીને પરમાત્મદેવીએ આત્મવિકાસના મંગલમય માર્ગે ઉત્તરોત્તર આગળ વધવા માંડ્યું. પરંતુ વિધિએ જુદું જ ઘટનાચક્ર નિર્માણ કરેલું. તે પ્રમાણે એક દિવસે ભારતીબાબાનું શરીર શાંત થવાથી પરમાત્મદેવી પાછાં એકલાં પડી ગયાં. ધીરે ધીરે એમનામાં ધીરજ ને હિંમત આવવા લાગી. પછી તો એ બધી ઘટનાઓ ભૂતકાળની બની ગયેલી. પરમાત્મદેવી પોતાના મનને સ્વસ્થ તથા પ્રભુપરાયણ કરી શકેલાં.
ભરતમંદિરથી આગળ વધીને અમે માયાકુંડ પરના સ્વામી આત્માનંદના સ્થાનમાં પહોંચ્યાં. સ્વામી આત્માનંદ એક રાગદ્વેષરહિત પરમવિદ્વાન સંતપુરુષ હતા. વરસો પહેલાં એ સાગર મહારાજનાં શિષ્યા ઓમકારેશ્વરી સાથે ઋષિકેશમાં આવેલા અને માયાકુંડમાં રહી ગયેલા. એમણે સ્વામી શિવાનંદ પાસે સંન્યાસ લીધેલો. તાજેતરમાં જ એમનો સ્વર્ગવાસ થયો હોવાથી એમના એકમાત્ર શિષ્ય કૃષ્ણચૈતન્યનો જ મેળાપ થઈ શક્યો. એ મેળાપ ખૂબ જ રસમય અને આનંદપ્રદ રહ્યો.
ઋષિકેશની કાલીકમલીવાલા ક્ષેત્રની સંસ્થાને નિહાળીને અમે આગળ વધ્યાં. ઋષિકેશથી દહેરાદૂન. દહેરાદૂનમાં દિવાળીના દિવસે પ્રવેશ કર્યો. દિવાળીના પર્વદિવસની ખાસ પ્રસન્નતા ક્યાંય દેખાતી ન હતી. જનતા રાબેતા મુજબનું જીવન જીવી રહેલી. મીઠાઈની દુકાનોમાં વધારે પડતી ભીડ અવશ્ય દેખાતી. દહેરાદૂનમાં પ્રેમી ભાઈ લલિતાપ્રસાદને ના મળીએ તો તે કેમ ચાલે ? એમને અમારા આકસ્મિક આગમનની ખબર અગાઉથી નહોતી આપી શકાઈ તો પણ એમના સ્નેહ-સંબંધને અનુલક્ષીને એમને જણાવવાનું આવશ્યક હોવાથી અમે એમની દુકાનની બહાર મોટરોને ઊભી રાખી.
દુકાનમાં અસાધારણ ભીડ હોવા છતાં, અતિશય પ્રવૃત્તિરત હોવા છતાં, એ મારા શુભાગમનના સમાચાર સાંભળીને થોડા વખતમાં જ બહાર આવ્યા. માતાજીના સ્વર્ગવાસની માહિતી એમને મળી ચૂકેલી, પરંતુ અમારી એ પછીની યાત્રાપ્રવૃત્તિથી એ એકદમ અજ્ઞાત હતા. મેં એમને વિસ્તારથી વાત કરી. એ ખૂબ જ પ્રસન્ન થયા. પોતાને ઘેર લઈ જઈને ભોજન કરાવવાનો એમણે અતિશય આગ્રહ કર્યો. મેં એમના અત્યાગ્રહને માટે અંતઃકરણપૂર્વક આભાર માન્યો અને બાજુની મદ્રાસી હોટલમાં નાસ્તો કરવાની ઈચ્છા દર્શાવી. એમણે ખૂબ જ પ્રસન્ન થઈને એમની દુકાનમાંથી ગાયનું દૂધ અને મીઠાઈ લાવીને બીજી વસ્તુઓની સાથે અમને સૌને નાસ્તો કરાવ્યો.
એ પ્રેમી પુરુષના પ્રેમપૂર્ણ સત્કારથી સંતુષ્ટ થઈને એમની પ્રશસ્તિ કરતાં અમે મસૂરી માટે વિદાય લીધી.
*
મસૂરીના પ્રેમી ભાઈ રતનલાલને દહેરાદૂનથી ફોન દ્વારા જણાવેલું ત્યારે જ એમને અમારા મસૂરીના પુણ્યપ્રવાસની માહિતી મળી શકેલી. મસૂરીમાં એ અમને મળ્યા ત્યારે એમના આશ્ચર્યનો અને આનંદનો પાર રહ્યો નહીં. બીજા પ્રેમીજનોએ પણ પોતાની પ્રસન્નતા પ્રકટ કરી. ગાંધીનિવાસ સોસાયટીના મારા નિવાસસ્થાનનો ઉપયોગ અનુમતિથી સ્કૂલના વર્ગોને માટે કરાતો હોવાથી અને અમારી એ મુલાકાત આકસ્મિક હોવાથી અમારો ઉતારો રતનલાલની નંદવીલા હોટલમાં રાખવામાં આવ્યો. ત્યાંનું વાતાવરણ સર્વપ્રકારે અનુકૂળ હોવાથી કોઈ પ્રકારની તકલીફ ના પડી.
તારીખ ૮-૧૧-૧૯૮0, શનિવાર. કારતક સુદ એકમ સંવત ર03૭. નૂતન વરસનો એ પર્વદિવસ મસૂરીની ભૂમિ પર પ્રકટ્યો.
વહેલી સવારે રતનલાલે સૌને નાસ્તો કરાવ્યો. અમે કેવળ દૂધ લીધું. એ પછી કૅમલ બેક રોડ, ગાંધી ચોક, લક્ષ્મીનારાયણ મંદિર જેવાં સ્થળોને નિહાળીને અમે બપોરે દહેરાદૂન જવા માટે વિદાય લીધી. રતનલાલની સજ્જનતા ને સેવાભાવના એટલી બધી અસાધારણ હતી કે એમણે અમારા અવારનવારના આગ્રહ છતાં પણ અમારી કોઈની પાસેથી હોટલનું ભાડું ના લીધું. એમને મસૂરીના રતન કહેવામાં આવે છે એ યથાર્થ જ છે.
દહેરાદૂન પહોંચીને અમે પ્રથમથી નક્કી કર્યા પ્રમાણે લલિતાપ્રસાદને ત્યાં ભોજન કરીને હરિદ્વાર તરફ આગળ વધ્યાં.