Kavita
લાગણી કે સંવેદનાનું મૂર્ત સ્વરૂપ એટલે જ કવિતા.
શ્રી યોગેશ્વરજીમાં સંત અને સાહિત્યકારનો જવલ્લે જ જોવા મળતો સુભગ સમન્વય દ્રષ્ટિગોચર થાય છે. હિમાલયના પુણ્યપ્રદેશમાં પ્રખરતમ એકાંતિક સાધના દરમ્યાન અમૂર્તને મૂર્ત અને અદ્રશ્યને દ્રશ્ય બનાવવાની ઉંડી મનીષાનો પડઘો તેમનાં સર્જનોમાં જોઈ શકાય છે. કવિતાની કમનીય કાયાને અધ્યાત્મના ચાકડે ચઢાવી શ્રધ્ધા અને સમર્પણની કોમલ કરાંગુલિઓથી ઘાટ આપી તેમણે સજીવન કરી છે. કવિ હોવું એ એક વાત છે અને કવિતાને જીવનમાં અનુવાદિત કરવી, જીવી બતાવવી એ બીજી જ બાબત છે. આદર્શો અને સિધ્ધાંતોને શબ્દોના મણકામાં પરોવવાની પળોજણ કરતા બહુધા સર્જકોની પંક્તિમાં પોતાના જીવન અને કવનની એકસૂત્રતાને લીધે યોગેશ્વરજી અલગ તરી આવે છે.
મા શારદાના ચારુ ચરણે એકસોથીય વધુ ગ્રંથોની ભેટ ધરનાર યોગેશ્વરજીને સાહિત્યકારોએ ફરી મૂલવવા જ રહ્યા. માત્ર સંત હોવાને કારણે જ સાહિત્યકાર તરીકે ન ગણવાની ભૂલ કરનાર ગુજરાતી પ્રજાને તેમના સાહિત્યમાંથી અમુલખ સંજિવની પ્રાપ્ત થશે. સરળ ગેય કવિતામાં ભગવદ ગીતા, રામચરિતમાનસ, રામાયણ દર્શન, શિવમહિમ્ન સ્તોત્ર અને વિષ્ણુસહસ્ત્રનામ જેવા બહુમુલ્ય ગ્રંથો તથા અર્વાચીન સમયના મહામાનવ એવા મહાત્મા ગાંધીજીના જીવન પર 'ગાંધી ગૌરવ' જેવું મહાકાવ્ય ધરનાર યોગેશ્વરજીએ ગુજરાતી જનતાને પ્રસાદ, આલાપ, આરતી, દ્યુતિ, અનંત સૂર, સાંઈ સંગીત, બિંદુ, રશ્મિ, હિમાલય અમારો, તર્પણ અને અક્ષત જેવી અનેકવિધ પદ્યરચનાઓ ધરી છે. એમની આત્મકથા 'પ્રકાશના પંથે' હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદિત થઈ છે. એમની જીવન અને સાહિત્ય સાધના પર શોધનિબંધ (Ph. D.) પણ પ્રસ્તુત થયો છે.
અહીં તેમના વિશાળ પદ્ય સાહિત્યમાંથી કેટલીક રચનાઓને રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આશા છે કે સુજ્ઞ વાચકો તેને વધાવી લેશે.
Explore
Yogeshwarji - An exceptional poet
Find here some of the beautiful Gujarati poems, prayers, songs and Geet written by Shri Yogeshwarji. They are taken from his various books entitled 'Prasad', 'Aalap', 'Aarti', 'Abhipsa', 'Dhyuti', 'Sai Sangeet', 'Bindu', 'Rashmi', 'Himalay Amaro', 'Tarpan' and 'Akshat'. For the information of readers, Yogeshwarji also wrote voluminous poetic treatise depicting the life of Mahatma Gandhiji entitled 'Gandhi Gaurav', which was published in 1969, the year of his birth centenary. Yogeshwrji's famous poetic renderings on Bhagavad Gita, Ramcharitmanas, Shiv mahimna Stotra, Vishnu Shasranama, Gopi Geet and Upansihads have become immensely popular. It is our humble endeavor to present Yogeshwarji's poetic works through the medium of this website.