Text Size

Kena

Chapter 1, Verse 03 and 04

न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनः ।
न विद्मो न विजानीमो यथैतदनुशिष्यात् ॥३॥
अन्यदेव तद्विदितादथो अविदितादधि ।
इति शुश्रुम पूर्वेषां ये नस्तद्व्याचचक्षिरे ॥४॥

na tatra chakshur gacchati na vag gacchati no manah
na vidmo na vijanimo yathaitad anushishyad
anyad eva tad viditad atho aviditad adhi
iti shushruma purvesham ye nas tad vyachachakshire

નેત્ર પહોંચે ના ત્યાં, વાણી પ્હોંચે તેની પાસ નહીં,
મન તેને ના પ્હોંચે, ત્યારે કહેવાય તે કેમ કરી !
અમે ન જાણીએ તેને, ના સાંભળેલ છે કો’ક થકી,
જ્ઞાત અને અજ્ઞાત વસ્તુથી - પર છે તે તો સર્વથકી.
વિસ્તાર થકી વર્ણન કરતા પૂર્વાચાર્ય અમારા તે,
બ્રહ્મતત્વનું આવું દર્શન પાસેથી આ સાંભળ્યું છે. ॥૩-૪॥

અર્થઃ

તત્ર - ત્યાં (પરમાત્માની પાસે)
ચક્ષુઃ - આંખ
ન ગચ્છતિ - નથી પહોંચતી.
નો - ના
મનઃ - મન.
યથા - જેવી રીતે
એતત્ - આ (પરમાત્મા સ્વરૂપ)ને
અનુશિષ્યાત્ - બતાવી શકાય કે એ આવું છે.
ન વિદ્મઃ - (એ વાતને) અમે અમારી બુદ્ધિથી નથી જાણતા (અને)
ન વિજાનીમઃ - બીજાને સાંભળીને પણ નથી જાણતા. (કારણ કે)
તત્ - તે
વિદિતાત્ - જાણેલા પદાર્થોથી
અન્યત્ એવ - અલગ છે.
અથો - અને
અવિદિતાત્ - (મન-ઇન્દ્રિયો દ્વારા) ના જણાવાયાથી (પણ)
અધિ -  ઉપર છે.
ઇતિ - એવું
પૂર્વેષામ્ - પૂર્વપુરુષો પાસેથી
શુશ્રુમ - સાંભળ્યું છે.
યે - જેમણે
નઃ - અમને
તત્ - એમના સંબંધી
વ્યાચચરિક્ષે - સારી રીતે વ્યાખ્યા કરીને સમજાવેલું.

ભાવાર્થઃ

બહારનાં ચર્મચક્ષુ જોવાનું કામ નથી કરતાં. એ જો જોતાં હોત તો મૃત્યુ પછી પણ જોઇ શકત. એમની પાછળ રહેલી પરમાત્માની પરમ ચેતના જ એમને જોવાની ક્ષમતા પૂરી પાડે છે. બહારના સ્થૂળ કાન પણ એવી રીતે સાંભળી શકતા નથી, વાણી બોલી શકતી નથી. મન મનન પણ કરી શકતું નથી ને પ્રાણ સંચાર પણ નથી કરી શકતો. એ સૌની પાછળની પરમાત્માની પરમ ચેતના જ એમને સક્રિય બનાવે છે. એ પરમ ચેતનાને ઇન્દ્રિયો ઓળખી શકતી નથી. પરમાત્માની એ પરમ ચેતનાને ઓળખવા માટે સ્થૂળ આંખ, કાન અને અન્ય ઇન્દ્રિયોથી અતીત બનવું પડે છે. મન તથા બુદ્ધિની પારના પ્રદેશમાં પહોંચવું પડે છે. એમના સ્વરૂપને ચોક્કસપણે અને સર્વાંગીણ રીતે કોણ કહી શકે ? એ અવાગ્મનસગોચરને વાણીમાં વહાવીને આ જ છે અને આવું અથવા આટલું જ છે એવું કોણ વર્ણવી શકે ? એને માપવાનું, પૂર્ણપણે જાણવાનું ને જણાવવાનું અશક્ય છે. જાણવા-જણાવવાના જે પ્રયત્નો થાય છે અને એમાં જે સફળતા સાંપડે છે એ તો આંશિક હોય છે, પરિપૂર્ણ હોતી નથી, પરમાત્માને જાણવા માટે તો પાર્થિવ પદાર્થો, વિષયો અને જગતથી ઉપર ઉઠવું પડે છે. અંતરના શાંત અગાધ ઊંડાણમાં અવગાહન કરવું  પડે છે. ત્યારે જ મહામૌક્તિક મળી શકે છે.

ઋષિ અહીં નમ્રતાની વાણીમાં વાત કરતાં પોતાના પૂર્વપુરુષોને, સ્વાનુભવસંપન્ન સત્પુરુષોને અથવા આચાર્યોને આદરભરી અંજલિ આપે છે ને જણાવે છે કે એમણે એમના અનુભવના આધાર પર અમને પરમાત્મા વિશે એ પ્રમાણે કહેલું. અમે તો એનું કેવળ પારાયણ જ  કરી રહ્યા છીએ. એ કેવળ પોપટ-પારાયણ નથી. એની પાછળ અનુભૂતિનો રણકો છે. અનુભૂતિવાળા સત્પુરુષો જ એવી નમ્ર અને સરળ વાણી કહી શકે.


Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok