if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

यच्चक्षुषा न पश्यति येन चक्षूँषि पश्यति ।
तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते ॥७॥

yac chakshusha na pashyate
yena chakshum+shi pashyati
tad eva brahma tvam viddhi
nedam yad idam upasate

નેત્ર નિહાળી શકે ન જેને, પણ જેનાથી નિરખાયે,
તે જ બ્રહ્મ છે; નથી નથી તે જે નેત્રોથી જોવાયે. ॥૭॥

અર્થઃ

યત્ - જેને
ચક્ષુષા - ચક્ષુ દ્વારા (કોઇપણ)
ન પશ્યતિ - નથી જોઇ શકતું.
(અપિ તુ - પરંતુ)
યેન - જેને લીધે
ચક્ષૂંષિ - ચક્ષુ
પશ્યતિ - જુએ છે.
તત્ - તેને
એવ - જ
બ્રહ્મ - બ્રહ્મ
વિદ્ધિ - જાણી લે.
ઇદમ્ યત્ - ચક્ષુ દ્વારા દેખાતા જે દૃશ્ય પદાર્થની
ઉપાસતે - ઉપાસના કરવામાં આવે છે.
ઇદમ્ - એ
ન - બ્રહ્મ નથી.

ભાવાર્થઃ

પરમાત્મા વાણીના વિષય નથી, મનના વિષય નથી, તોપછી આંખના વિષય કેવી રીતે હોઇ શકે ? એમનું દર્શન ચર્મચક્ષુ દ્વારા નથી થઇ શકતું. આંખ એમના શાશ્વત, સંપૂર્ણ, સુધાસભર સ્વરૂપને નથી જોઇ શકતી. ભક્તો પરમશ્રદ્ધા-ભક્તિથી સંપન્ન થઇને એમના દેવદુર્લભ દર્શનનો લાભ મેળવી શકે છે ખરા, પરંતુ એ દર્શન પણ પરમાત્માના પરિપૂર્ણ સમગ્ર સ્વરૂપનું હોવાને બદલે આંશિક હોય છે. ભક્તને એવા આંશિક દર્શનથી પણ તૃપ્તિ અને અવર્ણનીય આનંદનો અનુભવ થાય છે. બાકી તો પરમાત્મા એટલા બધા સૂક્ષ્મ, સૂક્ષ્માતિસૂક્ષ્મ છે કે એમનું અવલોકન સ્થૂળ આંખ દ્વારા ભાગ્યે જ કરી શકાય. એમના દર્શનને માટે દ્રષ્ટિને નિર્મળ કરી, બહારની આંખને બંધ કરી, ધ્યાનાવસ્થામાં આગળ વધીને અંતરની વાસના-વિકારરહિત અલૌકિક આંખને ઉઘાડવી જોઇએ. જપ, તપ, તીર્થાટન, દાન, સત્સંગ અને સ્વાધ્યાય જેવી જુદીજુદી સાધનાઓ એ અલૌકિક આંખને ઉઘાડવા માટે જ કરવામાં આવે છે. એને માટે બહારની સ્થૂળ આંખને ફોડી નાંખવાની અથવા અંધ બનવાની આવશ્યકતા નથી. સ્થૂળ આંખને પવિત્ર અથવા ઉદાત્ત બનાવવાની આવશ્યકતા છે. અત્યારે આંખ જુએ છે ખરી પરંતુ પરમાત્માને નથી જોતી. એમના સિવાયનું બધું જુએ છે. પછી એ સૌમાં પરમાત્માને જોશે, અને છેવટે સૌમાં જ નહીં, સૌના રૂપમાં પણ પરમાત્માને જ જોશે. પરમાત્મા સિવાયનું બીજું કશું દર્શન એને સારુ શેષ નહીં રહે. એની અવસ્થા શુકદેવજીની અવસ્થા જેવી અલૌકિક થઇ રહેશે. શુકદેવજી સર્વત્ર પરબ્રહ્મ પરમાત્માનું દર્શન કરતા. એટલે તો એમની અખંડ બ્રાહ્મી વૃતિ તથા દૃષ્ટિને લીધે સરોવરમાં સ્નાન કરતી સ્ત્રીઓને સહેજપણ સંકોચ ના થયો. એ અખિલ વિશ્વની સાથે આત્મીયતાનો અનુભવ કરતા. એટલે તો મહર્ષિ વ્યાસ એમના નામનો પોકાર પાડતા, એ ગૃહત્યાગ કરી ગયા ત્યારે એમને બોલાવવા પાછળ ચાલ્યા. ત્યારે એમના વતી વૃક્ષોએ, પવને, પૃથ્વીએ, પાણીએ અથવા સમસ્ત સૃષ્ટિએ ઉત્તર આપ્યો એવું વર્ણવવામાં આવ્યું છે.

રામકૃષ્ણ પરમહંસદેવાના સંબંધમાં પણ એવું જ કહેવાય છે. એ ચરાચરમાં સર્વત્ર જગદંબાનું દર્શન કરતા. જગદંબામાં જ મગ્ન રહેતા. એક દિવસ એમના ભક્ત અને સેવક મથુરબાબુએ એમના અસાધારણ ભગવદભાવને ઓછો કરીને એમની વૃતિને વિષયાભિમુખ બનાવવા એમને ખબર પડે નહીં એવી રીતે એક યોજના બનાવી. એ યોજના પ્રમાણે કલકત્તાની કેટલીક સુંદર વેશ્યાઓને સારા પુરસ્કારની લાલચ આપીને દક્ષિણેશ્વરમાં આવીને રામકૃષ્ણદેવને ચલિત કરવાની ભલામણ કરી. વેશ્યાઓ પહેલાં તો તૈયાર ન થઇ. પરંતુ મથુરબાબુના વધારે પડતા આગ્રહને લીધે છેવટે માની ગઇ.

એમને આવશ્યક સૂચના સાથે દક્ષિણેશ્વરના એક ઓરડામાં રાખીને મથુરબાબુએ રામકૃષ્ણદેવ પાસે પહોંચીને જણાવ્યું કે કેટલીક કુલીન કુટુંબની સ્ત્રીઓ તમારાં દર્શનને માટે આવી છે. તે જાહેરમાં તમારી પાસે આવતાં સંકોચ અનુભવે છે. તો તમે જ એમની પાસે જઇને એમને દર્શન આપો.

રામકૃષ્ણદેવે નિખાલસ હૃદયે પેલા ખંડમાં પ્રવેશ  કર્યો કે તરત જ વેશ્યાઓ એમની આજુબાજુ ફરી વળીને એમને ચળાવવા માટે અનેક પ્રકારના અભિનયો કરવા માંડી. પરંતુ રામકૃષ્ણદેવને એમની અસર ના થઇ. એ પરમપવિત્ર અને નિર્દોષ હતા. સર્વત્ર જગદંબાનું દર્શન કરતાં. એટલે વેશ્યાઓને જોતાંવેંત "મા જગદંબા, મા જગદંબા, તું આ રૂપમાં પણ કેટલી બધી સુંદર અને આકર્ષક લાગે છે ! " એવા ઉદગારો સાથે ભાવસમાધિમાં ડૂબી ગયા.વેશ્યાઓ એ જોઇને આશ્ચર્યચકિત થઇને બહાર નિકળી ગઇ. એમણે એવા અસાધારણ પુરુષનું દર્શન પહેલાં કદાપિ નહોતું કર્યું. મથુરબાબુની આગળ આખાય પ્રસંગને વર્ણવીને એમણે જણાવ્યું કે અમને આવા પવિત્ર પુરુષ પાસે મોકલી ? એમના તો નખમાં પણ વિકાર નથી. અમને પાપ લાગ્યું.

અંતરમાં એની અસાધારણ પવિત્રતા પથરાતાં આંખ પણ પવિત્ર બને છે ને સર્વત્ર પરમાત્માને પેખે છે. પરમાત્માની એ પરમશક્તિને લીધે જ આંખ જોવાની શક્તિથી સંપન્ન બને છે ને જુએ છે. એ શક્તિને પરમાત્માની અનંત શક્તિની પ્રતિનિધિ સમજીને ઉપાસવાથી પરમાત્માને ઓળખી શકાય છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.