यत्प्राणेन न प्राणिति येन प्राणः प्रणीयते ।
तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते ॥९॥
yat pranena na praniti
yena pranah praniyate
tad eva brahma tvam viddhi
nedam yad idam upasate
પ્રાણતણા વશમાં જે ના, પણ જેના વશમાં પ્રાણ રહે,
તે જ બ્રહ્મ છે; નથી નથી તે પ્રાણથકી જે વશ થાયે. ॥૯॥
અર્થઃ
યત્ - જે
પ્રાણેન - પ્રાણ દ્વારા
ન પ્રાણિતિ - ચેષ્ટાયુક્ત નથી થતા.
(અપુ તુ - પરંતુ)
યેન - જેને લીધે
પ્રાણઃ - પ્રાણ
પ્રણીયતે - ચેષ્ટાયુક્ત બને છે.
તત્ એવ - તેને જ
ત્વમ્ - તું
બ્રહ્મ - બ્રહ્મ
વિદ્ધિ - સમજ.
ઇદમ યત્ - પ્રાણની શક્તિથી ચેષ્ટાયુક્ત દેખાતાં જે તત્વોને
ઉપાસતે - ઉપાસવામાં આવે છે.
ઇદમ્ - તે
ન - બ્રહ્મ નથી.
ભાવાર્થઃ
પ્રાણ શરીરને સજીવ કરે છે, સંજીવન આપે છે અને બીજા પદાર્થોને સ્ફૂર્તિ બક્ષીને કર્મરત બનાવે છે, પરંતુ પરમાત્માને સજીવ કે સક્રિય કરવાની શક્તિ એનામાં નથી. એવી શક્તિની કલ્પના પણ એનામાં નથી કરી શકાતી. પરમાત્મા જ એને સજીવન કરે છે, જીવન ધરે છે ને પ્રવૃતિપરાયણ બનાવે છે. એની પાછળ પરમાત્માની જ પરમ સનાતન શક્તિ રહેલી છે એવું સમજીને એને શુદ્ધ અને સાત્વિક રાખવાનો, વાસના તથા લાલસામાંથી મુક્ત કરવાનો ને જીવનવિકાસમાં ઉપયોગી બનાવવાનો પ્રયાસ કરવો જોઇએ. સાચી ઉપાસના એ જ છે. પ્રાણનો આધાર લઇને પ્રાણાયામની ક્રિયા દ્વારા મનને શાંત કરીને પરમાત્માની પાસે પહોંચી શકાય છે. એના સિવાયની, પરમાત્માની પાસે નહિ પહોંચાડનારી ને પરમાત્માભિમુખ નહિ કરવારી બીજી ઉપાસના સમાજમાં પ્રચલિત હોય તોપણ અધૂરી અથવા એકાંગી છે.