यदि मन्यसे सुवेदेति दहरमेवापि नूनं त्वं वेत्थ ब्रह्मणो रूपम् ।
यदस्य त्वं यदस्य देवेष्वथ नु मीमाँस्येमेव ते मन्ये विदितम् ॥१॥
yadi manyase su-vedeti dabhram evapi
nunam tvam vettha brahmano rupam
yad asya tvam yad asya deveshv atha nu
mimamsyam eva te manye viditam
એમ કહે કે બ્રહ્મતત્વનું જાણું છું હું પૂર્ણસ્વરૂપ,
તો તો નક્કી એમ માનજે જાણે છે તું અલ્પ જ રૂપ;
તારામાં ને દેવતામહીં બ્રહ્મનું રહ્યું આંશિક રૂપ,
કેવી રીતે પૂર્ણ તત્વને જાણે, વિચાર કર તું ખૂબ ! ॥૧॥
અર્થઃ
યદિ - જો
ત્વમ્ - તું
ઇતિ - એવું
મન્યસે - માનતો હોય (કે)
સુવેદ - (હું બ્રહ્મને) સારી પેઠે જાણી ગયો છું.
અપિ - તો
નૂનમ્ - નક્કી
બ્રહ્મણઃ - બ્રહ્મના
રૂપમ્ - સ્વરૂપને
દભ્રમ્ - થોડુંક
એવ - જ
વેત્થ - જાણે છે. (કારણ કે)
અસ્ય - એનું
યત્ - જે (આંશિક) સ્વરૂપ
ત્વન્ - તું છે. (અને)
અસ્ય - એનું
યત્ - જે (આંશિક) સ્વરૂપ
દેવેષુ - દેવોમાં છે.
(તત્ અલ્પમ્ એવ - એ બધું મળીને પણ અલ્પ જ છે.)
અથ નુ - એટલા માટે
મન્યે - હું માનું છું કે
તે વિદિતમ્ - તારું જાણેલું સ્વરૂપ
મીમાંસ્યમ્ એવ - વિચારણીય છે.
ભાવાર્થઃ
શાસ્ત્રજ્ઞાનને પ્રાપ્ત કરીને, ચિંતનમનન, તર્કવિતર્ક, વાદવિવાદથી અથવા પરમાત્માના થોડાઘણા અપરોક્ષ અનુભવથી માનવ કેટલીકવાર પોતાને બ્રહ્મજ્ઞાની અથવા પરમાત્મા સંબંધી સર્વકાંઇ સમજતો માની લે છે. કેટલીક વાર પરમાત્માનો સંપૂર્ણ સાક્ષાત્કાર થયો એવું પણ સમજી બેસે છે. કેટલીક વાર પોતાને માટે વધારે પડતા મોટા ખ્યાલોને સેવીને મિથ્યાભિમાનમાં પણ પડે છે. પરમાત્મા વિશે ઉપદેશ આપવાનો આરંભ કરે છે. કોઇવાર કોઇ પૂછે તો ઉત્તર આપે છે કે મેં પરમાત્માનું પરિપૂર્ણ જ્ઞાન મેળવી લીધું છે. હવે કાંઇપણ જાણવાનું બાકી નથી રહેતું. એવા વાકપંડિતો ઉપનિષદ કાળમાં હતા જ. એમનો આત્યંતિક પ્રભાવ કોઇ કાળમાં ન હતો. આ શ્લોક એમને ઉદ્દેશીને લખાયેલો છે અને એવા પુરુષોએ ખાસ લક્ષમાં લેવા જેવો છે.
સાધક સાધના દ્વારા પોતાની અંદરના જ સ્વરૂપને જાણે છે અથવા ઓળખે છે તે સ્વરુપ પરમાત્માનું પરિપૂર્ણ સ્વરૂપ નથી, પરંતુ આંશિક સ્વરૂપ છે. ગીતાના પંદરમાં અધ્યાયમાં કહ્યું છે કે જીવાત્માના સ્વરૂપમાં, શરીરમાં મારો સનાતન અંશ રહેલો છે. "મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ" એટલે એ સ્વરૂપને જાણીને પરમાત્માનું પરિપૂર્ણ સ્વરૂપ જાણી લીધું એવો અહંકાર કે દાવો કરવાની જરૂર નથી. અનુભવી પુરુષ તો નમ્ર અને સરળ બનીને એમ કહે છે કે મેં કશું જ નથી જાણ્યું, અથવા પરમાત્મા વિશે જે કાંઇ જાણ્યું અથવા અનુભવ્યું છે એ અત્યંત અલ્પ છે, અને જેમ વખત જાય છે તેમ હું વધારે ને વધારે જાણવાની અથવા અનુભવવાની કોશિશ કરું છે. જે અનુભવના ક્ષેત્રમાં આગળ ના વધ્યા હોય, શાસ્ત્રાધ્યયનમાં જ રત રહેતા હોય, અને બૌદ્ધિક પ્રતિભાથી સંપન્ન હોય, એમના વિશે તો કહેવું જ શું ? એમનું જ્ઞાન પણ આંશિક હોય છે. એ પણ પરમાત્માને પરિપૂર્ણપણે જાણવાનો દાવો કરતા હોય તો એ દાવો નિરર્થક છે. એમણે વધારે ને વધારે નમ્ર બનવું જોઇએ.
દેવોને અથવા દિવ્ય લોકોને જાણવાથી પણ શું ? એમની અંદર પણ પરમાત્મા આંશિક રૂપે જ રહેલા છે. એટલે એમના જ્ઞાનને પણ પરમાત્માનું આંશિક જ્ઞાન જ કહી શકાય. એને પામીને પણ કોઇ પરમાત્માને પરિપૂર્ણપણે જાણવાનો દાવો ના કરી શકે.
સાધના દ્વારા પોતાની અંદર અને બહાર પરમાત્માનો જે આંશિક અનુભવ થાય છે એ પણ શાંતિ, સંતોષ અને આનંદ આપવા પૂરતો થઇ પડે છે. સરિતાના વિશાળ પ્રવાહમાંથી થોડાકની પાસે પહોંચીને એના અલ્પ પાણીનો પણ આસ્વાદ લેવામાં આવે તો તેથી તરસ મટે છે ને શાંતિ થાય છે. એવી રીતે અનુભવ આંશિક હોવા છતાં પણ પરમાત્માનો હોવાથી જીવનને કૃતાર્થ કરે છે. લોઢું પારસના અગ્રભાગને અથવા એક ભાગને અડે તોપણ સુવર્ણ બને છે. આ શ્લોકમાં જે સંદેશ સમાયેલો છે તે સંદેશ નમ્રતાનો છે. જે પરમાત્માને ઓળખે છે એમની વાણી વિરમે છે. એમનું મન શાંત બને છે. પરમાત્મા પેલા સુપ્રસિદ્ધ શ્લોકનો અર્થ બીજી રીતે કરીને કહીએ તો "મૂકમ્ કરોતિ વાચાલમ્" એટલે કે જે વાચાળ હોય છે, બહુ બોલે છે તેને મૂક કરે છે કે શાંતિ ધરે છે. "વાચાલમ્ કરોતિ મૂકમ્".
સદગુરુએ શિષ્યને આપેલો આ સ્વાનુભવસંપન્ન સદુપદેશ સૌને માટે કલ્યાણકારક છે, ઉપયોગી છે.