Text Size

Kena

Chapter 3, Verse 01

ब्रह्म ह देवेभ्यो विजिग्ये तस्य ह ब्रह्मणो विजये देवा अमहीयन्त ।
त ऐक्षन्तास्माकमेवायं विजयोऽस्माकमेवायं महिमेति ॥१॥

brahma ha devebhyo vijigye tasya ha
brahmano vijaye deva amahiyanta.
ta aikshantasmakam evayam
vijayo 'smakam evayam mahimeti.

દેવ થયા વિજયી યુદ્ધમહીં પ્રભુની કેવલ શક્તિથકી,
પરંતુ ઈન્દ્ર વગેરે દેવો બનવા માંડ્યા અભિમાની.
અમે જ યુદ્ધ ખરેખર જીત્યું એમ કહેતા તે વાણી,
દિવ્ય યક્ષનું રૂપ લઈને પ્રકટ્યા પ્રભુ ત્યારે આવી. ॥૧-૨॥

અર્થઃ

બ્રહ્મ - પરબ્રહ્મ પરમાત્માએ
હ - જ
દેવેભ્યઃ - દેવોને માટે (એમને નિમિત્ત બનાવીને)
વિજિગ્યે - (અસુરો પર) વિજય મેળવ્યો.
હ - પરંતુ
તસ્ય - એ
બ્રહ્મણઃ - પરમાત્માના
વિજયે - વિજયમાં
દેવાઃ - ઇન્દ્રાદિ દેવોએ
અમહીયન્ત - પોતાના મહિમાનું અભિમાન કરવા માંડ્યું.
તે - એ
ઇતિ - એવું
ઐક્ષન્ત - સમજવા લાગ્યા (કે)
અયમ્ - આ
અસ્માકમ્ એવ - અમારો જ
વિજયઃ - વિજય છે.
અયમ્ - આ
અસ્માકમ્ એવ - અમારો જ
મહિમા - મહિમા છે.

ભાવાર્થઃ

આ ખંડમાં એક નાનીસરખી કથાને રજૂ કરવામાં આવી છે. એ કથા સરસ અને સહેતુક છે. ઉપનિષદના વિશાળ વાંઙ્મયમાં જુદેજુદે ઠેકાણે રસ પડે, પ્રેરણા મળે અને તત્વજ્ઞાનના ગહનતમ સિદ્ધાંતોને સહેલાઇથી સમજી શકાય તે માટે કથાઓનો સમાવેશ કરાયો છે. એ સુંદર સારગર્ભિત કથાઓ ચિરસ્મરણીય બની ગઇ છે. એમને લીધે ઉપનિષદના સુંદર સાહિત્યનું સૌંદર્ય વધ્યું છે. આ કથા પરમાત્માના પરમ જ્ઞાનના અનુસંધાનમાં એમના અસાધારણ મહિમાને દર્શાવવા માટે કહેવામાં આવી છે. એનો આરંભ કરતાં કહેવામાં આવે છે કે પૂર્વે દેવો અને દાનવોની વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નિકળ્યું. એ યુદ્ધમાં દાનવોએ પ્રખર પરાક્રમ દર્શાવીને દેવોને મુશ્કેલીમાં મૂકી દીધા ત્યારે પરમાત્માએ પોતાની સવિશિષ્ટ શક્તિથી દાનવોને પરાજિત કરી દેવોને વિજય અપાવ્યો. એ ઐતિહાસિક વિજય પરમાત્માની પરમકૃપાને પરિણામે પ્રાપ્ત થયેલો હોવાં છતાં દેવો એ વાતને વિસરી ગયા. પરમાત્માના પરમ મહિમાને પોતાનો મહિમા અને પરમાત્માના લોકોત્તર વિજયને પોતાનો વિજય સમજીને અતિશય અભિમાની બની ગયા અને એમની અસાધારણ શક્તિનાં બણગાં ફૂંકવા લાગ્યા. એમની યોગ્યતાને વધારે પડતી માની બેઠા.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok