if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
નૌલિ ક્રિયા

હઠયોગ પ્રદીપિકામાં નૌલિ ક્રિયા વિશે આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવેલો છે.
अथ नौलिः ।
अमन्दावर्तवेगेन तुन्दं सव्यापसव्यतः ।
नतांसो भ्रामयेदेषा नौलिः सिद्धैः प्रशस्यते ॥३३॥
मन्दाग्नि सन्दीपन पाचनादि सन्धापिकानन्दकरी सदैव ।
अशेषदोषामयशोषणी च हठक्रिया मौलिरियं च नौलिः ॥३४॥

નૌલિ શબ્દ સંસ્કૃત શબ્દ નલિકા કે નળી પરથી આવ્યો છે. જે પેઢાંના આગળનાં ભાગમાં આવેલા ઊભા નળી જેવા સ્નાયુઓ (rectus abdominal muscles)ના સંદર્ભમાં વપરાયો છે. નૌલિ ક્રિયા શુદ્ધિ માટેની ષટ્ ક્રિયામાંની એક ગણાય છે. નૌલિ ક્રિયાને બે ભાગમાં વહેંચી શકાય - એક ભાગ, જે સ્થિર છે, ઘણે અંશે ઉડ્ડિયાન બંધને મળતો આવે છે, જ્યારે બીજો ભાગ ગતિશીલ કે હલાવવાની ક્રિયા છે. નૌલિ ક્રિયા પ્રમુખતઃ ઉદર અને પેઢાંના ભાગની શુદ્ધિ માટે કરવામાં આવે છે.

નેતિ, ધોતિ અને બસ્તિ ક્રિયાની સરખામણીમાં નૌલિ ક્રિયા પ્રમાણમાં અઘરી છે. પેઢાંના સ્નાયુઓનું નિયંત્રણ કરી એને સંકોચવાની અને હલાવવાની ક્રિયા એની સફળતા માટે આવશ્યક છે. સરળ ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે સ્વૈચ્છિક રીતે એ સ્નાયુઓને પેટના સ્નાયુઓથી અલગ રીતે નિયંત્રિત કરી શકાવા જોઈએ અને પછી એને જરૂરિયાત મુજબ મંથન કરતા હોય એ રીતે ગતિશીલ કરી શકાવા જોઈએ.

પૂર્વતૈયારી અને સાવધાની
જમ્યા પછી, ભરેલ પેટે કે મળશુદ્ધિ થયા વગર નૌલિ ક્રિયા કરવી નહીં. આંતરડાનો સોજો, કે સંગ્રહણી કે ક્ષય હોય તેવા લોકોએ આ ક્રિયા કરવી નહીં. નૌલિ ક્રિયા માત્ર અને માત્ર ખાલી પેટે થવી જોઈએ. એટલે કે પ્રાતઃ કાળે મળશુદ્ધિ થયા પછી જ કરાવી જોઈએ. એ ક્રિયા ઊભા ઊભા, બેઠાં કે સૂતાં પણ કરી શકાય છે. પરંતુ એ કરવા માટે સૌપ્રથમ ઉડ્ડિયાન બંધનો સારી રીતે અભ્યાસ કરેલો હોવો જોઈએ. (ઉડ્ડિયાન બંધમાં પેટના સ્નાયુઓને અંદરની તરફ ખેંચીને પ્રાણને રોકી રાખવામાં આવે છે.)

પ્રકાર
નૌલિના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે - મધ્ય નૌલિ, દક્ષિણ નૌલિ અને વામ નૌલિ. જ્યારે આ ત્રણે નૌલિ એકસાથે કરવામાં આવે ત્યારે તેને પૂર્ણ નૌલિ કે લૌલીકી નૌલિ તરીકે ઓળખવામાં આવે છે.

પદ્ધતિ
પ્રાતઃકાળે શૌચ ક્રિયાથી પરવારી પેટ સાફ અને હલકું થાય પછી આ ક્રિયા કરો. બે પગ વચ્ચે દોઢેક ફુટ જેટલું અંતર રાખી ઊભા રહો અથવા તો સ્વસ્તિકાસન કે સિદ્ધાસન જેવા આસનમાં બેસો. કરોડમાંથી થોડા આગળ વળી, કરોડનો કમાન જેવો આકાર કરી, બંને હાથના પંજાઓને ઢીંચણ પર રાખી, છાતીને વિકસેલી રાખો. સૌ પ્રથમ ઊંડો શ્વાસ અંદર લો અને પછી બંને નાસિકાદ્વાર દ્વારા સંપૂર્ણપણે બહાર કાઢો. બાહ્ય કુંભક સાથે ઉડ્ડિયાન બંધ કરો.

પેઢુંમાં બરાબર મધ્યના હાડકા  પરના મધ્યના સ્નાયુને નીચે અને આગળ ગતિ આપો. (push forward rectus muscle above pubic bone). આ ક્રિયા કરતી વખતે પેઢાંના બીજા સ્નાયુઓ કે અવયવોને કોઈ પ્રકારે હલાવવાના નથી. આમ કરવાથી મધ્યનો સ્નાયુ સંકુચિત થશે અને બીજા સ્નાયુઓથી જુદો પડશે. જો આ ક્રિયા સફળતાપૂર્વક થશે તો પેટનાં ભાગમાં મધ્યમાં એક ઊભી નળીના જેવો ભાગ અલગ પડી ઉપસી આવશે. આ ક્રિયાને મધ્ય નૌલિ કહેવામાં આવે છે. (control of central rectus abdominals). બાહ્ય કુંભકની સ્થિતિમાં મધ્ય નૌલિ કરી સ્થિર રહી શકાય કે નૌલિ કરી, છોડી દઈ, ફરી કરી શકાય.

થોડાં સમય પછી સ્નાયુઓને શિથિલ કરી પાછળ લઈ જાવ. ઉડ્ડિયાન બંધને પૂરો કરો. ધીરેથી શ્વાસ અંદર લો જેથી પેઢાંનો ભાગ ફરી પૂર્વવત્ થાય.

જ્યારે મધ્ય નૌલિ બરાબર કરવાની ફાવટ આવી જાય ત્યારે પછી વામ અને દક્ષિણ નૌલિ કરો. દક્ષિણ નૌલિ કરવા માટે જમણા સ્નાયુને અલગ કરો, શરીરને ધડની સહેજ જમણી બાજુ નમાવો, જમણા હાથથી ઘુંટણ પર સહેજ દબાવ લાવો. એમ કરવાથી જમણો સ્નાયુ અલગ પડી આવશે અને આગળ આવશે. આને દક્ષિણ નૌલિ (right rectus control) કહેવામાં આવે છે. એ જ રીતે ડાબી બાજુના સ્નાયુને અલગ કરી વામ નૌલિ (left rectus control) કરો.

આ ત્રણ પ્રકારમાં મહારથ હાસલ થયા પછી લૌલીક નૌલિ એટલે કે જળની ધૂમરી માફક મધ્ય-ડાબા-જમણા તરફ વારાફરતી ફેરવો. ખરું જોતાં આ રીતે થયેલ સંપૂર્ણ નૌલિ જ ષટ્ ક્રિયામાંની એક ક્રિયા ગણી શકાય.

ફાયદા
બીજી યોગની ક્રિયાઓની માફક આ ક્રિયા કરવાથી રક્તાભિસરણ તથા શ્વાસોશ્વાસની ક્રિયામાં ફાયદો તો થાય જ છે પરંતુ પેઢાંના સ્નાયુઓની વિશેષ કસરત થાય છે. (above pubic bone and below navel). ઉત્સર્ગ અને પાચનતંત્રના સ્નાયુઓને કસરત મળે છે. નૌલિ કરવાથી શરીરની અશુદ્ધિઓ દૂર થાય છે. શરીર કાંતિવાળું બને છે. અકાળે આવતી વૃદ્ધાવસ્થા મટે છે અને શરીરનો એક પ્રકારે કાયાકલ્પ થાય છે. આંતરડામાં ચોંટી રહેતો મળ દૂર થાય છે, કબજિયાત મટે છે, મંદાગ્નિ દૂર થાય છે. મૂત્રપિંડ, લીવર, બરોળ, આંતરડા સારા થાય છે. અપાનવાયુ કાબુમાં આવે છે. પેટના સર્વ રોગો નાબુદ થાય છે. મન આનંદમાં રહે છે. આધ્યાત્મિક પથના સાધકોને નૌલિ વડે કુંડલિનીના ઉત્થાનમાં ખુબ મદદ મળે છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.