Text Size

Mundaka

પ્રારંભ

ભારતવર્ષના મહાન ઋષિવરોને જેટલા પણ નમસ્કાર કરીએ એટલા ઓછા છે. એમનો જેટલો આભાર માનીએ એટલો ખરેખર ઓછો છે. પરમાત્માની નિષ્ઠા કેળવીને આત્મજ્ઞાનનો અમૂલખ ભંડાર તેમણે હાથ કર્યો છે ને દેશ તેમ જ કાળ ને રૂપરંગના કોઈ પણ જાતના ભેદભાવ વિના સમસ્ત સંસારને માટે ખુલ્લો મૂક્યો છે. વિશાળ વ્યોમ ને પાવન પૃથ્વી જેમ જીવમાત્રને માટે છે; પવન, પાણી ને પ્રકાશ પર જેમ સૌનો અધિકાર છે; તેમ તેમણે મૂકેલો એ જ્ઞાનવારસો જે લાભ લેવા માગે તે સૌને માટે છે. અંતરના ઊંડાણમાં ડૂબકી મારીને તેમણે જે અનુભવો મેળવ્યા છે તે આજે પણ આપણે માટે સુલભ છે. બુદ્ધિશાળી લોકોને આજે પણ તે ચકિત કરે એટલા તે ગહન છે. હજારો લોકો આજે પણ તેમાંથી શક્તિ મેળવે છે. એવા મહાન ને મંગલકારક જ્ઞાનદાતા પુરૂષોને વંદન કરવામાં આપણી પણ શોભા છે.

તેમના જ્ઞાનપ્રકાશના પ્રતીક જેવું એક બીજું ઉપનિષદ હવે શરૂ થાય છે. તેનું નામ મુંડક ઉપનિષદ છે. વિદ્વાનો ને વિચારકોમાં તે ઉપનિષદ અત્યંત આદરણીય ને મહત્વનું મનાય છે. આરંભમાં જ કહેવામાં આવે છે કે સંસારને ઉત્પન્ન કરનાર ને સંભાળનાર બ્રહ્મા દેવોની પહેલાં પ્રકટ થયા. તેમણે સૌ વિદ્યાના મૂળાધાર જેવી બ્રહ્મવિદ્યા પોતાના મોટા પુત્ર અથર્વાને શીખવી. અથર્વાએ તે વિદ્યા અંગિરાને કહી. તેમણે ભારદ્વાજ-સત્યવહને કહી, ને તેમણે વળી પરંપરાગત પ્રાપ્ત થયેલી એ વિદ્યા બીજા અંગિરા ઋષિને આપી. તે અંગિરા ઋષિની પાસે એક વાર મહાગૃહસ્થ શૌનક જિજ્ઞાસાવૃત્તિથી વિધિપૂર્વક ગયા.

ઉપનિષદની આ વાતમાં ઉપરથી દેખાય છે તેના કરતાં ઘણો ઊંડો સાર સમાયેલો છે. શૌનક ગૃહસ્થાશ્રમી હતા. છતાં તેમને આત્મજ્ઞાનની અભીપ્સા હતી તેથી જિજ્ઞાસુ બનીને તદ્દન નમ્રભાવે તે અંગિરા ઋષિની પાસે ગયા. એના પરથી જાણવા મળે છે કે સંસારી માણસો પહેલાંના જમાનામાં પ્રભુમય જીવન જીવવાની ને જ્ઞાન મેળવવાની ઈચ્છા રાખતા. તેમાંના કેટલાક મોટા પંડિતો પણ હતા. યાજ્ઞવલ્ક્યનું ઉદાહરણ એવું જ છે. ઋષિઓ પણ મોટે ભાગે ગૃહસ્થાશ્રમી જીવન જીવતા ને જ્ઞાન તથા તપનું અવલંબન કરતા. સાંસારિક જીવન ઈશ્વરપ્રાપ્તિ કે જ્ઞાનોપાર્જન માટે બાધક નહિ પણ સાધક મનાતું. કેટલાક લોકો દલીલ કરે છે ને માને છે કે સાંસારિક જીવન ને ઈશ્વર અથવા તત્વજ્ઞાનનો માર્ગ જુદોજુદો છે ને તે બંનેનો મેળ કે સમન્વય કદી ન થઈ શકે. તેમના વિચાર વજૂદ વિનાના છે.

સાધના, ઈશ્વરપ્રાપ્તિ કે જ્ઞાન કોઈ એવી વસ્તુ નથી જેના અનુભવ માટે જીવનના રોજિંદા સ્વરૂપથી છૂટાછેડા લેવા પડે, જંગલમાં જવું પડે, સૌની સાથે સંબંધવિચ્છેદ કરીને એકાંત ગુફા કે આશ્રમમાં કેદ થવું પડે ને જીવનને નીરસ કરવું પડે. કોઈ વાર કોઈ કારણથી કોઈ સાધકને તેવા જીવનની જરૂર પડે છે ખરી; જીવનનું એવું બાહ્ય પરિવર્તન કે સ્વરૂપ ને એકાંત કેટલીક વાર સાધનામાં જરૂરી ને સહાયક થઈ પડે છે તેની ના નહિ. પરંતુ તે સાધન છે, એક વચગાળાની વ્યક્તિગત દશા છે; ને બધાએ તેનું અવલંબન લેવું જ પડશે એમ નથી. રુચિ ને વિકાસના ભેદ પર કોણ કેવી પરિસ્થિતિમાં વિકાસ કરશે એનો આધાર રહે છે. એટલે એકાંતિક જીવન ને બાહ્ય ત્યાગને સાવ ઉડાવી દેવાની જરૂર નથી. પરંતુ માણસોનો મોટો ભાગ સાંસારિક છે, પ્રવૃત્તિપરાયણ જીવન જીવનારો છે, ને તેથી સાંસારિક જીવન ને પ્રવૃત્તિની વચ્ચે રહીને પણ આત્મોન્નતિ થઈ શકે એવી સાધના જ સર્વસાધારણની સાધના થઈ શકે; એવી કળામાં કુશળ થવાની જરૂર છે.

ભારતીય સંસ્કૃતિ મુખ્યત્વે એવી સમન્વયની સાધના કે કળા પર જ ભાર મૂકે છે જેના પ્રભાવથી માણસ જ્યાં હોય ત્યાં રહીને, જે કરતો હોય તે કરતાં કરતાં, જીવનને વધારે પવિત્ર, આનંદમય ને પ્રભુમય બનાવી શકે; જીવનનો યથાર્થ આસ્વાદ અથવા અનુભવ લઈને એનાથી અલિપ્ત કે અનાસક્ત પણ રહી શકે. એ માટે જ સંતસમાગમ, તપ, વ્રત ને બીજાં સાધન છે. તે દ્વારા જીવનને યથાર્થ રૂપે જીવવાની અથવા જીવન ઘડવાની જરૂરી શક્તિ મળી રહે છે. એટલે પ્રભુમય જીવનના પ્રારંભ માટે કોઈ ધન્ય ઘડી, પળ, ગ્રહ કે નક્ષત્રની રાહ જોવાની નથી. સાંસારિક જીવનને તેમાં બાધારૂપ માનવાની પણ જરૂર નથી. પોતાના જીવનને વધારે પ્રમાણમાં નિર્મળ, સદાચારી ને પ્રભુના પ્રેમથી પ્રકાશિત કરવાની સાધના માણસે બધા જ વાતાવરણમાં શ્વાસ લેતાં શરૂ કરવાની છે. ટૂંકમાં કહીએ તો જીવનને સાધનામય કરતાં શીખવાનું છે. નવી તકો, નવી પ્રેરણા ને નવી શક્તિ તેમાંથી પેદા કરવાની છે.

- શ્રી યોગેશ્વરજી (ઉપનિષદનું અમૃત)