ભોળી રે ભરવાડણ
MP3 Audio
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે,
સોળ સહસ્ત્ર ગોપીનો વ્હાલો, મટુકીમાં ઘાલી રે ... ભોળી
શેરીએ શેરીએ સાદ પાડે છે, કોઇને લેવા મુરારિ રે,
અનાથના નાથને વેચે, આહિરની નારી રે ... ભોળી
વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે;
મટુકી ઉતારી માંહે જોતાં, મૂર્છા સૌને લાગી રે ... ભોળી
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઉભા પેખે રે;
ચૌદ લોકમાં માય ન તેને મટુકીમાં બેઠા દેખે રે ... ભોળી
ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે;
દાસલડાંને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે ... ભોળી
- નરસિંહ મહેતા
Comments