મૃત્યુની માહિતી મનુષ્યને પહેલાંથી મળી શકે છે ખરી ? સાધારણ મનુષ્યને એવી માહિતી ભાગ્યે જ, કોઈક વિરલ સંજોગોમાં મળતી હોય છે. પરંતુ પોતાનો વ્યક્તિગત વિકાસ કરીને આત્મોન્નતિની ઉચ્ચોચ્ચ અવસ્થા પર પહોંચી ચૂકેલા મહામાનવોને એની પ્રતીતિ પહેલેથી જ થઈ રહે છે. ઉત્તમ કક્ષાના યોગીપુરૂષો પોતાની વિશેષ શક્તિ દ્વારા એ માહિતી પહેલેથી જ મેળવી લે છે. એ મૃત્યુંજય હોય છે એવું યોગગ્રંથોમાં કહેવામાં આવ્યું છે. એટલે એમની ઈચ્છા વિના મૃત્યુ એમના શરીરને સ્પર્શ નથી કરી શકતું.
એ વાત સાચી છે ? અવશ્ય સાચી છે.
ભારતમાં અતીતકાળમાં જ નહિ, પરંતુ તાજેતરના ભૂતકાળમાં જ એવા યોગીપુરૂષો થઈ ગયા છે. એમની અંદર અસાધારણ યોગશક્તિનો પ્રકાશ પથરાયેલો હતો. ફક્ત મોટા ભાગના માણસોને તેની ખબર નથી એટલું જ. એવા અસાધારણ શક્તિસંપન્ન મહામાનવોના સંપર્કમાં ઈશ્વરની કૃપાથી મારે અનેકવાર આવવાનું થયું છે. પોતાનો વિશેષ પ્રેમ પણ એમણે મારા પર વરસાવ્યો છે અને એથી મને મોટો લાભ થયો છે. ભારતીય સાધના અને એ સાધનાના પ્રતીક જેવા અનુભવી મહાપુરૂષોમાં મારી શ્રદ્ધા વધી અને મજબૂત બની છે.
એવા જ એક અસાધારણ મહાપુરૂષના અનુભવાત્મક પ્રસંગનો અહીં ઉલ્લેખ કરી રહ્યો છું. જે નથી જાણતા એ જાણે અને ભારતના યોગીપુરૂષો તથા તેમણે મેળવેલી યોગની વિરાટ શક્તિમાં પોતાની શ્રદ્ધાને દૃઢ કરી શકે એટલા માટે, એ જ હેતુથી પ્રેરાઈને.
ઈ.સ. ૧૯૪૯ માં હિમાલયના દેવપ્રયાગ ધામમાં મને ટાઈફોઈડ થયો ત્યારે મારી સ્થિતિ ઘણી નાજુક બની ગઈ હતી. લાગલગાટ એકવીસ દિવસ સુધી તાવ તેમ જ બીજી તકલીફ રહેવાથી મારી નબળાઈનો પાર નહોતો. દેવપ્રયાગના એક ભાઈ મને તે દિવસોમાં સારવાર માટે પોતાને ત્યાં લઈ ગયા હતા. મારાથી ઊઠી કે બેસી શકાતું નહિ, ને આખો વખત હું ખાટલા પર જ પડ્યો રહેતો. માતાજી તથા દેવપ્રયાગના થોડા ભાવિક ભાઈઓ મારી સુશ્રૂષા કર્યા કરતાં.
તે દિવસોમાં પણ મારું મન ઈશ્વરમાં જ લાગેલું રહેતું. ખાટલામાં સૂતાં સૂતાં હું ઈશ્વરસ્મરણ જ કર્યા કરતો. તેથી શારીરિક રીતે તકલીફ હોવા છતાં, મને માનસિક રીતે ખૂબ જ શાંતિ રહેતી. વખત વ્યથાનો હોવા છતાં, સારી પેઠે વીતી જતો.
એ બિમારીના દિવસોમાં ભાતભાતના આધ્યાત્મિક અનુભવો પણ થતા રહેતા. એક વાર મધ્યરાત્રી પછી હું પ્રાર્થના કરતો પડ્યો હતો. છેલ્લા કેટલાય દિવસથી દિવસે કે રાતે ઊંઘ નહોતી આવતી, એટલે ઊંઘ આવે તો સારું એવો વિચાર કરતો હતો ત્યાં તો ભગવાન શ્રી રમણ મહર્ષિ એકાએક મારી સામે પ્રકટ થયા ને મને કહેવા માંડ્યા, હવે હું શરીર છોડી દેવાનો છું. મારા શરીરત્યાગનો સમય આવી ગયો છે.
મેં પૂછ્યું, 'ક્યારે ?’
તેમણે ઉત્તર આપ્યો: 'બસ. હવે થોડો વખત જ બાકી છે. છ મહિના. આજથી બરાબર છ મહિને હું શરીર છોડી દઈશ, ને જ્યારે શરીર છોડીશ ત્યારે સાંજના છ વાગ્યા પછી જ છોડીશ.’
મહર્ષિના દર્શનાનુભવો મને આ પહેલાં અનેકવાર થયાં હતાં. દૂર તિરૂવણ્ણામલૈ ગામના પોતાના આશ્રમમાં રહીને, પોતાની અલૌકિક શક્તિથી એ હિમાલયમાં મારી સાથે કોણ જાણે કેમ પણ, સંબંધ રાખતા હતા. એટલે મારે માટે આ અનુભવ નવો ન હતો, છતાં પણ એની માહિતી નવી હતી.
મેં મહર્ષિને કહ્યું : ‘તમારા જેવા મહાપુરૂષ હજી થોડો વધારે વખત રહે તો લોકોને લાભ થાય. કેટલાય લોકોને માર્ગદર્શન મળે.’
તે હસીને બોલ્યા: 'બરાબર છે. પરંતુ મારો શરીરત્યાગનો સમય આવી ગયો છે, ને હું તમને તે કહેવા જ આવ્યો છું.’
અને એ અદૃશ્ય થઈ ગયા.
સવારે એ આખો પ્રસંગ મેં માતાજીને કહી સંભળાવ્યો; અને દેવપ્રયાગના જ્યોતિષાચાર્ય શ્રી ચક્રધર જોશીને પણ બધી વાત કહી બતાવી. તે એમના આશ્રમમાં જઈ આવ્યા હતા.
પછી તો મારું સ્વાસ્થ્ય સુધરી ગયું ને મારે મુંબઈ આવવાનું થયું તે વખતે પણ મહર્ષિએ મને દર્શન આપીને મને કહ્યું કે હવે મારે શરીર છોડવાનો બરાબર એક મહિનો બાકી છે.
જેમને ત્યાં હું ઊતર્યો હતો તે ભાઈઓને તથા બીજા કેટલાક સત્સંગીઓને મેં એ વાત કહી બતાવી, ને મહર્ષિ જેવા વિરલ મહાપુરૂષનાં દર્શન માટે જવાનું સૂચવ્યું. પરંતુ કોઈને અવકાશ જ ક્યાં હતો ?
એ પછી બરાબર એક મહિને એટલે કે ચૌદમી એપ્રિલે મહર્ષિએ શરીર છોડી દીધું, અને તે પણ તેમના કહ્યા પ્રમાણે સાંજના છ વાગ્યા પછી, એટલે કે સાંજના આઠને ચાલીસ મિનિટે. એ સમાચાર અમે હરદ્વારમાં સાંભળ્યા.
કેટલી બધી અનંત શક્તિ ? આજે પણ એ પ્રસંગનું સ્મરણ કરીને મારું હૃદય ભાવવિભોર ને ગદ્ ગદ્ બની જાય છે. રમણ મહર્ષિ એવી લોકોત્તર અસીમ શક્તિથી સંપન્ન હતા. સૂક્ષ્મ મન પર એમનો પૂર્ણ કાબૂ હોવાથી એ ગમે ત્યાં જઈ શકતા ને ગમે તેને દર્શન આપતા. મને થયેલા લોકોત્તર અનુભવોના આધાર પર જ હું એ વસ્તુ સમજી શક્યો છું.
- શ્રી યોગેશ્વરજી