આ કેળવણી આજે આપણને કોઈપણ રીતે કેળવે છે ખરી ?
અલબત્ત, એનો આશ્રય લેનારને એ કેટલીક માહિતી પૂરી પાડે છે, અને કેટલીકવાર સંગ્રહસ્થાનમાં પણ ફેરવી નાખે છે, પરંતુ એ જ્ઞાન જીવનના સંગ્રામમાંથી સફળતા સહિત પાર ઉતરવામાં કેટલે અંશે કામ લાગે છે, એ માનવને કેટલા પ્રમાણમાં સાત્વિક, સ્વાશ્રયી, અથવા સદ્ ગુણ, સદ્ બુદ્ધિ, તથા સત્કર્મથી સંપન્ન બનાવે છે, તે પ્રશ્ન જ છે. કેળવણીનું મુખ્ય કામ માનવને કેળવવાનું છે. એની બુરાઈઓને દૂર કરીને એને શુભ પ્રત્યે પ્રેરિત કરવાનું છે. માટે જ એને કેવળ શિક્ષણ નહિ, પરંતુ કેળવણી કહેવામાં આવે છે. છતાં પણ અફસોસની વાત છે કે આજના કેળવાયેલા કહેવાતા મોટા ભાગના ડીગ્રીધરોમાં જે નમ્રતા, નિયમિતતા, સાત્વિકતા ને સ્વાશ્રયનું દર્શન થવું જોઈએ તે નથી થતું. તેને બદલે તેમનામાં ઉદ્દંડતા, અભિમાન, અવ્યવસ્થા, પ્રમાદ તથા પરાવલંબન દેખાય છે. વરસો પહેલાં શિક્ષિત વર્ગને ઉદ્દેશીને વેદાંતકેસરી સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે તમારા કરતાં તો તમારા દેશના મજૂરો, ફેરિયાઓ અને પટાવાળાઓમાં પણ વધારે નમ્રતા તથા સરળતા ને પુરૂષાર્થતા દેખાય છે; તે શબ્દો આજે પણ ખોટા ઠર્યા છે એમ નહિ કહી શકાય.
છતાં પણ, શિક્ષિત વર્ગમાં આજે પણ કોઈ કોઈ એવા સરળ માનવોનો મેળાપ થતો રહે છે જેમને જોઈને આપણને આનંદ થાય, અથવા તો આપણા હૃદયમાં એમને માટે માનની લાગણી પેદા થઈ જાય. એમને જોઈને આપણને લાગે કે આનું નામ કેળવણી. એમને કેળવાયલા કહેવા અથવા સુંસ્કૃત કહેવા માટે આપણું અંતર તૈયાર થઈ જાય.
આમ તો મસૂરીમાં છેલ્લા કેટલાય વખતથી હું ભણેલાં ગણેલાં અંગ્રેજ સ્ત્રીપુરૂષોને જોઉં છું. જેમની પાછળ મજૂરો દોડાદોડ કરે છે, પરંતુ તેમની પરવા કર્યા વિના જે પાંચથી સાત શેર જેટલા સામાનને પોતાને હાથે જ ઉપાડીને, પગપાળા ચાલતા દૂરદૂરના તેમનાં પર્વતીય નિવાસસ્થાનોમાં પહોંચી જાય છે. તેમની વાતને હું ઓછી અગત્યની નથી માનતો કેમ કે એમની જ સાથે સાથે મને એવાં ઉદાહરણો પણ જોવા મળે છે, અને ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે, જેમાં સ્વસ્થ શરીરનાં શિક્ષિત ભારતીય સ્ત્રીપુરૂષો પોતાને હાથે પોતાના સામાનની થેલી ઉપાડતાં પણ અચકાય છે, સંકોચ પામે છે, ને શરમ અનુભવે છે. એથી એમની એટિકેટમાં ખામી આવે છે એમ એમને લાગે છે. ત્યારે મને થાય છે કે આ તે કયી જાતની કેળવણી? અને આને કેળવણી કહેવી કે બીજું કાંઈ ?
પરંતુ ગયે વરસે ઈ.સ. ૧૯૬૩ માં મસૂરીમાં મને જે જોવા મળ્યું તે મારી કેળવણીની કલ્પનાને સાર્થક કરે એવું હતું. એથી એનો ઉલ્લેખ આજે અત્યંત આનંદપૂર્વક કરી રહ્યો છું.
મસૂરીમાં ગયે વરસે મારાં પ્રવચનો ચાલતાં હતાં. ત્યાંની નવનિર્મિત ગાંધી નિવાસ સોસાયટીમાં. તે પ્રવચનોનો ઘણાં સ્ત્રીપુરૂષો લાભ લેતાં.
તે વખતે મસૂરીમાં ઉત્તર પ્રદેશના ખેતીવાડી વિભાગના નિવૃત્ત કમિશ્નર શ્રી દુબેજી પણ હવાફેર માટે આવેલા. મારાં પ્રવચનોમાં તે પણ આવવા લાગ્યા.
પ્રવચનોના યોજકોએ બેસનારાઓને માટે ખુરશીઓની વ્યવસ્થા કરી હતી, અને નીચે બેસનારાઓને માટે જાજમ બિછાવી હતી.
પહેલાં બે દિવસ તો દુબેજી ખુરશી પર બેઠા. પરંતુ પછી તેમને નીચે બેસવાની ઈચ્છા થઈ.
એટલે તેમણે પોતાનો વેશ જ બદલી નાખ્યો.
એ જોઈને બધાને અત્યંત આશ્ચર્ય થયું. મને પણ જરા નવાઈ લાગી.
દુબેજીએ સાદું ખમીસ અને ધોતિયું પહેર્યું હતું.
મેં કહ્યું : 'તમે તો તમારો વેશ જ બદલી નાખ્યો ! કોટ, પાટલૂન, નેકટાઈ, બધું જ છોડી દીધું ! કપડાં ધોવા માટે આપ્યાં છે કે શું ?’
તેમણે શાંતીથી હસતાં હસતાં કહેવા માંડ્યું : 'સૂટ તો બીજાં ઘણાં છે એટલે ધોવા આપવાનો કોઈ પ્રશ્ન નથી. પરંતુ ધોતિયું પહેરીને હું સારી રીતે નીચે બેસી શકું એટલા માટે જ ધોતિયું પહેર્યું છે. પાટલૂન પહેર્યું હોય એટલે નીચે બેસતાં જરા ઓછું ફાવે.’
'તમને ધોતિયું ફાવે છે ?’ મેં કુતૂહલ બતાવ્યું.
'શા માટે ના ફાવે ? તે તરત બોલી ઊઠ્યાં : જે વખતે જેવી જરૂર હોય તેવી રીતે વર્તવા હું ટેવાયેલો છું. મને પહેલેથી જ એવી કેળવણી મળી છે. અમેરિકામાં મેં અભ્યાસ કર્યો છે અને અમેરિકામાં વરસો રહ્યો છું. તો પણ ભારતીય જીવનપદ્ધતિ મને ગમે છે.’
દુબેજી જેટલા દિવસ મારા પ્રવચનો ચાલ્યાં તેટલા દિવસ ધોતિયામાં તથા ખમીસના પોશાકમાં આવ્યા. તે જોઈને હું એમને શાબાશી આપ્યા વિના રહી શક્યો નહિ. મને થયું કે આનું નામ કેળવણી. ધન્ય આ કેળવણી !
- શ્રી યોગેશ્વરજી