મધ્યયુગનો જમાનો.
બીજી ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે ભારતના લગભગ બધા ભાગોમાં ભક્તો, સંતો, અથવા તો આચાર્યોનો જમાનો. સંતો, ભક્તો અને ભાવિકોની દેશમાં એ વખતે ભરમાર હતી. સંતો તથા વિદ્વાનોની વિપુલતાનો એવો સુવર્ણકાળ દેશે લાંબા વખત લગી જોયો ન હતો. વિદ્વાનો પણ કેવા ? એકેકથી ચઢિયાતા.
કાશી એ વખતે દિગ્ગજ પંડિતો અને વિદ્વાનોની નગરી ગણાય.
ત્યાં રામાનંદ કરીને એક મહાત્મા નિવાસ કરે. અદ્ ભુત બૌદ્ધિક પ્રતિભા, નિર્મળ ચારિત્ર્ય, લાંબા વખતની તીવ્ર તપસ્યા અને જાહ્નવી જેવી સ્વચ્છ જીવનચર્યા, રામાનંદની આગવી વિશેષતા હતી. એ વિશેષતાને લીધે કાશીનગરીના પ્રસિદ્ધ સંતોમાં એમનું સ્થાન આગવું તરી આવતું. તારામંડળની વચ્ચે જેમ ચંદ્ર શોભે, તેમ એ એક અસાધારણ, અજોડ, કે વિરલ બનીને વિદ્વાનોની વચ્ચે શોભી ઊઠતા. એ વખતના ભારતવર્ષના બહુશ્રુત અને બહુમાન્ય જ્ઞાની પુરૂષોમાં એમની ગણના થતી.
ધન્ય ભારત વર્ષ ! તારે ખોળે આવા કેટકેટલા વિદ્વાનો, સંતો, ભક્તો, અને સાક્ષાત્કારી પુરૂષોએ જન્મ લીધો, અને કેટલા બધા લોકોત્તર પ્રતિભાથી સંપન્ન મહાપુરૂષોએ તારા અંતરને આલોકિત કર્યું ? માટે જ તું વિશ્વવંદનીય છે, એક અને અજોડ છે.
વહેલી સવારે એ રામાનંદ સ્વામીના ચરણોમાં એક યુવાને નમસ્કાર કર્યા.
'કોણ ?’ રામાનંદે પૂછ્યું.
'હું’ આગંતુકે ઉત્તર આપ્યો: 'હું તમારું નામ સાંભળીને તમારી પાસે સંન્યાસ લેવાની ઈચ્છાથી આવી પહોંચ્યો છું.’
'લગ્ન થયું છે કે નહિ ?’
'લગ્ન થયેલું પરંતુ હમણાં જ વિધુર થયો છું.’
'સંતાન ?’
'સંતાનમાં કોઈ જ નથી. એકલો જ છું. કોઈ જાતની જવાબદારી નથી. વૈરાગ્યની તીવ્રતા થવાથી ઘરનો ત્યાગ કરીને મેં તમારું શરણ લીધું છે. મારો અંગીકાર કરો તો હું તમારો ઋણી રહીશ.’
રામાનંદે એને આશ્રમમાં રહેવાની રજા આપી, અને થોડા દિવસો પછી સંન્યાસની વિધિપૂર્વક દીક્ષા પણ પૂરી પાડી.
યુવકને આનંદ થયો. એની અભિલાષા પૂર્ણ થઈ.
વખતને વીતતાં કાંઈ વાર લાગે છે ? જોતજોતામાં તો લાંબો વખત વીતી ગયો, અને એક દિવસ દક્ષિણ ભારતનાં તીર્થોની યાત્રા કરીને તીર્થશિરોમણી રામેશ્વરનું દર્શન કરવાની ઈચ્છાથી, રામાનંદ સ્વામી આશ્રમ છોડીને નીકળી પડ્યા.
ફરતા ફરતા એ દૈવયોગે એકવાર મહારાષ્ટ્રનાં આલંદી ગામમાં આવી પહોંચ્યાં. ગામના મંદિરમાં એમણે ઉતારો કર્યો.
લોકોના ટોળેટોળાં એમનું દર્શન કરવા માટે આવવા લાગ્યાં. દર્શનાર્થી લોકોમાં એક સ્ત્રી પણ હતી.
રામાનંદને એ પગે લાગી એટલે રામાનંદ એને આશીર્વાદ આપ્યો: પુત્રવતી ભવ.
આશીર્વાદ સાંભળીને સ્ત્રી તો રડવા માંડી.
રામાનંદને મહાન આશ્ચર્ય થયું. એમણે કહ્યું : 'બેન, તું કેમ રડવા માંડી ? મેં કાંઈ ખોટું કહ્યું ?’
સ્ત્રીએ કહ્યું : ભગવન ! તમે મને પુત્રવતી થવાનો આશીર્વાદ આપ્યો છે, પરંતુ હું તો એકલી છું. અને મારા પતિ મારો ત્યાગ કરીને ક્યારનાય ચાલી નીકળ્યા છે. આ સંજોગોમાં તમારો આશીર્વાદ કેવી રીતે ફળી શકવાનો છે ?
રામાનંદ વિચારમાં પડ્યા. છતાં પણ બોલ્યા: 'બેન, મારા મુખમાંથી જે નીકળ્યું છે તે સાચું પડશે જ.’
એ પછી કેટલીક વાતો થઈ એના પરથી એમને કાશીના આશ્રમમાં સંન્યાસ લેવા આવેલા પેલા યુવાન પર શંકા આવી. પરિણામે દક્ષિણની યાત્રાને સ્થગિત કરીને, પેલી સ્ત્રી તથા તેના ભાઈની સાથે એ કાશી તરફ પાછા ફર્યા.
કાશીના આશ્રમમાં આવીને એમણે પેલા નવયુવાન સંન્યાસીને બોલાવ્યો. પોતાની પત્ની તથા પોતાના સાળાને જોઈને સંન્યાસી મહારાજ નવાઈ તો પામ્યા, પરંતુ હવે એમનું સાચું સ્વરૂપ ખુલ્લું થઈ ગયું. સ્ત્રીનો ત્યાગ કરીને એ ચોરીછૂપીથી કાશી આવ્યા હતા એ હકીકત છૂપી ના રહી.
પછી તો રામાનંદ સ્વામીએ એ યુવાનને ફરી ગૃહસ્થાશ્રમ કરવાની આજ્ઞા કરી. એ પ્રમાણે યુવાને ભગવાં વસ્ત્રોનો ત્યાગ કર્યો, અને આલંદી આવીને પૂર્વવત્ જીવન જીવવા લાગ્યા.
એ યુવાનનું નામ વિઠ્ઠલ પંત હતું. પોતાના સ્વધર્મ પ્રત્યે આંખમિચામણાં કરીને એમણે જે અપરાધ કર્યો હતો, તેનું રામાનંદ સ્વામીએ આ રીતે પ્રાયશ્ચિત કરાવ્યું. દુનિયાના આધ્યાત્મિક ઈતિહાસમાં સંન્યાસીએ ફરીવાર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા હોય એવાં ઉદાહરણ અતિવિરલ છે, છતાં પણ દુનિયાને તો એ પરિવર્તનથી લાભ જ થયો. જગતમાં જેમનો જોટો ના જડે એવા જ્ઞાનેશ્વર, નિવૃત્તિનાથ, સોપાન ને મુક્તાબાઈના દર્શનનો લાભ મળ્યો. જગતને માટે એમનું અવતરણ આશીર્વાદરૂપે થયું.
ફરજનો ત્યાગ કરીને, ક્ષણિક વૈરાગ્યના આવેગનો આધાર લઈને, માણસ કર્તવ્યવિમુખ બની જાય તો સંસારની વ્યવસ્થા ચાલે નહિ. એવા માણસો જરૂરી યોગ્યતાના અભાવને લીધે, યોગ કે સંન્યાસને તો શોભાવી જ ના શકે. એ વિશાળ સંદર્ભમાં જોઈએ તો આ ઘટનામાંથી ઘણું શીખવાનું છે.
- શ્રી યોગેશ્વરજી