હિમાલયના નૈસર્ગિક સૌન્દર્યથી મંડિત પવિત્ર પર્વતીય પ્રદેશનું આકર્ષણ લગભગ બધા જ મહાપુરૂષોએ અનુભવ્યું છે. મહાપુરૂષો જ નહિ પરંતુ સાધારણ માણસો પણ એ આકર્ષણથી ભાગ્યે જ અછૂત રહ્યા હશે. એ પ્રદેશનો પ્રભાવ જ એવો પ્રખર છે. પ્રત્યેક ભારતવાસીના દિલમાં એ પુણ્યભૂમિના દર્શનની ભાવના ભરી હોય છે. કોઈને ત્યાં જવાનો સુયોગ મળે છે, તો કોઈને નથી મળતો પરંતુ એ પ્રદેશના પુણ્યપ્રવાસનું સ્વપ્નું તો સૌ પોતાના મનમાં સંઘરી જ રાખે છે.
એ પ્રદેશના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર ગંગા છે. હજારો વરસોથી, કહો કે અનંતકાળથી, ગંગા, ભારતીય સાધના, શાસ્ત્રવિદ્યા ને સંસ્કૃતિની, વિહાર ભૂમિ બનીને જનગણમનને સાંસ્કૃતિક પ્રેરણા આપી રહી છે. એના નામનું શ્રવણ-મનન જ લોકોના અંતરમાં એક પ્રકારની અનેરી અથવા તો અવર્ણનીય ભાવોર્મિ પેદા કરે છે.
શીખ ધર્મના સ્થાપક ગુરૂ નાનકદેવ પણ એ આકર્ષણથી કેવી રીતે અલિપ્ત રહી શકે ? ભારતના પુણ્યપ્રવાસના અવસર દરમિયાન ફરતાં-ફરતાં એ હિમાલયની પુરાણપ્રસિદ્ધ ભૂમિમાં આવી પહોંચ્યા અને એમણે હરિદ્વારમાં મુકામ કર્યો.
હરિદ્વારની પ્રાકૃતિક સુંદરતા ને શાંતિ જોઈને એમનું મન અત્યંત પ્રસન્ન થયું. ગંગાના એકાંત તટપ્રદેશ પર બેસીને ઘડી બે ઘડી એ ઈશ્વરના ગુણાનુવાદ ગાતા પોતાની અંદરની દુનિયામાં ડૂબી ગયા. એ વખતે તેમને અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થઈ.
બીજે દિવસે સવારે ગુરૂ નાનક ગંગાતટ પર પહોંચી ગયા. ગંગાના ઘાટ પર ભાત ભાતના ભાવિક લોકો ભેગા થયા હતા. જાણે કે માનવ મહેરામણ ઊમટ્યો ના હોય ! કોઈ સ્નાન કરતા, કોઈ સ્તવન બોલતા, કોઈ કિનારે બેસીને જપ કે ધ્યાન કરતા, તો કોઈ વળી એવું કશું જ ના કરતાં, મુગ્ધ બનીને કુદરતની અકળ કળાનું દર્શન કરતા હોય તેમ, ગંગાના પાવન પ્રવાહ તરફ મીટ માંડીને બેસી રહેતા.
નાનકદેવ એ સૌનું નિરીક્ષણ કરતાં ફરી રહ્યા હતા, ત્યાં તો એમની નજર બે ચાર યાત્રીઓ પર પડી.
ગંગાતટ પર ભેગા થયેલા વિશાળ જનસમુદાયમાં એ યાત્રીઓ ગોર મહારાજની સૂચના પ્રમાણે શ્રાદ્ધ કરી રહ્યા હતા. ગોર મહારાજ એમની પાસે વિધિપૂર્વક ક્રિયા કરાવતા અને એ ક્રિયાને એ અનુસરતા.
એ જોઈને નાનકદેવ ગંગાના પ્રવાહમાં ઊભા રહ્યા અને પાણીની અંજલિ લઈને બીજી દિશામાં નાખવા લાગ્યા.
ગોર મહારાજ અને યાત્રીઓ એ જોઈને હસ્યા ને બોલ્યા કે આ શું કરો છો ?
નાનકદેવે કહ્યું કે પાણી પહોંચાડું છું.
'ક્યાં પહોંચાડો છો ?’
'પંજાબમાં આવેલા મારા કરતારપુર ગામના ખેતરમાં, ત્યાં પાક થયો છે પણ થોડુંક પાણી પાવું પડે તેમ છે, તેથી આ પાણી રેડી રહ્યો છું’
'અહીં રેડેલું પાણી શું પંજાબના તમારા ગામના ખેતરમાં પહોંચી શકશે ?’
'નહિ કેમ પહોંચી શકે ?’ નાનકદેવે ઉત્તર આપ્યો: 'આ તમારું શ્રાદ્ધ છેક પિતૃલોક સુધી પહોંચી શકે છે તો મારું પંજાબનું ખેતર તો એથી પાસે છે. ત્યાં સુધી શું આટલું પાણી નહિ પહોંચી શકે ?’
નાનકદેવના શબ્દો સાંભળીને બધા શાંત થઈ ગયા. શું જવાબ આપવો તે તેમને સૂઝ્યું નહિ.
ત્યારે નાનકદેવે કહ્યું : 'જે ક્રિયા કરવામાં આવે તે સમજીને વિવેકપુરઃસર કરવી જોઈએ. તમારી શ્રાદ્ધ ક્રિયાનો હું ઉપહાસ નથી કરતો, પરંતુ એને આંખ મીંચીને જડની જેમ કરવા કરતાં તમે તેનો મર્મ સમજો કે સમજવાનો પ્રયત્ન કરો એ વધારે જરૂરી છે ! બાકી તો સત્કર્મોનું શ્રાદ્ધ એ જ સાચું શ્રાદ્ધ છે. એવા શ્રાદ્ધથી આલોક અને પરલોક બંને સુખી બને છે. તમારા પિતૃઓને ઉત્તમ કર્મોની અંજલિ આપો તો તે વધારે પ્રસન્ન થશે.’
ગોર મહારાજ તથા યાત્રીઓને નાનકદેવની લોકાત્તરતાને ઓળખતાં વાર ના લાગી.
એમનો સમાગમ કરીને એમણે જીવનોપયોગી જરૂરી જ્ઞાન મેળવ્યું. એમને નવી દૃષ્ટિની પ્રાપ્તિ થઈ.
- શ્રી યોગેશ્વરજી