ભારતના જ્ઞાની અથવા તો યોગી પુરૂષોને મળવાની ઈચ્છાથી પ્રેરાઈને કેટલાય પરદેશી જિજ્ઞાસુ તથા સાધકો આ દેશની મુલાકાત લે છે. એમાં કેટલાક ઊંચી કોટિના સંસ્કારી આત્માઓ પણ હોય છે. તો કેટલાક સાધનાના પથ પર પ્રયાણ કરનારા, તો કેટલાક કેવળ કુતૂહલપ્રધાન આત્માઓ પણ આવતા હોય છે. દેશમાં વિચરણ કરીને અને વિવિધ પ્રકારના સાધક, યોગી કે સંતમહાત્માને મળીને એ એમનો યથાવકાશ, યથાશક્તિ લાભ લે છે અને એમના અનુભવ પરથી ભારતની, વર્તમાન આધ્યાત્મિક અવસ્થા વિશે અભિપ્રાય બાંધે છે. એ અભિપ્રાય દરેક વખતે સાચા જ હોય છે એવું નથી હોતું. કેટલીક વાર તો સત્યથી વેગળા જ હોય છે. છતાં પણ વિચારણીય કે નોંધપાત્ર હોય છે એમાં શંકા નહિ.
ઈ. સ. ૧૯૬૧ ની શરદઋતુના દિવસોમાં એક મદ્રાસી સંન્યાસી, એવા જ એક અમેરિકન જિજ્ઞાસુ ભાઈને લઈને મારી પાસે આવી પહોંચ્યા. તે ભારતમાં યોગીઓની શોધમાં આવ્યા હતા ને ભારતની મુસાફરી પણ સારા પ્રમાણમાં કરી ચૂકેલા.
એ વખતે હું હિમાલયના પ્રસિદ્ધ સ્થાન ઋષિકેશમાં રહેતો હતો.
એ અમેરિકન ભાઈ મને નિયમિત રીતે લગભગ રોજ મળવા લાગ્યા.
દિવસે દિવસે એમનો પ્રેમ વધતો ગયો અને એમની સરળતા, નમ્રતા, ને જિજ્ઞાસા જોઈને મને પણ એમને માટે ભાવ થયો.
પોતાની શંકાઓનું સમાધાન કરાવવાના ઉદ્દેશથી એ મારી પાસે લાંબા વખત લગી બેસી રહેતા.
મને પણ એમને એક યા બીજી રીતે મદદરૂપ થવાનો સંતોષ મળતો.
એક દિવસ એમણે મને એકાએક પ્રશ્ન કર્યો. 'તમે મને મંત્ર આપી શકશો ?’
મેં પૂછ્યું, 'કેમ ? તમારે મંત્રની જરૂર છે ?’
'હા,’ એમણે ઉત્તર આપ્યો: 'તમારી પાસેથી મળે તો મને શાંતિની પ્રાપ્તિ થઈ શકે એવો મારો વિશ્વાસ છે.’
'હું વિચાર કરીને કહીશ.’ મેં ઉત્તર આપ્યો.
બીજે દિવસે મેં એમને કહ્યું કે તમારે લાયક મંત્રની પસંદગી કરી આપવામાં હું તમને મદદરૂપ થઈ શકીશ.
મારા શબ્દો સાંભળીને એમને આનંદ તો થયો જ પરંતુ એમણે તરત જ પૂછ્યું : 'મંત્રની કિંમત શી બેસશે ?’
મેં કહ્યું: 'મંત્રની કિંમત તે વળી હોય ? તમારો પ્રશ્ન મને બહુ વિચિત્ર લાગે છે !’
'એમાં કશું જ વિચિત્ર નથી.’ એમણે સ્પષ્ટીકરણ કરતાં કહેવા માંડ્યું : 'એની પાછળ મારા જીવનનો અનુભવ કામ કરી રહ્યો છે.’
'કેવી રીતે ?’
અમેરિકામાં એક ભારતીય સંતપુરૂષના સંપર્કમાં આવવાથી એમના પ્રત્યે આકર્ષણ થયું અને એમને માટે પ્રેમ પેદા થયો. એમણે કહ્યું કે મારી પાસેથી મંત્ર લો તો છ મહિનામાં શાંતિ મળશે. મેં પૂછ્યું કે મંત્રની કિંમત ? એમણે કહ્યું કે કિંમત વધારે નથી. ફક્ત પાંચ હજાર રૂપિયા. મેં પાંચ હજાર જેટલી રકમ આપીને મંત્ર લીધો. એનો જપ કરતાં છ મહિનાને બદલે બાર મહિના થઈ ગયા પરંતુ શાંતિ ના મળી. સંતપુરૂષને ફરિયાદ કરી તો તેમણે ઉત્તર આપ્યો કે હું શું કરું ? મેં તો મારું કર્તવ્ય પૂરું કર્યું. હવે તમારું કામ તમે જાણો.
ભારતમાં આવ્યા પછી એક બીજા યોગીનો મેળાપ થયો. તેમની આજ્ઞા પ્રમાણે તેમની સેવામાં મેં બીજા પાંચેક હજાર ખર્ચ્યા, પરંતુ શાંતિ ના મળી. છેવટે એક ત્રીજા સંત મળ્યા. એમણે પણ મને મંત્ર આપવાની ઈચ્છા બતાવી. મેં કહ્યું કે મંત્રની શી કિંમત થશે ? એમણે કહ્યું કે છ હજાર રૂપિયા. મેં એમને મારી પૂર્વ હકીકત કહી સંભળાવી તો એમણે કહ્યું કે અડધી રકમ એડવાન્સમાં આપો ને અડધી પાછળથી આપજો. પરંતુ મેં એમની પાસેથી મંત્ર ના લીધો. હવે તમારી પાસેથી લેવો છે એટલે એની કિંમત વિશે પૂછી રહ્યો છું. 'ભારતના સંતો મફત મંત્રો નથી આપતા.’
મેં કહ્યું: 'તમે જેવું સમજો છો તેવું ભારત નથી. સાચું ભારત જુદું છે. મંત્રની કિંમત રૂપિયામાં નથી થતી એની કિંમત શ્રદ્ધા અને સબૂરી છે.’
એ બોલ્યા: 'આવું તો તમે એકલાએ જ કહ્યું.’
મેં કહ્યું: 'ભારતીય સંસ્કૃતિ, ધર્મ ને સાધનાનું કહેવું એ જ છે. કોઈ બે-ચાર કે વધારે પુરૂષો જુદું કહે એટલે એમની દ્વારા આખું ભારત બોલી રહ્યું છે એવું ના માનશો. નહિ તો ભારતને અન્યાય કરી બેસશો.’
એ આનંદ પામ્યા.
તકવાદી સાધુઓ પોતાના દેશના ગૌરવનો વિચાર કરશે ખરા ?
- શ્રી યોગેશ્વરજી