કેટલાક પ્રસંગો એવા હોય છે જે કાળજામાં કાયમને કાજે જડાઈ જાય છે. જીવનમાં એ જુદી જ ભાત પાડે છે, અને પોતાની સુમધુર સુવાસ વરસોનાં વરસો સુધી મૂકી જાય છે. એ સુવાસ અક્ષય હોય છે એમ કહીએ તો ચાલે. એમાં કશી જ અતિશયોક્તિ નથી થતી.
એ પ્રસંગોની સ્મૃતિ પણ ભારે આનંદ આપનારી સાબિત થાય છે. એટલું જ નહિ, પ્રેરક પણ થઈ પડતી હોય છે, જ્યારે જ્યારે એમનું સ્મરણ કરવામાં આવે છે. ત્યારે ત્યારે એ એક પ્રકારનો અસાધારણ, અવિસ્મરણીય શક્તિસંચાર કરે છે, અને ચિત્તને તાજગીથી ભરે છે.
જે પ્રસંગનો અહીં ઉલ્લેખ કરી રહ્યો છું એ એક એવો જ અનેરો અને અવિસ્મરણીય પ્રસંગ છે. જૂનો ને વરસો પહેલાંનો પરંતુ વરસોથી એ એવો ને એવો જ અકબંધ રહીને અથવા તો અસાધારણ બનીને મારા મગજમાં રમી રહ્યો છે. વરસોથી મારા અંતરાત્માએ એને વાગોળ્યા કર્યો છે, અને એને આદર્શ માનીને પોતાના સનાતન સંગ્રહસ્થાનમાં સાચવી રાખ્યો છે. આજે પણ મને એ પ્રસંગ એવો જ અનેરો અથવા તો પ્રેરણાસ્પદ લાગે છે, અને એની સાથે સંકળાયલી વ્યક્તિ વિશે મનમાં માન જાગે છે.
મેં તો મારા જીવનમાં જાણ્યું છે કે સંસારની નાની કે મોટી, સાધારણ કે અસાધારણ, પ્રત્યેક વસ્તુ કે વ્યક્તિ દ્વારા કાંઈ ને કાંઈ શીખી શકાય છે. ઉત્તમ જીવન જીવવાનો મંત્ર એક યા બીજી રીતે બધાં જ પૂરો પાડતાં હોય છે. ફક્ત તે મંત્રને ઝીલી લેવાની શક્તિ માણસમાં હોવી જોઈએ. ભાગવતમાં દત્તાત્રેયના ચોવીસ ગુરૂઓની કથા આવે છે તે શું કહી બતાવે છે. તેમનો મધ્યવર્તી વિચાર શો છે ? એ જ કે ભક્ત માણસની અંતરની આંખ જો ઉઘાડી હોય તો તે સંસારમાં ડગલે ને પગલે સદુપદેશથી ભરેલા સદ્ ગ્રંથો જોઈ શકે. સંસાર એને માટે એક મહામૂલ્યવાન યુનિવર્સિટી બની જાય છે. એવી રીતે જીવનમાં જો આંખ ઉઘાડી રાખીને ચાલીએ તો કેટલીય અવનવી જીવનોપયોગી, સામગ્રી મેળવી શકીએ એમાં સંદેહ નહિ.
હું જે પ્રસંગનું વર્ણન કરી રહ્યો છું તે પ્રસંગ આજથી પચીસેક વરસ પહેલાં બનેલો છે.
તે વખતે હું વિદ્યાભ્યાસના વખત દરમિયાન એક સંસ્થામાં રહીને જીવન નિર્ગમન કરતો હતો. એ સંસ્થા મુંબઈમાં ચોપાટી પરના લત્તામાં આવેલી હતી. સંસ્થાનું મકાન એટલું બધું વિશાળ અને સુંદર હતું કે જાણે રાજમહેલ જ જોઈ લો.
એમાં રહેનારા વિદ્યાર્થીઓ વાર્ષિકોત્સવ કરતા, અને એ વખતે જુદા જુદા વિદ્વાન તથા નામાંકિત માણસોને નિમંત્રણ આપતા. એમની પાસે પ્રવચનો કરાવતા, ગીત ગવરાવતા, અને એવી રીતે એમના અનુભવજ્ઞાનનો લાભ લેતા.
એ વાર્ષિકોત્સવમાં નાટક, સમૂહગીત, સંગીત કાર્યક્રમ તથા વ્યાયામના ચિત્તાકર્ષક જુદા જુદા પ્રયોગો થતા, અને હું પણ એમાં ભાગ લેતો. એ બધો કાર્યક્રમ એકંદરે ઘણો જ આનંદદાયક થઈ પડતો.
એ વરસે મુંબઈમાં શ્રી દેવેન્દ્રનાથ સત્યાર્થી આવેલા. તેમને ભારતનાં લોકગીતોનો ખૂબ જ શોખ હતો. એ શોખથી પ્રેરાઈને એ ભારતના ભિન્ન ભિન્ન પ્રાંતોમાં પ્રવાસ કરતા ને તેમના લોકગીતોનો અભ્યાસ કરતા. એમનો જન્મ બંગાળમાં થયો હતો અને શાંતિનિકેતનમાં રહીને એમણે અભ્યાસ કર્યો હતો. અમારા ગૃહપતિએ એમને આમંત્રણ આપ્યું તે જાણીને અમને અત્યંત આનંદ થયો. સંસ્થાના વાર્ષિકોત્સવમાં એમનો લોકગીતોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે એવું બનતું કે કોઈ અતિથિવિશેષ અથવા આમંત્રિત મહાનુભાવ આવતા ત્યારે સંસ્થાના પ્રવેશદ્વાર પાસે ઊભેલા બેન્ડવાળાઓ બેન્ડના સૂરો વગાડીને તેમનું સ્વાગત કરતા. પરંતુ દેવેન્દ્રનાથ સત્યાર્થ એ દિવસે મોડા પડ્યા. બેન્ડવાળાઓએ ઓળખ્યા નહિ, એટલે એમનું સ્વાગત પણ ના થયું. અને વધુમાં, કાર્યક્રમની શરૂઆતનો સમય થઈ ગયો હોવાથી, કાર્યક્રમ શરૂ થયો, અને ગૃહપતિ પણ પોતાની ખુરસી પર જઈને બેસી ગયા.
દેવેન્દ્રનાથ સત્યાર્થી આવ્યા તો ખરા, પરંતુ મોડા આવ્યા, અને એ વખતે બીજો કાર્યક્રમ ચાલતો હોવાથી, દર્શકોના વિશાળ સમુદાયમાં જઈને કોઈનું ધ્યાન ના ખેંચાય એવી રીતે ચૂપચાપ બેસી ગયા. કાળી ભમ્મર લાંબી દાઢી પરથી એ આગળ તરી આવે એવા તો હતા જ, પરંતુ કોઈ એમને ઓળખી ના શક્યું. એટલે એ શાંતિપૂર્વક બેસી રહ્યા.
પરંતુ...એમને માટે એવી રીતે અજ્ઞાતરૂપે બેસી રહેવાનું બહુ લાંબા વખતને માટે નહોતું લખાયું.
થોડોક વખત વીતી ગયા પછી અમારા ગૃહપતિની નજર એમના પર પડી. પોતાની ક્ષતિને માટે એમને અફસોસ થયો. એ જલદી જલદી ઊભા થયા. એ વિદ્વાન પુરૂષ પાસે પહોંચી ગયા, ને એમને આમંત્રિતોને બેસવા માટેની આગલી હરોળમાં લઈ આવ્યા.
નિયત સમયે એમનો લોકગીતોનો કાર્યક્રમ શરૂ થયો.
લોકોને એ કાર્યક્રમ ખૂબ પસંદ પડ્યો.
કાર્યક્રમની પરિસમાપ્તિ પછી અમે એ નમ્રતાની મૂર્તિ જેવા મહાપુરૂષની પાસે પહોંચી ગયા.
કોઈએ એમને પૂછ્યું : 'તમને કોઈ ઓળખતા નહિ તો આવી અજ્ઞાત રીતે ક્યાં લગી બેસી રહેત ?’
'કેમ ? તેમણે હસતે મુખે કહેવા માંડ્યું : 'બધો કાર્યક્રમ પૂરો થાત ત્યાં સુધી. બધા વિદાય થાત એટલે હું પણ એમની સાથે વિદાય થાત.’
'પણ તમારે કોઈનું ધ્યાન તો ખેંચવું તું ?’
'એથી બધાની નજર મારા પર પડત ને જે કાર્યક્રમ ચાલતો’તો તેમાં ભંગ પડત’
કેટલી બધી નિરાભિમાનીતા, નમ્રતા, ને કેટલી બધી આત્મજાગૃતિ. બીજાને માટે એ પ્રસંગ પદાર્થપાઠરૂપ છે. આજે પણ હું એને નથી ભૂલી શક્યો. નહિ ભૂલી શકું.
- શ્રી યોગેશ્વરજી