શ્રીમદ્ ભાગવતમાં દત્તાત્રેયના ચોવીસ ગુરૂની વાત આવે છે. એમાં એમણે સમડીને પણ ગુરૂ કરી છે.
ગુરૂ એટલે શું ?
ગુરૂ શબ્દના અર્થ બીજા અનેક કરવામાં આવતા હોય અને આવે છે, પરંતુ એનો મુખ્ય અર્થ તો માર્ગદર્શક થાય છે. માર્ગદર્શક અથવા પથદર્શક.
જીવનમાં જે આત્મવિકાસ અથવા તો પ્રગતિના સાચા પંથનું દર્શન કરાવે, તે પંથે પ્રયાણ કરવાની શક્તિ આપે કે પ્રેરણા પૂરી પાડે અને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને જે જ્ઞાનનો પરમ પાવન પ્રકાશ જીવનમાં પાથરી દે, તે ગુરૂ કહેવાય. એ ગુરૂ કોઈ જીવંત મનુષ્ય જ હોવો જોઈએ એવું નથી. જેની પાસેથી એવી જીવનોપયોગી મહત્વની મદદ મળે તે ગુરૂ. એવી વિશાળ દૃષ્ટિને નજર સમક્ષ રાખીને જ્ઞાનની પ્રાપ્તિમાં અને એ દ્વારા જીવનવિકાસમાં મદદરૂપ થનાર સૌ કોઈને દત્તાત્રેયે ગુરૂ માન્યા છે અને ગુરૂના પૂજ્યભાવથી પ્રણામ કર્યાં છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ જેવા પંચ મહાભૂતોને તો એમણે ગુરૂ કર્યાં જ છે, પરંતુ સમડી જેવાં પક્ષીને પણ ગુરૂ કર્યા છે.
સમડીને પણ દત્તાત્રેયે ગુરૂ કરી ?
હા. સમડીને જોઈને પણ એમણે બોધપાઠ મેળવ્યો અને એને ગુરૂ કરી. કેવી રીતે તે જોઈએ.
એક વાર દત્તાત્રેય ફરતા ફરતા એક ઠેકાણેથી બીજે ઠેકાણે જઈ રહ્યા હતા. ત્યાં એમની નજર અચાનક એક સમડી પર પડી.
તે સમડી બેચેન બનીને આકાશ તરફ ત્વરાથી ઊડતી હતી અને બીજી અસંખ્ય સમડીઓએ એનો પીછો પકડ્યો હતો. એવું લાગતું’તું કે એ બધી સમડીઓ પેલી સમડીને હમણાં જ પકડી પાડશે. સમડી ગભરાઈ ગઈ હોવાથી જાણે કાંઈ સૂઝતું ન હોય એમ, આમતેમ ઉપરાઉપરી ચક્કર મારતી’તી.
આખરે એ થાકી.
બીજી સમડીઓ એની પાસે સિફતથી દોડી આવીને એને ચાંચ મારવા લાગી એટલે પોતાનું રક્ષણ પોતે નહિ કરી શકે એવી પ્રતીતિ થવાથી એ એક ઝાડ પર જઈને બેસી ગઈ.
એ વખતે પોતાના મોઢામાંનો માંસનો ટુકડો એણે નીચે નાખી દીધો.
માંસનો ટુકડો નીચે પડ્યો એટલે પાછળ પડેલી બધી જ સમડીઓ એ સમડીને છોડી દઈને એ ટુકડા તરફ ધસી ગઈ.
સમડી હવે નિર્ભય બની.
દત્તાત્રેયને એ સમડીની બેચેની અથવા અશાંતિનું રહસ્ય હવે જ સમજાયું.
જ્યાં સુધી મોઢામાં માંસનો લોચો હતો ત્યાં સુધી એના પર બીજી સમડીઓની દૃષ્ટિ હતી અને એને આપત્તિ હતી. પરંતુ માંસનો ટુકડો મૂકી દેતાં એ આપત્તિ હવે દૂર થઈ. એ બધું નિરીક્ષણ કરી રહેલા અવધૂત દત્તાત્રેયે સમડીને સદ્ ગુરૂ માનીને મનોમન પ્રાણામ કર્યા ને કહ્યું : 'તું મારી ગુરૂ. તારી પાસેથી મને આજે જાણવા મળ્યું કે પરિગ્રહ જીવને દુઃખી કરે છે અને અપરિગ્રહ સુખનું કારણ થઈ પડે છે. એટલા માટે જેણે સુખશાંતિની પ્રાપ્તિ કરવી હોય તેણે પરિગ્રહવૃત્તિનો ત્યાગ કરવો.’
પરિગ્રહવૃત્તિ, માલિકીપણાની ભાવના, દુન્યવી પદાર્થોની લાલસા કે વાસના દુઃખદાયક છે એ સાચું છે. એથી પ્રેરાઈને જે ભાતભાતનાં ને જાતજાતનાં કર્મો કરવામાં આવે છે તે માનવને શુભાશુભ ફળબંધનથી બાંધે છે અને અશાંત બનાવે છે. એટલે જીવનમાં જેને શાંતિ મેળવવાની ઈચ્છા હોય તેણે પદાર્થોમાંથી માલિકીપણાની ભાવનાને કાઢી નાંખવી, દુન્યવી પદાર્થોની લાલસા, વાસના કે તૃષ્ણાને ટાળવી, પરિગ્રહવૃત્તિને દૂર કરવી ને બહારની દુનિયામાંથી મનને પાછું વાળીને પોતાની અંદરની દુનિયામાં અથવા તો આત્મામાં એને સ્થિર કરવું. એ જ શાંતિનો માર્ગ છે, સુખનો રસ્તો છે.
દત્તાત્રેયે સમડીને ગુરૂ કરીને ગ્રહણ કરેલો એ ઉપદેશ સમસ્ત સંસારને માટે કામનો છે. એ દૃષ્ટિએ જોતાં એની મહત્તા ધારવા કે માનવા કરતાં ઘણી મોટી છે. એને ઝીલીએ તો લાભ થાય.
- શ્રી યોગેશ્વરજી