શીખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનકદેવ એક મહાન પ્રતિભાશાળી પુરૂષ હતા. એમણે એમના જીવનકાળ દરમિયાન કેટલાયના જીવનમાં ક્રાંતિ કરી, પ્રકાશ અને પ્રેરણાની નવી સામગ્રી ભરી. એટલું જ નહિ, કેટલાય અસાધારણ સંસ્કારવાળા આત્માઓને પોતાના તરફ આકર્ષ્યા પણ ખરા.
કરતારપુરમાં નાનકદેવના સુધામય વચનો સાંભળવા માટે શીખો સારી સંખ્યામાં ભેગા થતાં. એમાં એક સાત વરસનો છોકરો પણ લગભગ રોજ આવતો. નાનકદેવનો સદુપદેશ એ ધ્યાનપૂર્વક સાંભળતો.
નાનકદેવે એક દિવસ એને નિયમિત રીતે સત્સંગમાં આવવાનું કારણ પૂછ્યું તો એણે ખુલાસો કરતાં કહેવા માંડ્યું કે મારી માતાએ એક દિવસ મને ચૂલો સળગાવવાની આજ્ઞા કરી. તે પ્રમાણે મેં ચૂલો સળગાવ્યો તો ખરો, પરંતુ તે વખતે ઝીણવટથી જોયું તો ખબર પડી કે નાની લાકડીઓ જલદી સળગવા લાગી. એ જોઈને મને વિચાર આવ્યો કે હું પણ નાનો છું એટલે કાળરૂપી અગ્નિ મને પણ વહેલી તકે સળગાવી દેશે. મારે પણ વહેલું મરવું પડશે એટલે મરણ પહેલાંની જરૂરી તૈયારી માટે અત્યારથી જ તમારી પાસે આવતો રહું છું.
નાનકદેવ એના શબ્દો સાંભળીને પ્રસન્ન થયા, ને બોલ્યા કે તારી સમજશક્તિ તો વૃદ્ધોને પણ શરમાવે તેવી છે. તારા શબ્દો સાંભળીને મને બહુ આનંદ થાય છે. તારૂં નામ હવેથી ભાઈ બુધો રહેશે.
મોટો થતાં ભાઈ બુધો શીખ ધર્મના ઈતિહાસમાં અમર બની ગયો. એણે પોતાનું જીવન બીજાની સેવા માટે ખરચી નાખ્યું.
સળગતાં લાકડાંને તો સૌ કોઈ જુએ છે પરંતુ એના પરથી આવી જાતની જીવનોપયોગી શિક્ષા કેટલાક ગ્રહણ કરે છે ?
- શ્રી યોગેશ્વરજી