પુરાણોમાં એક સુંદર અને સારભરેલી કથા છે.
કથા શંકર ભગવાન સાથે સંબંધ રાખે છે. એમાં ભગવાન શંકરની વિશાળતા, ઉદારતા તથા પરહિતપરતાનું આપણને દર્શન થાય છે. એમણે વિશ્વની સુરક્ષા અને વિશ્વના મંગલને માટે શું કર્યું તેની માહિતી એમાંથી સહેલાઈથી મળી રહે છે.
શ્રીમદ્ ભાગવતની જેમ મહાભારતમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે.
એ કથા સમુદ્રમંથનની છે.
એ કથા પ્રમાણે પૂર્વકાળમાં દેવતાઓ અને દાનવોએ, અમૃતની પ્રાપ્તિ માટે, સમુદ્રનું મંથન શરૂ કર્યું.
એ માટે એમણે મંદરાચલ પર્વતનો રવૈયો કર્યો તથા વાસુકી નાગનું દોરડું બનાવ્યું.
મંદરાચલ પર્વતની મદદથી સમુદ્રનું મંથન કરતી વખતે હજારો વાદળોની ગર્જના સમાન ઘોર ગર્જના થવા લાગી, સેંકડો જલચર જંતુ દબાઈ ગયાં તથા બીજા કેટલાંય પ્રાણીઓનો નાશ થઈ ગયો.
દેવતાઓએ પ્રખર પરિશ્રમ કર્યો તો પણ અમૃતની ઉપલબ્ધિ ના થઈ, ત્યારે તે નિરાશ થયા ને બ્રહ્માની પાસે જઈને કહેવા લાગ્યા : 'દેવાધિદેવ, અમે બધા શ્રમિત થઈ ગયા છીએ. સમુદ્રના મંથનનો આરંભ કર્યે લાંબો વખત વીતી ગયો છે તો પણ હજુ અમારો પરિશ્રમ સફળ નથી થયો. તેનું કારણ અમને નથી સમજાતું. તમે અમને શુભાશિષ આપો જેથી અમે દાનવો સાથે સહયોગ કરીને અમારા કામમાં સફળ થઈએ.’
બ્રહ્માએ એમને આશીર્વાદ આપ્યો અને એમને બળ પ્રદાન કરવા માટે પરમાત્માને પ્રાર્થના કરી.
ભગવાન વિષ્ણુએ કહ્યું કે જે લોકો આ મહાન કાર્યની સિદ્ધિ માટે મહેનત કરી રહ્યા છે એમનામાં હું શક્તિસંચાર કરું છું. એ પોતાની સમગ્ર શક્તિથી પરિશ્રમ કરશે તો એમનો પરિશ્રમ જરૂર સફળ થશે.
દેવતા તથા દાનવોની શક્તિ ભગવાનની કૃપાથી વધી ગઈ. એમનો વિશ્વાસ પણ વધી ગયો. અનંતગણા ઉત્સાહથી સંપન્ન થઈને એમણે ફરીથી સમુદ્રમંથન કરવા માંડ્યુ.
એમના મંથનથી સમુદ્ર ક્ષુબ્ધ બની ગયો.
પછી તો એ મહાસાગરમાંથી અનંત કિરણોવાળા સૂર્યસમાન તેજસ્વી છતાં શીતળ પ્રકાશથી યુક્ત, શ્વેતવર્ણ પ્રસન્ન, ચંદ્રમા પ્રગટ થયો.
પછી એમાંથી લક્ષ્મીદેવી, સુરાદેવી શ્વેત અશ્વ, દિવ્ય કૌસ્તુભ મણિ, પારિજાત વૃક્ષ તથા સુરભિ ગાયનો આવિર્ભાવ થયો. પછી દિવ્ય શરીરધારી ધન્વંતરી દેવ પ્રકટ થયા.
એમના હાથમાં શ્વેત કળશ હતો અને એમાં અમૃત ભર્યું હતું.
એ અદ્ ભુત, અદૃષ્ટપૂર્વ, દૃશ્ય જોઈને બધે કોલાહલ મચી ગયો. બધા અમૃતને માટે આતુર બની ગયા.
પરંતુ એટલામાં તો એક બીજી વિલક્ષણ ઘટના બની ગઈ. સમુદ્રને વધારે મથવાથી કાલકુટ નામનું વિષ ઉત્પન્ન થયું. એ વિષ ચરાચર જગતને ઘેરવા લાગ્યું. એનો પ્રભાવ એવો તો ભયંકર હતો કે એને સૂંઘનારાં બધાં જ પ્રાણી મૂર્છિત બની ગયા.
એ વિષનું પાન કોણ કરે ? જો એનું પાન કોઈયે ના કરે તો જગતનો નાશ થઈ જાય.
છેવટે બ્રહ્માજીએ ભગવાન શંકરને પ્રાર્થના કરી એટલે વિશ્વને ઉગારવાના એકમાત્ર ઉદ્દેશથી પ્રેરાઈને, એમણે એ વિષનું પાન કરી લીધું. વિષને એમણે પોતાના મહાન યોગ સામર્થ્યથી પોતાના કંઠમાં ધારણ કરી લીધું. ત્યારથી એ નીલકંઠ કહેવાયા.
શંકર ભગવાનની કૃપાથી એવી રીતે બ્રહ્માંડની રક્ષા થઈ ગઈ.
આ પ્રસંગ શું સૂચવે છે ? એ જ કે જીવનના ક્ષીરસાગરમાંથી બીજા મૂલ્યવાન રત્નોની જેમ એકલું અમૃત જ નથી નીકળતું, પરંતુ વિષ પણ નીકળે છે. જીવનમાં જેમ સુખ છે તેમ દુઃખ પણ છે. હર્ષ છે તો શોક પણ છે. સંપત્તિ છે તેવી રીતે વિપત્તિ પણ છે. અને શાંતિની જેમ અશાંતિ અથવા અનુકૂળતાની પેઠે પ્રતિકૂળતા પણ છે. તેને દેખીને ડરવાનું કે ડગવાનું નથી, પરંતુ કલ્યાણસ્વરૂપ શંકર બનીને તેની સામે સ્મિત કરવાનું છે તથા તેનું પાન કરવા તૈયાર રહેવાનું છે. આપણી આજુબાજુના જગતમાં ઝેર હશે તો ભલે, આપણી અંદર અમૃત હોય એ આવશ્યક છે. તો ઝેર આપણને જલાવી નહિ શકે; એના પ્રતિકૂળ પ્રભાવમાંથી આપણે આપણને તથા બીજાને મુક્ત રાખી શકીશું અને જીવનને ઉત્સવમય કરીશું.
- શ્રી યોગેશ્વરજી