અઢાર પુરાણોની અંદર જેનો સમાવેશ થાય છે તે મહાપુરાણ શ્રીમદ્ ભાગવતના પાંચમાં સ્કંધમાં રાજા ભરતનું ચરિત્ર વર્ણવેલું છે. તે ઋષભદેવજીના પુત્ર હતા. મોટી ઉંમરે તેમણે રાજપાટનો ત્યાગ કર્યો તથા પુલહ ઋષિના આશ્રમમાં એટલે કે હરિક્ષેત્રમાં વાસ કર્યો. ત્યાં ગંડકી નદી વહી રહી હતી.
સંસારના વિષયોમાંથી પોતાના મનને પાછું વાળી ચૂકેલા ભરતજી હંમેશાં પરમાત્માના ધ્યાનમાં મગ્ન રહેતા ને શાંતિનો અનુભવ કરતાં જીવનને વ્યતીત કરતા. તપ, ત્યાગ, સંયમ ને જ્ઞાનને લીધે એમની મુખમુદ્રા કાંતિમય બની હતી.
એકવાર ગંડકી નદીના તટ પર એ પ્રણવમંત્રના જપ કરતાં બેઠા હતા. એવામાં એક બનાવ બન્યો.
એક હરિણી પાણી પીવાની ઈચ્છાથી તે નદી પાસે આવી ત્યાં તો બાજુમાંથી સિંહની ગર્જના સંભળાઈ. એથી ભયભીત બનેલી હરિણીએ નદી પાર કરવા કૂદકો માર્યો. પરંતુ તે ગર્ભિણી હોવાથી તેનો ગર્ભ નદીમાં પડી ગયો, ને પોતે પણ તરત જ મરણ પામી.
તે હરિણીનું બચ્ચું નદીના પ્રવાહમાં અસહાય બનીને તણાવા લાગ્યું, તે જોઈને ભરત મુનિને દયા આવી, અને એ દયાથી પ્રેરાઈને એમણે એને પોતાના આશ્રમમાં આણ્યું.
હરણના બચ્ચાંને ભરતજીએ બચાવ્યું તે તો ઘણું સારું થયું, પરંતુ એના પર પ્રીતિ થવાથી દિનપ્રતિદિન એમનો ઈશ્વર સ્મરણ તથા યોગસાધનાનો અભ્યાસ ઓછો થવા લાગ્યો. મોટેભાગે એ હરણના બચ્ચાંની પાસે જ બેસી રહેવા લાગ્યા.
વનમાં ફળ, ફૂલ, દર્ભ, તથા સમિધા લેવા જતી વખતે પણ એને એ પોતાની સાથે જ લઈ જતાં.
સેવાપૂજામાં સ્વસ્થતાપૂર્વક લાગેલું એમનું મન મૃગના બચ્ચા પ્રત્યેની એ મમતાને લીધે ચંચળ કે વિક્ષિપ્ત બની ગયું, અને પરિણામે એ જપતપ બધું જ ભૂલી ગયાં.
એ બચ્ચાનું ભવિષ્ય શું થશે, પોતાના શરીરત્યાગ પછી એ સુખી થઈ શકશે કે કેમ, અને થશે તો એની સંભાળ કોણ રાખશે, એ ચિંતા એમને કોરી ખાવા લાગી.
એમ કરતાં કરતાં ભરતજીનો મૃત્યુ કાળ પાસે આવ્યો. એ વખતે એમને વધારે ચિંતા થઈ.
અંતકાળે પ્રણવમંત્રમાં મન સ્થાપી, પ્રણવમંત્રનો ઉચ્ચાર કરી વાસના કે, કામનારહિત થઈને, શરીર છોડીને મુક્તિ પદને મેળવવાનો મનોરથ કરી ચૂકેલા મુનિ ભરત મૃગની ચિંતામાંથી પોતાના મનને મુક્ત ના કરી શક્યા.
શરીર છૂટતી વખતે પણ એમનું મન મૃગમાં જ રહ્યું. એમને મૃગની જ વાસના રહી ગઈ, અને પરિણામે એમને મૃગની યોનિમાં જન્મ લેવો પડ્યો. અંતકાળે જેવી મતિ તેવી ગતિ થાય છે. જેવી વાસના, કામના કે ભાવના હોય છે તેવો જન્મ આવી મળે છે. એ વાત તો જાણીતી જ છે.
મૃગયોનિમાં જન્મેલા ભરતજીની પૂર્વજન્મની સ્મૃતિ એમના સત્કર્મોના પ્રભાવથી એવી જ કાયમ રહી. પોતાની ભૂલ સમજાવાથી એમને પ્રશ્ચાતાપ થયો. કાલંજર પર્વતનો ત્યાગ કરીને એ ફરી પાછા હરિક્ષેત્રમાં આવ્યા ને સમય પસાર કરવા લાગ્યા. છેવટે મૃત્યુકાળ આવી પહોંચતાં એમનું મૃગશરીર છૂટી ગયું.
શ્રીમદ્ ભાગવતની આ કથા શું બતાવે છે ? એમાં શો સંદેશ સમાયેલો છે ? મોટા ભાગના લોકો આ કથાના સાચા રહસ્યને નથી સમજતાં ને ભળતી જ વાત સમજી બેઠા છે. તેથી કહ્યા કરે છે કે, ભરતજીએ દયા બતાવી ને સેવા કરી તો તેમને ફરી જન્મવું પડ્યું માટે દયા ના રાખવી ને કોઈની સેવા પણ ના કરવી. પરંતુ આ કથાનો સાર એવો નથી. ભરતજીએ દયા રાખીને સેવા કરી માટે એમની દુર્ગતિ થઈ એમ માનવું ભૂલભરેલું છે. દયા, સ્નેહ કે, સેવાથી કોઈની દુર્ગતિ થઈ નથી. એટલે તો બધા જ ધર્મો દયા, સ્નેહ ને સેવાનો સંદેશ આપે છે. દુર્ગતિ કરાવનારી વસ્તુ તો રાગદ્વેષ, મમતા અને આસક્તિ છે. ભરતજી દયા બતાવી તથા સેવા કરીને અટક્યા હોત તો તો હરકત ન હતી, પરંતુ એથી આગળ વધીને એ મૃગમાં આસક્ત થયા ને ધર્મ, કર્મ, કે લક્ષ્યને ભૂલી ગયા. એ જ એમની ભૂલ હતી. એ ભૂલ જ એમની દુર્ગતિ કરાવનારી થઈ પડી. એટલે એમના જીવનમાંથી પદાર્થપાઠ શીખીને આપણે દયા તથા સેવા ધર્મમાં તો પ્રવૃત્ત થઈએ જ, પરંતુ કશામાં આસક્ત થઈને જીવનના મૂળ ધ્યેયને ભૂલી ના જઈએ એ ખાસ યાદ રાખવાનું છે.
- શ્રી યોગેશ્વરજી